ખટંબા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ત્યાં લાભાર્થી રહેવા આવ્યા નથી. જેને ધ્યાનમાં રાખી વુડાએ આવાસ યોજનામાં રૂા.35 લાખના ખર્ચે 8 બોરવેલ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે.વુડાએ ખટંબા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1286 આવાસો, 50 દુકાનો તથા 50 ઓફિસોનું બાંધકામ કરાયું છે. વુડાએ 1286 પૈકી અંદાજિત 1240 આવાસોના પઝેશન સોંપી દીધું છે. આવાસ યોજનાના બાંધકામ દરમિયાન બોરવેલનું પાણી પોર્ટેબલ ન હોવાને કારણે આવાસ યોજનાનું બાંધકામ બહારથી પોર્ટેબલ પાણી લાવી કરવામાં આવ્યું હતું.
જોકે આવાસ યોજનામાં પાણી પૂરતા પ્રેશરથી નહિ મળતું હોવાની અનેક બૂમો ઊઠી હતી અને આ અંગે વુડા અને પાલિકામાં રજૂઆત પણ કરાઈ હતી. આવાસ યોજનામાં પાલિકાએ બોર બનાવી તેના દ્વારા સપ્લાય કરાતા પાણીને મિક્સ કરી વપરાશમાં લેવા જણાવ્યું હતું. જોકે પાણીની વધુ જરૂર ઊભી થતાં આવાસ યોજનામાં વધારાના 8 બોરવેલ બનાવવા મંજૂરી મેળવાઈ છે. આવાસ યોજનામાં પીએમસી તરીકે કામગીરી સંભાળનાર એજન્સીને વર્કઓર્ડર આપી 35.91 લાખના ખર્ચે 8 બોરવેલ બનાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.