બેવડી જવાબદારી:વડોદરામાં મેયર અને MLA તરીકેની બેવડી ભૂમિકા ભજવી શકે છે કેયુર રોકડિયા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેયુર રોકડિયા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાના મેયર કેયુર રોકડિયા ભાજપની ટિકિટ પર સયાજીગંજ બેઠક પરથી જીત્યા છે. ત્યારે હવે તેઓ બંધારણીય રીતે મેયરની સાથે સાથે ધારાસભ્ય પદ પર પણ રહી શકે છે અને મેયર તરીકેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ કરી શકે છે. જો કે મુદ્દે પાર્ટી હાઇકમાન્ડનો નિર્ણય આખરી રહેશે.

ભાજપની 10માંથી 9 પર જીત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વડોદરા શહેર અને જિલ્લાની 10માંથી 9 બેઠકો પર ભાજપ અને એક પર અપક્ષની જીત થઇ છે. જેમાં શહેરની સયાજીગંજ બેઠક પર મેયર કેયુર રોકડિયાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને તેમનો જંગી બહુમતિથી વિજય થયો છે. ત્યારે હવે તેઓ મેયર પદ પર અઢી વર્ષની ટર્મ પૂર્ણ કરશે કે પછી રાજીનામું આપશે તે અંગે ચર્ચાઓ જાગી છે. તો આપને જણાવી દઇએ કે બંધારણીય રીતે તેઓ મેયર અને ધારાસભ્ય એમ બંને પદ પર ભૂમિકા ભજવી શકે છે.

મેયર તરીકે ટર્મ પુરી કરી શકે
આ અંગે રાજકીય વિશ્લેષક ડો.જયેશ શાહે દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે જો કોઇ વિધાનસભાના સભ્ય હોય અને રાજ્યસભા કે લોકસભાના સભ્ય તરીકે ચૂંટાય તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવું પડે છે. પરંતુ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ હોદ્દાપર હોય તો ધારાસભ્ય કે સાંસદ બનતા કોઇ રાજીનામુ આપવું પડતું નથી. તેઓ બંને પદ પર બંધારણીય રીતે રહી શકે છે. કેયુર રોકડિયા મેયર તરીકે લગભગ અઢી વર્ષની પોતાની ટર્મ પુરી શકે છે. કેયુર રોકડિયાને હવે 6થી 8 મહિના જેટલી જ ટર્મ બાકી છે.

બાળુ શુક્લ મેયર અને સાંસદ પદે રહ્યા હતા
તેમણે કહ્યું કે વડોદરામાં અગાઉ પણ આજ રીતે બાલકૃષ્ણ શુક્લ મેયર પદે હતા અને સાંસદ તરીકે ચૂંટાયા હતા અને મેયર પદ સાથે સાંસદ પદ ભોગવ્યું હતું. કેયુર રોકડિયા મેયર છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે તો તેઓ પણ મેયર તરીકેની ભૂમિકા અદા કરી શકે છે. આ પદ પરથી રાજીનામું આપવું કે ટર્મ પુરી કરવી તે પાર્ટીએ નક્કી કરવાનું હોય છે. પરંતુ બંધારણીય રીતે ધારાસભ્ય પદ અને મેયર પેદ બંને એક સાથે ભોગવી શકે છે.

બંધારણીય રીતે બેવડી સભ્યતા કેટલી યોગ્ય?
કોઈપણ વ્યક્તિ એક જ સમયે બંને ગૃહનો સભ્ય બની શકે નહીં. જો કોઈપણ વ્યક્તિ બંને ગ્રુહમાં ચૂંટાઈ આવે તો તેને 10 દિવસમાં નક્કી કરવું પડે કે તે કયા ગૃહમાં રહેવા માંગે છે. ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ પણ એક પદેથી રાજીનામુ આપવું પડે છે અન્યથા બંને બેઠકો ખાલી ગણાય છે. પરંતુ બંધારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પદ ભોગવી રહ્યા હોય અને સાંસદ સભ્ય કે ધારાસભ્ય બન્યા હોય તો બંને પદ ભોગવી શકાય છે. ભૂતકાળમાં આવું અનેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોએ બંને પદ ભોગવ્યા છે. આ નિયમ વિધાનસભા અને લોકસભા જેવા ગૃહ માટે લાગુ પડતો હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોઈ પણ પ્રકારના નિયમનું બંધારણમાં ઉલ્લેખ નથી.

હાઇકમાન્ડનો નિર્ણય આખરી રહી શકે
આ મામલે દિવ્યભાસ્કર દ્વારા કેયુર રોકડિયાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓનો ફોન સતત વ્યસ્ત આવતો હતો. હવે હાઇમાન્ડ દ્વારા નક્કી કરવાનું રહેશે કે કેયુર રોકડિયાને મેયર પદે જારી રાખી ટર્મ પુરી કરાવવી કે પછી નવા મેયરની નિમણૂક કરવી.

આગામી અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે
વડોદરામાં અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થયા બાદ બીજી અઢી વર્ષની ટર્મમાં મહિલાને મેયર પદે બેસાડવાનું નક્કી થયું છે. ત્યારે વડોદરામાં હાલ ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી છે. મેયરની ગેરહાજરીમાં ડેપ્યુટી મેયર કામકાજ સંભાળતા હોય છે. ત્યારે હવે જોવું રહ્યું કે છથી આઠ મહિના કેયુર રોકડિયા ટર્મ પુરી કરે છે કે પછી ડેપ્યુટી મેયર ચાર્જમાં રહે છે.