સાવલીના કોંગ્રેસના ઉમેદવારના પ્રહાર:'ફોર્મ ભરીને સૂઈ જઇશું તો પણ જીતી જઇશું કહેનારા કેતન ઇનામદાર દોડાદોડ કરે છે, સૌથી મોટા ખનન માફિયા આપણા MLA છે'

વડોદરા14 દિવસ પહેલા
સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજી.

વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજીએ ભાજપના ધારાસભ્ય અને આ બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર પર આકરા વાકપ્રહાર કરતા કહ્યું છે કે, વડોદરાના જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા આપણા ધારાસભ્ય છે.

ધારાસભ્ય ખનન માફિયા હોવાનો આક્ષેપ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર છે. તો બીજી તરફ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કુલદિપસિંહ રાઉલજીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કુલદિપસિંહે મેવલી ગામ ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, કેતન ઇનમાદાર નોકરી વાંચ્છુકોને બંગલે બોલાવી ચા પીવડાવી ધક્કા ખવડાવે છે. તેમને ખબર છે કે, તે યુવકો બે કે ત્રણ વખત ધક્કાખાઇ પછી પાછા નહીં આવે. મહીસાગર નદીમાં જે રેતી ખનન થઇ રહ્યું છે તેમાં વડોદરા જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા આપણા ધારાસભ્ય છે.

સાવલીના કોંગ્રેસના ઉમેદવારે કેતન ઇનામદાર પર પ્રહાર કર્યાં હતા.
સાવલીના કોંગ્રેસના ઉમેદવારે કેતન ઇનામદાર પર પ્રહાર કર્યાં હતા.

સાવલીમાં આ વખતે પરિવર્તન આવશે
કુલદિપસિંહે કહ્યું કે, જો હું ધારાસભ્ય બનીશ તો સાવલી વિસ્તારમાં કોઇપણ કોન્ટ્રાક્ટના કર્મચારીને છૂટો કરવામાં આવશે અને તે મને ફોન કરી જાણ કરશે તો હું 500 લોકોનું ટોળું લઇને કંપનીના ગેટમાં ઘુસાડી ન દઉ તો મારુ નામ કુલદિપસિંહ નહીં. સાવલીમાં આ વખતે પરિવર્તન આવશે.

5 તારીખે જોઈ લેજો ક્ષત્રિય ફેક્ટર કેવું ચાલે છે
કુલદિપસિંહે સભાને સંબોધિત કરતા કેતન ઇનામદાર પર નિશાન તાકતા કહ્યું કે, કેતન ઇનામદાર મીડિયામાં એમ કહતા હતા કે, ક્ષત્રિય ફેક્ટર નહીં ચાલે પણ 5 તારીખે જોઈ લેજો ક્ષત્રિય ફેક્ટર કેવું ચાલે છે. કેતન ઇનામદાર ઘરે જશે. કેતન ઇનામદાર 10 વર્ષથી ધારાસભ્ય છે, પણ નવ વર્ષ સુધી તેમને શસ્ત્રપુજન યાદ ન આવ્યું અને આ વખતે યાદ આવ્યું. કુલદિપસિંહ લડવા નિકળ્યા છે એટલે દશેરા યાદ આવ્યા.

કુલદિપસિંહની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
કુલદિપસિંહની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

વિકાસના કામ કર્યાં હોત તો આટલું દોડવું ન પડ્યું હોત
તેમણે કહ્યું કે, આ પંથકમાં 50 વર્ષથી ક્ષત્રિય સમાજની વાડી ન હતી. મેં 6 વીધા જમીન ખરીદી અને વાડી પણ બાંધી આપી. ભાઈ (કેતન ઇનામદાર) કહેતા હતા કે, ફોર્મ ભરીને સૂઇ જઇશું તો પણ જીતી જઇશું અને હવે આ છેડાથી પેલા છેડે દોડામદોડ કરે છે. વિકાસના કામ કર્યાં હોત તો આટલું દોડવું ન પડ્યું હોત.

તાજેતરમાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા
સાવલી બેઠક ઉપર ચૂંટણી લડવા માટે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર ગામના વતની અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેઓને તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.

સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજી.
સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજી.

ચાર ટર્મથી બરોડા ડેરીના ડિરેક્ટર
કુલદીપસિંહ રાઉલજી વર્ષોથી ભાજપાના સક્રિય કાર્યકર રહ્યા હતા. તેઓ વર્ષ-2009થી બરોડા ડેરીના ડિરેક્ટર છે. ઉપરાંત વર્ષ- 2013 થી 2016 સુધી ડેસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં ડિરેક્ટર પદે અને વર્ષ-2016 થી 2021 સુધી ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. વર્ષ-2003 થી 2008 સુધી વેજપુર ગ્રામ પંચાયતમાં ઉપ-સરપંચ, વેજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપી છે. તે સાથે ક્ષત્રિય સમાજમાં સક્રિય છે.

અન્ય સમાચારો પણ છે...