અન્ય મહિલાઓના નામે લોન લઈને હપ્તા ન ભરતી મહિલા સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મહિલા પોતાની જરૂરિયાતોના નામે બીજી મહિલાઓ પાસે લોન લેવડાવતી હતી અને તેના હપ્તા ભરતી નહોતી.ફતેપુરામાં રહેતાં હિમાનીબેન કદમના પાડોશમાં પૂજાબેન વાઘ નામની મહિલા રહેતી હતી. પતિ સાથે અણબનાવના કારણે તે પિયરમાં રહેતી હતી.
જીવન નિર્વાહ માટે તે મહોલ્લાની મહિલાઓના નામે લોન લઈ હપ્તા ભરી દેતી હતી. 2019માં પૂજા હિમાનીબેનના ઘરે જઈ તેણે જણાવ્યું કે, મારે 30 હજારની જરૂર છે. તમે મને મકરપુરા ખાતે સૂર્યોદય બેંકમાંથી તમારા નામે લોન કરાવી આપો, હું હપ્તા ભરી દઈશ.જેથી હિમાનીબેને લોન લઈ આપી હતી અને પૂજાએ લોનના હપ્તા ભરી પણ દીધા હતા. આ બાદ પૂજાએ ફતેગંજ વિસ્તારમાં આવેલી પહલ ફાઈનાન્સમાંથી 31 હજારની લોન, સૂર્યોદય બેંકમાંથી 50 હજારની લોન અને ઉજ્જવલ ફાઈનાન્સમાંથી 70 હજારની લોન હિમાનીબેન પાસેથી લેવડાવી હતી.
જોકે આ ત્રણે લોનના પૂરા હપ્તા પૂજાએ ભર્યા નહોતા. બાદમાં બેંકનું ક્રેડિટ કાર્ડ આપવાની લાલચે પૂજાએ હિમાનીબેનના નામે ફોન ખરીદ્યો હતો અને અન્યને વેચી દીધો હતો.પૂજા પોતાના પરિવારના નામે અવાર-નવાર મહોલ્લાના લોકો પાસેથી લોન લેતી હતી અને હપ્તા ભરતી નહોતી. મહોલ્લાની મહિલાઓએ આ વિશે પૂછતાં તેણે જણાવ્યું કે, મેં કોઈ લોન લીધી નથી. જેથી હિમાનીબેને પૂજા વાઘ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.