ગુજરાતમાં સફરજનની ખેતી:કરજણના ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો, આવતા વર્ષે પહેલીવાર પાક મળશે

વડોદરાએક વર્ષ પહેલા
  • શિમલાનાં સફરજન બહુ ખાધાં, હવે ગુજરાતીઓ વેમારનાં ખટમીઠાં સફરજન ખાવા તૈયાર રહે
  • હું લગભગ 22 વીઘા જમીનમાં બાગાયતી વૃક્ષોની ખેતી જ કરું છું: ગિરીશભાઈ પટેલ

ખેડૂતોની સાહસિકતા, પ્રયોગશીલતા અને કૃષિ કુશળતા હંમેશાં નવાં પરિમાણો, પરિણામો અને પાકો આપે છે. એને લીધે કચ્છ જેવા સૂકા અને મોટે ભાગે રેતાળ પ્રદેશમાં કેસર કેરી થાય છે અને જામનગર જિલ્લામાં વિદેશી થોરનાં ફળ અને ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. ઉત્તર ગુજરાતના ખેડૂત કેસર ઉગાડવાના પ્રયાસ કરી ચૂક્યા છે અને વિશેષતા એ છે એકાદ-બે વાર નિષ્ફળતા મળે તોપણ હતાશ થયા વગર આ ખેડૂતો પ્રયાસમાં પાછી પાની કરતા નથી.

2019ના જાન્યુઆરીમાં હિમાચલના સફરજનનું વાવેતર ગુજરાતમાં કર્યું
સફરજન આમ તો હિમાચલપ્રદેશ જેવા શીત પ્રદેશનો પાક છે. એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દૃષ્ટિએ રમૂજી લાગે, પરંતુ કરજણ તાલુકાના વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વસવાટ કરતા ખેડૂત સહ-વ્યાપારી ગિરીશભાઈ પટેલના ખેતરમાં આજે સફરજનના એક-બે નહીં, પૂરા 220 જેટલા છોડ ઉછરીને 5થી 7 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયા છે. તેમણે 2019ના જાન્યુઆરી મહિનામાં હિમાચલનાં સફરજનનું વાવેતર ગુજરાતમાં કર્યું હતું.

કચ્છના ખેડૂતમાંથી પ્રેરણા લઇને સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો
જોકે રેફ્રિજરેટર જેવા ઠંડા વાતાવરણવાળા પ્રદેશનો પાક વડોદરા અને ગુજરાતના ઓવન જેવા ગરમ પ્રદેશમાં કેવી રીતે થાય એની મૂંઝવણ નિવારતાં તેમણે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશની બાગાયત સંશોધન સંસ્થાએ સુધારેલી વરાઇટી તૈયાર કરી છે, જેનું ગરમ વાતાવરણ ધરાવતા દક્ષિણનાં બે અને રાજસ્થાન સહિત 18 રાજ્યમાં પ્રાયોગિક વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કચ્છના બાગાયત સાહસિકે પ્રથમ પ્રયત્નોની નિષ્ફળતાથી હતાશ થયા વગર આ સફરજન ઉગાડ્યા છે અને તેમનાથી પ્રેરાઇને ગિરીશભાઇએ વડોદરા જિલ્લામાં આ પ્રયોગ કર્યો છે.

હવે 2022માં આ છોડવા પરિપક્વ થઈ જતાં ફળોનો પાક લઈ શકાશે.
હવે 2022માં આ છોડવા પરિપક્વ થઈ જતાં ફળોનો પાક લઈ શકાશે.

એકવાર ફૂલો અને ફળો તોડી નાખ્યાં
ગિરીશભાઇએ એના રોપા મેળવવા હિમાચલ પ્રદેશની સંસ્થાનો સંપર્ક કર્યો, તો એ સંસ્થાએ રાજસ્થાનના જયપુરની સંસ્થા પાસેથી સફરજનના છોડ ખરીદવાની ભલામણ કરી હતી. આમ, તેમને જાણે કે અર્ધા રસ્તે ઓછા પરિવહન ખર્ચે પ્રમાણિત છોડ મળી ગયા. વાવેતરના બીજા વર્ષે એટલે કે 2020માં તો આ છોડવાઓમાં ફૂલ અને પછી ફળ બેઠાં ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો. જોકે સલાહકાર સંસ્થાએ છોડવા ત્રણ વર્ષ પછી જ પરિપક્વ થતા હોવાથી ગિરીશભાઇને તાત્કાલિક એ ફૂલો અને ફળો તોડી લેવાની સલાહ આપી.

હરમન-99 પ્રકારની વરાઇટીનાં સફરજન રંગે પીળાં-ગુલાબી અને ખટ-મધુરાં હોય છે
હવે 2022માં આ છોડવા પરિપક્વ થઈ જતાં ફળોનો પાક લઈ શકાશે, એટલે શિમલાનાં સફરજન ખાનારા ગુજરાતીઓ હવે વેમારનાં સફરજન ખાવા તૈયાર રહે. હરમન-99 પ્રકારની આ વરાઇટીનાં સફરજન રંગે પીળાં-ગુલાબી અને ખટ-મધુરાં હોય છે. તેમણે પરિવહન ખર્ચ સહિત લગભગ એક છોડના રૂ.300ના ભાવે 300 છોડ વાવેતર માટે ખરીદ્યા હતા. કાઢી નાખવામાં આવેલી નીલગીરીની જગ્યાએ એનું વાવેતર કર્યું હતું.

પ્રગતિશીલ ખેડૂત આજે 220 જેટલા છોડ ઉછરી રહ્યા છે
80 જેટલા છોડ બગડી જતાં સંસ્થાનો સંપર્ક કર્યો તો જણાવ્યું હતું કે છોડના થડની આસપાસ પાણીનો ભરાવો થાય તો છોડ મરી જાય છે. આ પાક મોટે ભાગે ઢોળાવવાળી જમીનને અનુકૂળ હોવાથી તેમણે પાળા જેવી રચના કરી, થડની આસપાસ પાણીનો ભરાવો ટાળ્યો. પરિણામે, આજે 220 જેટલા છોડ ઊછરી રહ્યા છે. રાજ્યના બાગાયત વિભાગની વડોદરા કચેરીએ પણ તેમના આ પ્રયોગની નોંધ લીધી છે.

હરમન-99 પ્રકારની આ વરાઇટીનાં સફરજન રંગે પીળાં-ગુલાબી અને ખટ-મધુરાં હોય છે.
હરમન-99 પ્રકારની આ વરાઇટીનાં સફરજન રંગે પીળાં-ગુલાબી અને ખટ-મધુરાં હોય છે.

કપાસ, દિવેલા, તુવેર જેવી પરંપરાગત ખેતી કરતા જ નથી
મૂળ ખેડૂત એવા ગિરીશભાઈ પટેલનો પરિવાર કરજણમાં સ્ટેશનરીનો જામેલો વ્યાપાર ધરાવે છે, તો પણ તેઓ જમીન સાથે જોડાયેલા છે. તેમણે પોતાની 18 વીઘા જમીન વધારીને 22 વીઘા કરી છે. તેમણે 300 આંબાનું કેસર કેરીનું આંબાવાડિયું કર્યું છે. છેક 2003થી નીલગીરીની સફળ ખેતી કરી છે. ગુલાબી જામફળ ઉછેર્યા છે, જેનો પહેલો પાક આ વર્ષે મળશે. તેઓ કહે છે કે હું કપાસ, દિવેલા, તુવેર જેવી પરંપરાગત ખેતી કરતો જ નથી. મારાં ખેતરોમાં ઝાડવા જ છે, એટલે કે તેઓ વૃક્ષ ખેતી જ કરે છે. તેમનું કહેવું છે કે વાડીની ખેતી પરંપરાગત ખેતી જેટલી જ લાભદાયક છે અને જહેમત ઓછી છે.

આપણી જમીનમાં ઉગેલાં ફળ ખાવાનો આનંદ અનેરો જ હોય છે
ગિરીશભાઇની કૃષિ સાહસિકતાને લીધે વડોદરાને વેમારના સફરજન ખાવા મળશે. કદાચ એ શિમલાના સફરજન જેવા મોટા અને ડિલાશિયસ ભલે ના હોય, પણ આપણા વિસ્તારમાં અને આપણી જમીનમાં ઉગેલાં ફળ ખાવાનો આનંદ અનેરો જ હોય છે. સફરજન જેવા નવા પાકો લેનારા ખેડૂતોને ભારત સરકારની પ્રોત્સાહક યોજનાનો લાભ આપવા બાગાયત ખાતું પ્રયત્ન કરશે. વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી યોગેશભાઈએ વેમારમાં સફરજનની ખેતીની વાત જાણવા મળતાં ગિરીશભાઇના ખેતરની મુલાકાત લીધી હતી અને નવા પ્રયોગ માટે અભિનંદન આપ્યાં હતાં.

નવા પાકના ખેડૂતોને લાભ મળે એ દિશામાં વિચારણા
તેમણે જણાવ્યું હતું કે સફરજન એ ગુજરાતનો પ્રચલિત ફળ પાક નથી, એટલે આપણી બાગાયત પ્રોત્સાહક યોજનાઓમાં એનો સમાવેશ નથી થતો, પરંતુ ભારત સરકારની નેશનલ સસ્ટનેબલ એગ્રિકલચરની યોજનામાં વ્યાપક ફળ પાકોનો સમાવેશ થયેલો હોવાથી સફરજન જેવા નવા પાકના ખેડૂતોને એનો લાભ મળી શકે એ દિશાની વિચારણા છે. આ યોજનાના ક્લસ્ટરમાં કરજણ તાલુકાના કુરાલી અને ધાવટ સહિત વેમારનો સમાવેશ થતો હોવાથી અમે આ યોજના હેઠળ પ્રોત્સાહક લાભ આપવાની શક્યતા ચકાસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...