ભાસ્કર એક્સક્લુઝિવ:કપચીનો કકળાટ: પાલિકાના 10 રોડનું કામ અટક્યું, 500થી વધુ સાઇટો ઠપ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કફોડી હાલત: ક્વોરી એસોસિયેશનની હડતાળના કારણે કપચીનું વહન અટક્યું
  • સોમવારે ક્વોરી સંચાલકો અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ રહી, હડતાળ લંબાશે

રાજ્યમાં ક્વોરી એસોસિએશને પડતર પ્રશ્નોની માંગ સાથે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જેની સીધી અસર વડોદરા મહાનગર પાલિકાના 10 રોડના કામ પર અને 500થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ પર વર્તાઇ રહી છે. ક્વોરી બંધ રહેવાથી કપચીનું પરિવહન અટકી જતાં આ પરિસ્થિતિ સર્જાઇ છે.

રાજ્યમાં ક્વોરી એસોસિએશન છેલ્લા 17 દિવસથી હડતાળ પર છે. ક્વોરી અંગે સરકારે કરેલા વાયદાઓ પૂર્ણ નહી થતા ક્વોરી એસોસિએશને કોઈપણ પ્રકારની કપચી, મેન્ટલ સહિતની વસ્તુઓ કન્ટ્રકશન સાઈટ તેમજ સરકારને સપ્લાય કરવાનું બંધ કર્યું છે. જેની હવે અસર વર્તાઈ રહી છે. વડોદરા શહેરમાં બનતા રોડમાં વપરાતી નાની કપચી પંચમહાલ જિલ્લાની ક્વોરીમાંથી આવતી હોય છે. સૂત્રો મુજબ આ હડતાલના કારણે શહેરના 4 સ્માર્ટ રોડ સહિત કુલ 9 રોડ અને જિલ્લાના 1 રોડનું કામ અટવાઈ પડ્યું છે.

બીજી તરફ શહેરમાં હાલમાં 1800 ઉપરાંત નાની મોટી કન્સ્ટ્રકશન સાઈટ ચાલી રહી છે. જેમાં ક્વોરી મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રેડાઇના સૂત્રો મુજબ ક્વોરીમાંથી મેટલ અને કપચી આવતી નહીં હોવાથી 500થી વધુ સાઈટ પર કામ બંધ છે. જો આગામી દિવસોમાં હજી હડતાળ ચાલુ રહેશે તો બીજી કન્સ્ટ્રક્શન સાઈટને તેની અસર થશે. સોમવારે ગાંધીનગર ખાતે ક્વોરી એસો. અને સરકાર વચ્ચે બેઠક થઇ હતી. પરંતુ તે તેમાં કોઈ નિર્ણય નહીં થતા હડતાળ હજી લંબાશે અને તેની સીધી અસર સરકારી અને ખાનગી કામો પર પડશે ચોક્કસ છે.

હડતાળના કારણે અટવાઈ પડેલા 10 રોડ
1. વાસણા રોડ તરફ
2. અકોટા ગેલ ઓફીસ તરફ
3. ગોરવા રોડ તરફ
4. દશામાં તળાવ તરફ
5. સોમતળાવ રોડ તરફ
6. હરણી સ્માર્ટ રોડ
7. સમા સાવલી સ્માર્ટ રોડ
8. આજવા સ્માર્ટ રોડ
9. વાઘોડિયા સ્માર્ટ રોડ
10. કુરાલ-શાનપુર-સોખડા ખુર્દ

આજે ફરી સરકાર સાથે બેઠક યોજાશે
ગત 1લી મેથી ક્વોરી એસોસિએશન હડતાળ પર છે. સોમવારે સરકાર સાથેની બેઠકમાં ઉકેલ આવ્યો નથી. મંગળવારે સાંજે બીજી બેઠક છે. હાલમાં કન્સ્ટ્રક્શન સાઈટનું કામ ઠપ થઈ રહ્યું છે. નિવેડો નહીં આવે તો તમામ કન્સ્ટ્રક્શન કામ રોકાઈ જશે.> અમિત સુથાર, સેક્રેટરી, ક્વોરી એસો.​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...