કપિરાજનો આતંક યથાવત:વડોદરાના સિંધવાઇ માતા રોડ ઉપર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ પાસે વૃદ્ધાને કપિરાજે પગમાં બચકું ભર્યું

વડોદરા20 દિવસ પહેલા
કપિરાજના હુમલાનો ભોગ બનેલી વૃદ્ધા
  • છેલ્લા પંદર દિવસથી કપિરાજે વિસ્તારમાં ફફડાટ ફેલાવી દીધો છે

વડોદરા શહેરના સિંધવાઈ માતા રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ પાસે ભૂરાયો બનેલો કપિરાજ વારંવાર આસપાસના રહીશો અને રાહદારીઓ ઉપર હુમલા કરી રહ્યો છે. આયુર્વેદિક હોસ્પિટલમાં દવા લેવા માટે આવેલા છાણીના વૃદ્ધા ઉપર કપિરાજે હુમલો કરી પગમાં બચકું ભરી લીધું હતું. નોંધનીય છે કે, તાજેતરમાં મંદિરના પૂજારીને પણ પગમાં બચકું ભર્યું હતું. અવાર-નવાર કપિરાજ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાને પગલે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

સ્થાનિક લોકોમાં ગભરાટ
મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરના પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ પર આવેલી સારાભાઈ આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે. જેની આસપાસના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી કપિરાજ દ્વારા હુમલા થતા હોવાના બનાવો બની રહ્યા છે. પંદર દિવસ પહેલા મંદિરના પૂજારી આરતી કરતા હતા. ત્યારે એકાએક ધસી આવેલા કપિરાજે પૂજારીને પગમાં બચકું ભરી લીધું હતું. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. જ્યારે આ અંગે વન વિભાગને જાણ કરવા છતાંય પંદર દિવસથી વન વિભાગ દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. પરિણામે વિસ્તારના લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.

કપિરાજને પકડવા વન વિભાગે પાંજરું મૂક્યું
કપિરાજના વધેલા આતંકને પગલે વન વિભાગ દ્વારા હોસ્પિટલ પરિસરમાં કપિરાજને પાંજરે પૂરવા માટે છટકું ગોઠવીને પાંજરું મૂકવામાં આવ્યું છે. પરંતુ હુમલાખોર કપિરાજ પકડાતો નથી. બુધવારે આયુર્વેદિક હોસ્પિટલમાં દવા લેવા માટે આવેલા છાણી ગામના વૃદ્ધા શશીબાલાબેન પર કપિરાજે હુમલો કરી પગમાં બચકું ભરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પંદર દિવસમાં બીજી ઘટના બનતા લોકો ઘરની બહાર નીકળતા ગભરાય રહ્યા છે તો હોસ્પિટલના સ્ટાફમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

વૃદ્ધાને સારવાર આપવામાં આવી
મળેલી માહિતી પ્રમાણે સારાભાઈ આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા શશીબાલા મિત્તલ હોસ્પિટલ પરિસરમાં બેઠા હતા. ત્યારે હુમલાખોર કપિરાજ વૃદ્ધાના પગ પર બચકું ભરી જતો રહ્યો હતો. આ બનાવ બનતા હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં જ સારવાર આપી હતી. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...