હુમલો:કલ્યાણનગરનો હુમલાખોર મોનુ પઠાણ હજી પોલીસની પકડથી દૂર

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દશામાના મંદિરમાં આરતી મુદ્દે પૂજારી પરિવાર પર હુમલો કર્યો હતો
  • ભાજપના લઘુમતી મોરચાના કાર્યકર સહિત 9 સામે ગુનો નોંધાયો હતો

શહેરના ફતેગંજ વિસ્તારમાં કલ્યાણનગર દશામાના મંદિરમાં આરતીનો અવાજ ઓછો કરવાના મુદ્દે ચડભડ થયા બાદ લઘુમતી કોમના અને ભાજપના લઘુમતી મોરચાના બે કાર્યકરો સહિતનું ટોળું મંદિર ખાતે ધસી ગયું હતું અને પૂજારી પરિવાર પર તલવાર અને બેલ્ટથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિવારના પાંચ જણ ઘાયલ થયા હતા. સયાજીગંજ પોલીસે ભાજપના લઘુમતી મોરચાના કાર્યકર સહિત 9 જણાં સામે હુલ્લડનો ગુનો નોંધી 8 જણાંની અટક કરી હતી પણ તલવારથી હુમલો કરનાર મોનું પઠાણ હજુ પણ પકડાયો નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે કલ્યાણનગરમાં ભરત ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, જ્યારે રવિવારે સાંજે 6-30 વાગ્યે દશામાના મંદિરમાં પૂજા કરતો અને સ્પીકર પર ભજન વગાડતો હતો ત્યારે મંદિર પાસે વુડાના મકાનમાં રહેતાં સાબનબી પઠાણ, ભાજપ લઘુમતી મોરચાનો કાર્યકર મોનુ પઠાણ, સલીમ પઠાણ, નજીમ ખાન, મહંમદ વસીમ અને પપ્પુ પઠાણ સહિતના શખ્સોએ આવીને આરતી માટેનું સ્પીકર બંધ કરી દેવા માટે જણાવ્યું હતું. જોકે ભરત ઠાકોરે એવું કરવાની ના કહી હતી.

આ પછી તે જતા રહ્યા હતા અને તે પછી સાબનબીનો ભાણિયો બોલ રમતો હતો તે વેળા બોલ માસુમ ભાણિયાને વાગતાં ભરત અને તેની માતા કહેવા જતાં છ જણાં ઉશ્કેરાઈ ગયા હતા. સાબનબીના મોટા ભાણીયાએ વિઠ્ઠલજી ઠાકોરને પટ્ટાથી માર માર્યો હતો જ્યારે બીજા બે જણાએ ભરતની માતા દરિયાબેનને માર માર્યો હતો. સાબનબીના નાના ભાણીયાએ ભરતની પત્નીને માથામાં દંડો માર્યો હતો અને મોનુ પઠાણે તલવારની ઊંધી બાજુથી હુમલો કર્યો હતો. ભરતના નાના ભાઈ જતીન ઠાકોરને પણ સલીમ પઠાણે ગડદાપાટુનો માર માર્યો હતો. સયાજીગંજ પોલીસે સાબનબી પઠાણ, મોનુ પઠાણ, સલીમ પઠાણ, નાજીમખાન, મહંમદ વસીમ,પપ્પુ પઠાણ અને ત્રણ અજાણ્યા સહિત નવ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...