વિવાદ:બસ માટે મેં પત્રો લખ્યા, બીજો નારિયેળ ફોડીને જશ લે છે: મધુ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
મધુ શ્રીવાસ્તવ - Divya Bhaskar
મધુ શ્રીવાસ્તવ
  • વાઘોડિયા સુધી સિટી બસ દોડાવવા મુદ્દે જશ ખાટવાની હોડ
  • ધર્મેન્દ્રસિંહ દાવો કરતા હોવાની અનેક વાતો વહેતી થતાં વિવાદ

વડોદરાના શહેરીજનોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો કરવા પાલિકા દ્વારા સિટી બસ દોડાવવામાં આવી રહી છે. બીજી તરફ વાઘોડિયાના લોકોને લાભ મળે તે માટે સિટી બસની સેવા શરૂ કરવામાં આવી છે. જોકે સિટી બસ શરૂ કરાવવાનો જશ ખાટવા મુદ્દે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પ્રયાસ ચર્ચાની એરણે ચઢ્યો છે.

શહેરીજનોને એક સ્થળેથી બીજી સ્થળે જવા માટે સિટી બસ સેવા ઉપલબ્ધ છે. આ સુવિધા હવે શહેર નજીક આવેલા વાઘોડિયા ગામ સુધી શરૂ કરવામાં આવી છે. વડોદરાથી વાઘોડિયા સુધી આ સેવા શરૂ કરવામાં આવતાં લોકોને પણ રાહત થઈ છે. જોકે આ સેવા કોના કહેવાથી શરૂ થઈ છે તે બાબતે હવે રાજનીતિ શરૂ થઈ છે. સિટી બસ સેવા ચાલુ કરવાનો જશ લેવા અલગ-અલગ રાજકીય હરીફો મેદાને ઊતરતા વિધાનસભાની ચૂંટણી પૂર્વે વાઘોડિયામાં રાજકારણ ગરમાયું છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તેઓની સરકાર છે.

તેઓએ અનેક પત્રો લખ્યા બાદ આ સુવિધા શરૂ થઈ છે. કોઈ વ્યક્તિ માત્ર નારિયેળ ફોડી તેનો જશ ખાટવા જાય છે. બધા જ જાણે છે કે આ કામગીરી મેં કરી છે. બીજી તરફ વાઘોડિયા વિધાનસભામાં ઉમેદવારી કરવા ઇચ્છુક ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ સિટી બસ સેવા શરૂ કરાવી હોવાનો દાવો કરતા હોવાની અનેક વાતો વહેતી થઈ છે. આ સંદર્ભે તેઓનો સંપર્ક થઈ શક્યો નહતો.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે તેવામાં વાઘોડિયા વિધાનસભામાં ટિકિટ મેળવવા ઇચ્છતા રાજકીય નેતાઓ અવનવા કાર્યક્રમ કરી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે તેવામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થશે તે સ્વાભાવિક છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વાઘોડિયા વિધાનસભા માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ દાવેદાર હોવાનું કહેવાય છે. તેવામાં રાજકીય નેતાઓ વચ્ચેની હુંસાતુંસી વાઘોડિયા વિધાનસભામાં ચર્ચાનો વિષય બની છે.

એકતરફ હાલના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આગામી વિધાનસભાના પ્રબળ દાવેદાર છે તેમ માની રહ્યાં છે. તો બીજી તરફ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ પોતાનું જોર અજમાવી રહ્યાં છે. ગત વિધાનસભાના સમયથી જ મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ગજગ્રાહે જન્મ લીધો હતો. ભાજપમાંથી ટીકીટ ના મળતાં ધર્મેન્દ્રસિંહે અપક્ષ લડી મધુ શ્રીવાસ્તવ સામે તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...