આપઘાત:વડોદરામાં લગ્નના 5 દિવસ પહેલાં જ ગોત્રીના રાજેશ ટાવર રોડ પરની લલીતાનગર સોસાયટીની યુવતીએ ગળેફાંસો ખાધો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્નના 5 દિવસ પહેલાં જ ગોત્રીની યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

ગોત્રી રાજેશ ટાવર રોડ પર રહેતી યુવતીએ લગ્નના પાંચ દિવસ પહેલાં જ તેના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. યુવતીના રૂમમાં મળી આવેલી અંતિમ ચિઠ્ઠીમાં તેણીએ પોતાની મરજીથી આ પગલું ભર્યું છે, તેવો ઉલ્લેખ કર્યો છે. પોલીસે તેનો મોબાઈલ ફોન કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ગોત્રી રાજેશ ટાવર રોડ પર આવેલી લલીતાનગર સોસાયટીમાં 27 વર્ષની સમૃદ્ધિ નરહરભાઈ હળબે રહેતી હતી. તે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી. સમૃદ્ધિના પિતા નરહરભાઈ અમદાવાદ રેવન્યૂ વિભાગમાં ક્લાસ 2 અધિકારી છે. આગામી 24મી તારીખે સમૃદ્ધિના લગ્ન હતા. ઘરમાં લગ્નનો માહોલ હતો અને તૈયારીઓ પુરજોશમાં ચાલતી હતી. દરમિયાન સમૃદ્ધિએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરતાં ખુશખુશાલ પરિવાર શોકાતુર બન્યું હતું.

શનિવારે સમૃદ્ધિ તેના મકાનના ઉપરના માળે સૂઈ ગઈ હતી. વહેલી સવારે તેની બહેન તેને ઉઠાડવા ગઈ હતી ત્યારે સમૃદ્ધિએ રૂમનો દરવાજો નહિ ખોલતાં પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. બહેને બાજુના ધાબા પર જઈ રૂમનો બીજો દરવાજો ખોલી જોતાં સમૃદ્ધિ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. ઘટનાના પગલે પરિવારજનોએ ગોરવા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. સમૃદ્ધિના રૂમમાંથી પોલીસને અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તે પોતાની મરજીથી સ્યૂસાઇડ કરી રહી છે, તેનાં આ પગલાં માટે કોઈ જવાબદાર નથી.ગોરવા પોલીસે સ્યૂસાઇડ નોટ કબ્જે લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે સમૃદ્ધિના મોબાઈલ ફોનને તપાસ માટે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતીએ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને યુપીના યુવક સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા
યુવતીનું લગ્ન ઉત્તરપ્રદેશના એક યુવક સાથે નક્કી થયા હતા. યુવતીએ અચાનક જ અણધાર્યું અને ચોંકાવનારું પગલું ભરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીએ બેચલર ઓફ ટેકનોલોજી(બી.ટેક) સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. આ આ અભ્યાસ કર્યા બાદ વડોદરાના ગ્રાહક ફોરમમાં કોન્ટ્રરાકટ હેઠળ નોકરીમાં જોડાઈ હતી.

​​​​​​​યુવતીનું લગ્ન થવાનું હોવાથી તેણીએ શનિવારે લગ્નની તૈયારીના ભાગરૂપે બ્યુટી પાર્લર ખાતે ગઈ હતી. જોકે ખુશીના આ પ્રસંગમાં ઘરની નાની પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા માતા પિતા અને ઘરે આવેલા સંબંધીઓમાં ભારે ચકચાર ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...