નિર્ણય:ખોટા જવાબો મૂકી દેવાતાં જુનિયર એન્જિનિયરની પરીક્ષા રદ કરાઇ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા રેલવે ડિવિઝન દ્વારા લેવાયેલી પરીક્ષામાં ફરી છબરડો
  • રેલવે અધિકારીઓને બચાવવા ખેલ ખેલાયો હોવાનો આક્ષેપ

વડોદરા રેલવે ડિવિઝનમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર પહોંચ્યો હોવાના આક્ષેપોને સમર્થન મળતું હોય તેમ જુનિયર એન્જિનિયરના પ્રમોશન માટેની પરીક્ષા (જેમાં દર્શાવાયેલા જવાબોના વિકલ્પો ખોટા હતા તેવો આરોપ મુકાયા છે) વહીવટી કારણસર કેન્સલ કરી અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે. પરીક્ષા પાસ કરીને ટ્રેનિંગમાં ગયેલા એન્જિનિયરોને પાછા મૂળ સ્થાને મોકલી આપ્યા હોવાનું જાણવા મળે છે.

આ બનાવની વિગતો એવી છે કે, મેમૂ કાર શેડ વડોદરા યાર્ડમાં જુનિયર એન્જિનિયર માટે 30-12-19ના રોજ વિભાગીય પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં 18 કર્મીઓએ જુનિયર એન્જિનિયર બનવા માટે પરીક્ષા આપી હતી, જેમાં 3 પોસ્ટ માટે 3 યોગ્ય કર્મીઓની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ તેમને ટ્રેનિંગમાં મોકલી દેવામાં આવ્યા હતા. કર્મચારીઓની એક વર્ષની ટ્રેનિંગ બાદ રેલવે દ્વારા જણાવાયું કે, વહીવટી કારણસર પગલે પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. જેમાં એવું કારણ દર્શાવાયું કે, રેલવે દ્વારા જે ઉત્તરપત્રિકા બનાવાઈ હતી તે ખોટી હતી. આ સૂચના બાદ 17-9-20ના રોજ કર્મીઓને પરત તેમના સ્થળે નોકરી પર મોકલી દેવાનો હુકમ કરાયો હતો.

આવી ઘટના ગયા વર્ષે પણ બની હતી. જેમાં 18 પોર્ટરોનાં પ્રમોશન અટવાઇ ગયાં હતાં. વડોદરા ડિવિઝનમાં સતત આ બીજી ઘટના બની છે. કેટલાક અધિકારીને બચાવવા આ ખેલ થયો હોવાનું ચર્ચાય છે. રેલવે ડિવિઝનના જન સંપર્ક અધિકારી ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, ‘આ પરીક્ષા કેન્સલ થઈ છે, પણ આ પ્રકરણમાં તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે પગલાં ભરાશે. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ એમ રેલવે માને છે.

હવે રેલ અધિકારી સામે પગલાંનો સમય છે
વડોદરા રેલવે ડિવિઝન દ્વારા પરીક્ષા લેવાય છે. વિવિધ કેટેગરીના કર્મીઓને પ્રમોશન માટે પરીક્ષા લેવાતી હોય છે. પરીક્ષામાં પાસ કરીને બઢતી પામેલ કર્મીઓને ટ્રેનિંગમાં મોકલાય છે. ત્યારબાદ વડોદરા રેલવે દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે જે પરીક્ષા પાસ કરી હતી તે ડિપાર્ટમેન્ટની ભૂલના કારણે રદ કરવામાં આવે છે. આ ફરી વાર છબરડો થયો છે. આ સંબંધમાં હવે રેલવે દ્વારા અધિકારીઓ સામે પગલાં લેવાનો સમય આવી ગયાે છે. > ઓમકારનાથ તિવારી, સભ્ય, ડીઆરયુસીસી, વડોદરા

અન્ય સમાચારો પણ છે...