ગત 29 તારીખે ગોત્રી ગદાપૂરા રોડ ઉપર ૬૬ કેવી હાઈ ટેન્શન લાઇનનો 250 ફૂટ જેટલો જીવંત વીજ પ્રવાહ ધરાવતો વાયર તૂટી પડતાં અફરાતફરી મચી ગઇ હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે આજ વિસ્તારમાં હાઇટેન્સન વીજના ટાવર અને તારની બિલકુલ નીચે જ નર્સરી અને ફર્નિચરની દુકાન ઉપરાંત એક પાર્ટી પ્લોટ પણ બંધાયા છે, જેને લઇ મોટી દુઘટર્ના થશે એવી આશંકા વ્યક્ત કરી સામાજિક કાર્યકરે આ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની માંગ કરી હતી જેના પગલે વીજ કંપનીએ નર્સરીવાળાને નોટિસ આપી હોવાનું જાણવા મળે છે.
ગોત્રી વિસ્તારના નીલાંબર સર્કલથી વોર્ડ નંબર 11 જવાના રોડ ઉપરથી વીજ વિભાગની હાઇટેન્શન લાઇન પસાર થાય છે. આ લાઇન અને મોટા થાંભલાથી 10 મીટર અંદર સુધી કોઈ કાયમી કે હંગામી બાંધકામ થઈ શકતું નથી. તેમ છતાં આ હાઇટેન્શન લાઇનની નીચે એક ફૂલઝાડની નર્સરી અલંગ હાઉસના નામે ફર્નિચરની મોટી દુકાન અને એક પાર્ટી પ્લોટ ખડા થઈ ગયા છે. જેના કારણે રજૂઆત મળતાં નોટીસ આપવામાં આવી હતી.
અન્ય બાંધકામો પણ દૂર કરી દેવાશે
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ જણાવ્યું હતું કે હાઇટેન્સન ટાવરની નીચે નર્સરી અને મકાન હોવાનું અમારા ધ્યાન ઉપર આવ્યું હતુ પરિણામે શિવશંકર નર્સરીના માલિકને નોટિસ આપવામાં આવી છે હાઇટેન્સન લાઇનની નજીક આવેલા અન્ય બાંધકામો પણ દૂર કરવામાં આવશે એમ અધિકારીઓ કહ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.