નો-રિપિટ થિયરી:ધારાસભ્ય જિતુ સુખડિયાએ કહ્યું, આ મારી છેલ્લી ટર્મ, મધુ શ્રીવાસ્તવે હુંકાર કરતાં કહ્યું, 100 ચહેરામાં મારી વાત નથી

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિતુ સુખડિયાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
જિતુ સુખડિયાની ફાઇલ તસવીર.
  • પ્રદેશ ભાજપ-પ્રમુખની નવા ચહેરાને વિધાનસભાની ટિકિટ આપવાની વાતે ભૂકંપ
  • નો-રિપિટમાં સયાજીગંજ, માંજલપુર, વાઘોડિયામાં ચહેરો બદલાય એવી અટકળો

એક વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ-અધ્યક્ષ દ્વારા 100થી વધુ નવા ચહેરાને ટિકિટ આપવાનો સંકેત આપતાં વડોદરા ભાજપ મોરચે ભૂકંપ સર્જાયો છે. જોકે નવા ચહેરાઓને તક મળવાની સ્થિતિને પગલે ટિકિટ માટે વર્ષોથી રાહ જોતા કાર્યકરોમાં ખુશાલીનું મોજું ફરી વળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપના 112 ધારાસભ્ય છે અને એ જોતાં બાકીની બેઠકો પર નવા ચહેરા કે અનુભવી ચહેરાની પસંદગી કરવી પડે એ નક્કી છે.પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલે સોમવારે રાત્રે હિંમતનગર ખાતે પેજ-પ્રમુખોના સંમેલનમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આવતી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ નવા ધારાસભ્યો હશે.

તાજેતરમાં મુખ્યમંત્રી સહિતનું રાજ્યનું આખું મંત્રીમંડળ નો-રિપીટ હતા, એ જ પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રણનીતિ અપનાવે એવી શક્યતા જોવામાં આવી રહી છે, જેમાં ચાર ટનથી વધુ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હોય તેવા જૂના જોગીઓને ઘરભેગા કરી દેવા અથવા 65 વર્ષથી વધુ વય ધરાવતા હોય તેવા લોકોને પણ નો-રિપીટ થિયરીમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા જોવામાં આવી રહી છે.

આ સંજોગોમાં 5 ટર્મ રાવપુરા અને બે ટર્મથી માંજલપુર વિધાનસભા બેઠકનું ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા પૂર્વ મંત્રી યોગેશ પટેલ સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારના ચાર ટર્મના ધારાસભ્ય જિતુ સુખડિયા અને વાઘોડિયાના આખાબોલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ને ઘરે બેસવાનો વારો આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

માંજલપુરમાં પાટીદાર ચહેરો,સયાજીગંજમાં વૈષ્ણવ અથવા મરાઠી ચહેરો તો વાઘોડિયામાં જુસ્સો ધરાવતો ચહેરો ભાજપ દ્વારા પસંદ કરવામાં આવે તેવી ચર્ચા ય અત્યારથી જોર પકડ્યું છે, જોકે આ અંગેનો અંતિમ નિર્ણય ભાજપ હાઈકમાન્ડ કરશે અને તેના આધારે ઉમેદવારો નકકી થશે.

મારે આ અંગે કશું કહેવું નથી
વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ મળશે કે કેમ તે અંગે મારે કશું કહેવું નથી અને પાર્ટી જે નક્કી કરશે તે કરીશું.”> યોગેશ પટેલ, ધારાસભ્ય માંજલપુર

હું તો લડીશ અને જીતીશ પણ ખરો
વાઘોડિયાની આગામી ચૂંટણીમાં હું ઉમેદવાર છું અને ચૂંટણી લડીશ અને જીતીશ પણ ખરો તે નક્કી છે.જે સો નવા ચહેરાની વાત છે તેમાં મારી વાત નથી. > મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય,વાઘોડિયા

પક્ષનો જે નિર્ણય હશે તે શિરોમાન્ય
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી જે નિર્ણય લેવાય તે શિરોમાન્ય રહેશે અને મને ટિકિટ આપવી કે કેમ તેનો નિર્ણય પાર્ટી લેશે તેને હું માન્ય રાખીશ.> કેતન ઇનામદાર, ધારાસભ્ય સાવલી

હવે પરિવાર સાથે સમય કાઢવો છે
મારી તો આમ પણ આ છેલ્લી ટ્રામ છે.ગત ચૂંટણી વખતે જ મેં જાહેર કર્યું હતું કે હું નહીં લડું.હવે પરિવાર સાથે સમય કાઢવો છે.પક્ષ જેને ટિકિટ આપશે તેને જિતાડવા હું કામે લાગીશ.> જિતુ સુખડિયા, ધારાસભ્ય, સયાજીગંજ

અન્ય સમાચારો પણ છે...