ઉમેદવારોને ઉપાડ્યા:‘આપ’ણાને પારકા થતાં રોકવાની જાત્રા 6 ઉમેદવારોને ઘરેથી પહેરેલાં કપડે વડોદરાથી અમદાવાદ-સોમનાથ તરફ લઇ જવાયા

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપના ઉમેદવારો સુરતની જેમ ફોર્મ ખેંચી ન લે તે માટે વડોદરા શહેર-જિલ્લાના ઉમેદવારોને ઉપાડ્યા
  • શહેર-જિલ્લાના 10માંથી 3 ઉમેદવાર સંપર્ક વિહોણા, 1 વડોદરામાં જ રહ્યા

સુરત પૂર્વની વિધાનસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લેતા આમ આદમી પાર્ટીને સીટ ગુમાવવી પડી છે. જેને પગલે આમ આદમી પાર્ટી બીજા તબક્કાની ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21મી સુધી વડોદરા શહેર જિલ્લાના 6થી વધુ ઉમેદવારોને ખાનગી વાહનોમાં સોમનાથ લઈ જઇ રહી હોવાનું તેના ઉમેદવારે જણાવ્યું છે.

આપે ઉમેદવારોને અન્ય સ્થળે લઈ જવાની કવાયત હાથ ધરી છે. રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની 21 તારીખ છે. તે પહેલા ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે આપ વડોદરા શહેર-જિલ્લાના 6થી વધુ ઉમેદવારોને સોમનાથ લઈ ગઇ છે. દિવ્યભાસ્કરની સોમનાથ જઇ રહેલા ઉમેદવારો પૈકી એક સાથે વાત થઇ હતી.

તેમણે કહ્યુ કે આપના નેતા અમારા ઘરે આવ્યા હતાં અને કહ્યુ હતું કે, કપડા લઇ લો, જવાનું છે. અમે ગાડીમાં બેસી ગયા હતાં. તેમણે જણાવ્યુ હતું કે, શહેરની સયાજીગંજ બેઠકના ઉમેદવાર સ્વેજલ વ્યાસ, રાવપુરાના હિરેન શિર્કે, અકોટાના શશાંક ખરે અને શહેર વિધાનસભાના જીગર સોલંકીને લઇ જવાઇ રહ્યા છે. સાથે વાઘોડિયાના ગૌતમ રાજપૂત અને સાવલીના વિજયસિંહ ચાવડા પણ છે.

જ્યારે 10 બેઠકો પૈકીની પાદરા, કરજણ, ડભોઇ બેઠકોના ઉમેદવારો અંગે માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. માંજલપુર વિધાનસભાની બેઠકના ઉમેદવાર વિનય ચવાણે જણાવ્યુ હતું કે, જે ઉમેદવારોની સીટ શંકાસ્પદ લાગે છે તે ઉમેદવારોને લઇ જવાયા છે. જેમાં 4 લોકોનો સમાવેશ થાય છે. તે ઉમેદવારો મારો પણ ફોન ઉપાડી રહ્યા નથી.

બધા અહીં જ છે : શહેર પ્રમુખ, ઇટાલિયા-સોરઠિયા સંપર્ક વિહોણા
આ અંગે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો સંપર્ક કરતા તેઓ પ્રચારમાં હોવાનો જવાબ કોલ ઉપર કોઇએ આપ્યો હતો. જ્યારે આપના મનોજ સોરઠીયાનો સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે આપના વડોદરા શહેર પ્રમુખ પ્રતિમા વ્યાસ પટેલે જણાવ્યું હતું કે, તમામ ઉમેદવારો શહેરમાં જ છે અને કોઈ બહાર ગયું નથી. બાકી મને ખબર નથી.

પંજાબના MLAની આગેવાની, વડોદરા-અમદાવાદ સહિતના શહેરના ઉમેદવારોને લઇ ગયા
​​​​​​​ફોર્મ ખેંચવાની તારીખના 2 દિવસ પહેલાં જ આપની રણનિતીની અપનાવતાં રાજ્યભરમાં ચર્ચા છે. સોમનાથ જઇ રહેલા પૈકીના એક ઉમેદવારે જણાવ્યું કે પંજાબના MLA અમાારી સાથે છે. 6થી 7 ગાડીઓમાં લઇ જવાઇ રહ્યા છે. અમદાવાદ સહિત અન્ય શહેરોના ઉમેદવારો પણ છે, સોમનાથ પાસેના ફાર્મ હાઉસમાં રાખવાના છે તેવી માહિતી છે.

અન્ય સમાચારો પણ છે...