ભગવાન મહાવીર દ્વારા સ્થાપિત જૈન શાસન સ્થાપના દિવસની વડોદરા શહેરના જૈનોએ ઉજવણી કરી હતી. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, આજે સુભાનપુરા જૈન સંઘમાં પ્રતિષ્ઠા માટે પધારેલા આચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ તથા હર્ષવલ્લભ સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સવારે સુરેશ શાહ તથા અશ્વિન દોશી દ્વારા દીપક પ્રગટાવીને જૈન શાસન ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તથા બહેનો એ ગીતો ગાયા હતા.
જૈનાચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામીએ સદેહે આજથી 2618 વર્ષ પહેલાં વૈશાખ સુદ અગિયારસના દિવસે ચતુર્વિધ સંઘ ની સ્થાપના કરી હતી અને આજે 2619 મો શાસન દિવસ આપણે ઉજવી રહ્યા છે. આ જૈન શાસન હજુ સાડા અઢાર હજાર વર્ષ ચાલવાનું છે.
આજે જૈનોએ ઉત્સાહભેર શાસન સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. શાસન ધ્વજ ઘેર ઘેર ફરકાવ્યા હતા તથા ઘરે દીવડા પ્રગટાવયા હતા તેમ અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું.
સુભાનપુરા સંઘ ના ટ્રસ્ટી મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે, ત્રીજી જૂનના રોજ થનાર પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેરાસર નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને તેની પ્રતિષ્ઠા ની પત્રિકા આલેખન ગુરુદેવની નિશ્રામાં દિલિપભાઈ ઉત્તમભાઈ પરિવાર દ્વારા મંત્રો ના ઉચ્ચારણ સાથે કેસર અને કંકુ ના છાંટણા કરી લેવામાં આવી હતી. ત્યારબાદ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પરીકરની ઉછામણી બોલાવવામાં આવી હતી. જેમાં સંઘના ભાઈએ લાખો રૂપિયામાં ચડાવો લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.