ધર્મનું શિક્ષણ:વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા જૈનીઝમનો કોર્સ શરૂ, પ્રથમ બેંચમાં 102 લોકોએ એડમિશન લીધું

વડોદરાએક મહિનો પહેલા
જૈનીઝમના સર્ટિફિકેટ કોર્સમાં એડમિશન લેનારા લોકો.

શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા જૈનિઝમનો સર્ટિફેકેટ કોર્સ શરૂ કરાયો છે. આ કોર્સની ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ પરીક્ષા યુનિવર્સિટીમાં લેવામાં આવશે. તેમજ ઉત્તિર્ણ થનારને યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. પ્રથમ બેંચમાં 102 લોકોએ એડમિશન લીધું છે.

આજે લાલબાગ જૈન સંઘ, માંજલપુર ખાતે ભુવનભાનુ સુરીશ્વરજી સમુદાયના મુનિરાજ તિર્થપ્રેમ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં SKSD Jain Academyનો સર્ટીફીકેટ કોર્સનો પ્રારંભ થયો હતો. ફેકલ્ટી ઓફ આર્ટસના સંસ્કૃત પાલી પ્રાકૃત વિભાગના વડા અને જૈન એકેડેમીના કો-ઓર્ડિનેટર ડો. શ્વેતા જેજૂરકર , યુનિવર્સિટી ઓફ ટેક્સાસના લોરેન બેકેલી તથા યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બર દીપક શાહે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી.

આ કોર્સમાં કોણ એડમિશન લઇ શકે

  • કોઇપણ ધર્મનો વ્યક્તિ અભ્યાસ કરી શકે
  • કોઇ પણ ઉંમરનો બાધ નથી
  • બે મહિનાનો કોર્સ,
  • આખા કોર્સની ફી માત્ર 100 રૂપિયા છે
  • દરરોજ સવારે એક કલાક ભણાવાશે

ડો શ્વેતા જેજૂરકરે જણાવ્યું હતું કે, આ કોર્સની ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ પરીક્ષા યુનિવર્સિટીમાં લેવામાં આવશે. જેમાં ઉત્તિર્ણ થનારને યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ગુરુદેવ તિર્થ પ્રેમ વિજયજી મહારાજ સાહેબ રોજ સવારે 7થી 8 ભણાવશે. જેને પણ હજુ આ કોર્સમાં જોડાવું હોય તે લાલબાગ જૈન સંઘમાં પ્રકાશભાઈ શાહ અથવા ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં શ્વેતા જેજૂરકરનો સંપર્ક કરી શકે છે. પ્રથમ બેંચમાં 102 લોકોએ પ્રવેશ મેળવ્યો છે.

ગુરુદેવ તિર્થ પ્રેમ વિજયજી મહારાજ સાહેબએ જણાવ્યું હતું કે, આ કાર્સમાં જૈનધર્મના અનેક તાત્વિક વિષયોને સરળ કરી જીજ્ઞાસુઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન રહેશે. જેની અંદર જીનેશ્વર પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માની યથાર્થવાદિતા, ઇશ્વરકર્તુત્વવાદ, એક ઇશ્વરવાદ, અવતારવાદ વગેરે તાત્વિક વિષયોને હળવા કરી જીજ્ઞાસુઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ થશે. આ સિવાય જૈન કાળ ગણના, ક્ષેત્રગણના, કાળનું સ્વરૂપ, બ્રહ્માંડનું સ્વરૂપ, જૈન ધર્મની પ્રાચીનતા વગેરે અનેક વિષયોને આની અંદર સાંકળી લેવામાં આવશે.