84 વર્ષથી ભાખરવડીનો સ્વાદ અકબંધ:ખાસ કેરળથી મંગાવેલા સૂકા કોપરા સાથે મસાલાનું મેજિકલ કોમ્બિનેશન એટલે જગદીશની ભાખરવડી, USAમાં પણ ફેમસ!

વડોદરા2 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા

ફરસાણમાં આગવું સ્થાન ધરાવતી ભાખરવડીનો જન્મ વડોદરામાં થયો અને સાથે-સાથે શરૂ થઈ જગદીશની ઓળખ. આ દાઢે વળગેલા ફરસાણની શરૂઆત 1938માં વડોદરામાં રાજા રતનલાલ કેશવલાલ કંદોઈએ કરી હતી. વડોદરામાં પહેલાં નરસિંહજીની પોળ અને પછી અમદાવાદી પોળની દુકાને બનેલી ભાખરવડી આજે દેશ-વિદેશમાં પહોંચી ગઇ છે. ભાખરવડી સમગ્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ છેક અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સુધી જઇ રહી છે. જગદીશની ભાખરવડીની વિશેષતા એ છે કે, દાંત વગરનો માણસ પણ ભાખરવડી ખાઇ શકે છે.

રાજા રતનલાલ રાજવી પરિવારના હલવાઈ હતા
જગદીશ ફરસાણના માલિક કલ્પેશભાઈએ જગદીશ ફરસાણની શરૂઆત ક્યારે થઇ અને કેવી રીતે થઇ તેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, મારા દાદાએ તેમના નાના પુત્ર જગદીશના નામથી જગદીશ ફરસાણની 84 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી. મારા દાદા રતનલાલ કેશવલાલ વડોદરાના રાજવી પરિવારના હલવાઈ હતા. જેથી મારા દાદાના નામની આગળ રાજા શબ્દ લાગી ગયો હતો. મારા દાદા રાજા રતનલાલના નામથી ઓળખાવા લાગ્યા હતા. મારા દાદાએ 1938માં શરૂ કરેલી લીલો ચેવડો અને ભાખરવડીની પરંપરા તેમના પુત્રો પુષ્પવદનભાઈ અને ધીરજલાલે ચાલુ રાખી હતી.

ભાખરવડીની ખ્યાતિ છેક વિદેશ સુધી પહોંચી ગઇ
વડોદરામાં શરૂ થયેલી ભાખરવડીની સફર અને ખ્યાતિ આજે દેશ- વિદેશમાં પહોંચી ગઇ છે. અમારી ભાખરવડી સમગ્ર દેશ સહિત અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં પણ પહોંચે છે. દિવાળીના તહેવારોમાં રાજ્યભરમાં મીઠાઈ અને ફરસાણ સાથે ખાવાની પરંપરા છે. તેવી જ રીતે વડોદરા શહેરમાં દિવાળીના તહેવારોમાં ભાખરવડી અને લીલો ચેવડો ખાવાની પરંપરા છે. જો કે, હવે વડોદરા અને ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ વડોદરાની ભાખરવડી જાણીતી છે. અમેરિકામાં તો જગદીશ ફરસાણના આઉટલેટ્સ ઉપર ભાખરવડી ખરીદવા માટે લોકોની લાઈનો લાગે છે.

લીલો ચેવડો-સોલાપુરી ચેવડો એટલો જ ફેમસ
જગદીશ ફરસાણના માલિક કલ્પેશભાઈ કંદોઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારા દાદા રતનલાલ કેશવલાલ કંદોઈ વડોદરાના રાજવી પરિવારના હલવાઈ હતા. જેથી મારા દાદાના નામની આગળ રાજા શબ્દ લાગી ગયો હતો અને મારા દાદા રાજા રતનલાલના નામથી ઓળખાવા લાગ્યા હતા. મારા દાદાએ 1938માં શરૂ કરેલી લીલો ચેવડો અને ભાખરવડીની પરંપરા તેમના પુત્રો પુષ્પવદનભાઈ અને ધીરજલાલે ચાલુ રાખી હતી.

ભાખરવડી કેવી રીતે બને છે ?
કલ્પેશભાઇ કંદોઇએ જણાવ્યું કે, ભાખરવડી બનાવવા માટે સૂકું કોપરું મહત્ત્વનું છે. કોપરું અમે કેરાલાથી મંગાવીએ છે. સૂકા કોપરાને છીણીને તેમાં મસાલો નાંખવામાં આવે છે. મસાલો અમારી મોનોપોલી છે. મસાલો તૈયાર થયા બાદ ભાખરવડી ઉપર બેસણના લોટનું પડ બનાવવામાં આવે છે, ત્યાર બાદ ભાખરવડીને તેલમાં તળવામાં આવે છે. અમારી ભાખરવડી ખાવમાં સોફ્ટ હોય છે. દાંત વગરનો માણસ પણ અમારી ભાખરવડી ખાઇ શકે છે. અમે પ્રતિદિન 1 ટન ભાખરવડી બનાવીએ છે. અમે વડોદરા સહિત દેશ-વિદેશમાં વેચાણ કરીએ છે. અમેરિકામાં અમારી ભાખરવાડીની ભારે ડિમાન્ડ છે.

ભાખરવડીનો સ્વાદ આખા દેશમાં પહોંચાડવો છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા પિતા અને તેમના ભાઈઓ જાતે જ ભાખરવડી સહિતની વસ્તુઓ બનાવતા હતા. તે સમયે અમે નાના હતા અને વહેલી સવારે ઊઠીને તેમને ફરસાણ બનાવવામાં મદદરૂપ થતા હતા. મારા દાદાએ શરૂ કરેલી ભાખરવડીની પરંપરા હવે અમે આગળ વધારી રહ્યા છીએ અને ભાખરવડીનો સ્વાદ આખા દેશ અને વિદેશમાં પહોંચાડ્યો છે. અમે ભાખરવડી સહિત જગદીશની વિવિધ ફરસાણની વસ્તુઓ લાંબો સમય રહે તેવું પેકિંગ કરવા માટે અત્યાધુનિક મશીન વસાવ્યું છે. આ મશીન દ્વારા પેક થતી કોઇ પણ ચીજ લાંબો સમય રહે છે. અને જ્યારે ખાવ ત્યારે તેનો ટેસ્ટ એક સરખો જ મળે છે.

વડોદરા શહેરમાં દિવાળીના તહેવારોમાં ભાખરવડી અને લીલો ચેવડો ખાવાની પરંપરા.
વડોદરા શહેરમાં દિવાળીના તહેવારોમાં ભાખરવડી અને લીલો ચેવડો ખાવાની પરંપરા.

વડોદરામાં પાંચ કિ.મી.ના અંતરે એક આઉટલેટ છે
કલ્પેશભાઇ કંદોઇએ જણાવ્યું કે, વડોદરામાં વિવિધ વિસ્તારમાં 12 સ્ટોર આવેલા છે. અમારી ત્રણ ફેક્ટરી છે. જેમાં ભાખરવડી સહિત 150 જેટલી ફરસાણની આઇટમો બનાવીએ છે. સ્ટોરની વાત કરવામાં આવે તો નેશનલ હાઇવે નંબર-8, સમા-સાવલી રોડ, વાઘોડિયા રોડ, ગોત્રી, માંજલપુર, મકરપુરા, સ્ટેશન સહિત વિવિધ વિસ્તારોમાં આઉટલેટ આવેલાં છે. એવું કહેવાય કે પાંચ કિ.મી.ના અંતરે એક આઉટલેટ આવેલું છે. મારી ત્રીજી પેઢી છે. મારો પુત્ર આકાશ કંદોઇ ચોથી પેઢીમાં આવે છે. એટલે કે, ચાર પેઢીથી અમારું ફરસાણનું કામ છે. અમારી કંપનીમાં 450 જેટલાં મહિલા-પુરુષ રોજગારી મેળવે છે.

જગદીશ ફરસાણનાં આઉટલેટ્સ ઉપર ભાખરવડી ખરીદવા માટે લોકોની લાઈનો લાગે છે.
જગદીશ ફરસાણનાં આઉટલેટ્સ ઉપર ભાખરવડી ખરીદવા માટે લોકોની લાઈનો લાગે છે.

ભાખરવડીના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ પછી હવે ભાખરવડીના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. કોરોનાકાળની પહેલાંની સરખામણીમાં હવે ખૂબ વેચાણ વધ્યું છે. અમારી કંપની ફરસાણમાં વર્ષે 70થી 75 કરોડનું ટર્નઓવર કરે છે. અને આવનારા દિવસોમાં અમે વડોદરા શહેરની આસપાસ આઉટલેટ વધારીશું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુકેમાં પણ અમે આઉટલેટ શરૂ કરવાની યોજના બનાવી છે. આવનારા દિવસોમાં શહેર બહારથી પસાર થનારા હાઇવે માર્ગો ઉપર પણ નવા આઉટલેટ તૈયાર કરવાનું આયોજન છે.

ભાખરવડીનો સ્વાદ આખા દેશ અને વિદેશમાં પહોંચાડ્યો છે.
ભાખરવડીનો સ્વાદ આખા દેશ અને વિદેશમાં પહોંચાડ્યો છે.

ભાખરવડીનો ટેસ્ટ ક્યારેય બદલાયો નથી
છેલ્લાં 12 વર્ષથી જગદીશ ફરસાણના ગ્રાહક ડો. ભાવનાબહેન ડામોરે જણાવ્યું હતું કે, હું વડોદરા સયાજી હોસ્પિટલમાં નોકરી કરું છું. હું ફરસાણની તમામ ચીજવસ્તુઓ જગદીશમાંથી જ ખરીદું છું. મને ક્યારેય ટેસ્ટમાં ફરક લાગ્યો નથી. એક જ ક્વોલિટી અને એક જ પ્રકારનો ટેસ્ટ આજે પણ જગદીશના ફરસાણમાં જોવા મળે છે. જેમાં ભાખરવડીની આગવી ઓળખ છે, તેમ કહેવામાં કંઇ ખોટું નથી. મારી દીકરીને ભાખરવાડી બહુ પસંદ છે. ભાખરવડીનો ટેસ્ટ જે વર્ષો પહેલાં હતો તે આજે છે.

દાંત વગરનો માણસ પણ ભાખરવડી ખાઇ શકે છે.
દાંત વગરનો માણસ પણ ભાખરવડી ખાઇ શકે છે.

સમજણો થયો ત્યારથી ભાખરવડી ખાઉં છું
વારસિયામાં રહેતા અને જગદીશ ફરસાણના ગ્રાહક નારણભાઈએ જણાવ્યું હતું કે, જગદીશ ફરસાણની ભાખરવડી મારી પ્રિય છે. હું જ્યારથી સમજણો થયો ત્યારથી જગદીશની જ ભાખરવડી ખાઉ છું. આ ઉપરાંત અમારા પરિવાર માટે જગદીશની જ ભાખરવડી, લીલો ચેવડો સહિત તમામ ફરસાણની આઇટમો ખરીદું છું. વર્ષો પછી પણ એક જ ટેસ્ટ અને એક જ ક્વોલિટીનું ફરસાણ જગદીશમાં મળે છે. જેમાં ભાખરવડીની વાત જ અલગ છે. જગદીશની ભાખરવડી તેની વિશેષતા છે.

અન્ય સમાચારો પણ છે...