દસ્તાવેજોની ચકાસણી:મારફતિયા સ્ટોક બ્રોકિંગની ઓફિસ ખાતે આઇટીનું સર્ચ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મારફતિયાની જેતલપુર રોડની ઓફિસમાં આઇટીએ સર્ચ હાથ ધર્યું હતું. - Divya Bhaskar
મારફતિયાની જેતલપુર રોડની ઓફિસમાં આઇટીએ સર્ચ હાથ ધર્યું હતું.
  • જેતલપુર રોડ સ્થિત ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ
  • ટીમ દ્વારા દસ્તાવેજોની​​​​​​​ તપાસમાં શું મળ્યું તે જાહેર નથી કરાયું

શહેરના જેતલપુર રોડ ખાતે આવેલી મારફતિયા સ્ટોક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના અગ્રણી શેર બ્રોકરોમાં નામ ધરાવતા મારફતિયા સ્ટોક બ્રોકિંગને ત્યાં સવારથી ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા સર્ચ શરૂ કરાતાં શહેરના શેર બ્રોકરોમાં હડકંપ મચ્યો હતો.

સુરત પાસિંગની ગાડીઓમાં વડોદરા આવેલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ અને પોલીસ દ્વારા જેતલપુર રોડના ગ્લેશિયર કોમ્પ્લેક્સ ખાતે પહેલા અને ચોથા માળે તપાસ કરવામાં આવી હતી, જેમાં વિવિધ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ હતી. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જાણવા મળ્યા મુજબ મુંબઈથી સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.

મારફતિયા સ્ટોક બ્રોકિંગની મૂળ કંપની મુંબઈની હોવાથી વડોદરા સહિત અમદાવાદમાં પણ આ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે તપાસમાં શું મળ્યું તે અંગે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર કંઈ જણાવવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સેબી દ્વારા પણ મારફતિયામાં તપાસ કરાઈ હતી અને કેટલાક દસ્તાવેજો પણ તપાસ માટે લઈ જવાયા હતા.

થોડા સમય અગાઉ સેબી દ્વારા પણ સઘન તપાસ કરવામાં આવી હતી
સેબી દ્વારા પણ મારફતિયા સ્ટોક બ્રોકિંગ કંપનીમાં થોડા સમય અગાઉ તપાસ હાથ થઇ હતી, જેમાં કોઈ વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે કે કેમ તે અંગે સેબી દ્વારા કોઈ સ્પષ્ટતા કરી નથી. ત્યારે હવે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવતાં શહેરના શેર બ્રોકરોમાં ચર્ચા જાગી છે.

ક્લાયન્ટનું કામ ચાલુ રખાયું
સૂત્રોના જણાવ્યા મુજબ મારફતિયામાં કામ કરી રહેલા ક્લાયન્ટના શેરના સોદા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ચાલુ રાખવામાં આવ્યા હતા, જેથી સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. આ ઉપરાંત ત્યાં લારી પરથી ચા મગાવવામાં આવી હતી, જે સામાન્ય રીતે રોજ ઓફિસમાં બનતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...