એજયુકેશન:બોર્ડની પરીક્ષાની પૂરતી વ્યવસ્થા છે કે નહીં? સ્કૂલોએ પ્રમાણપત્ર આપવું પડશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ માટે ડીઇઓ કચેરીએ તૈયારી શરૂ કરી
  • નવા, સંવેદનશીલ અને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની માહિતી એકત્રિત કરવાની શરૂ

ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ડીઇઓ કચેરીએ તૈયારી શરૂ કરી છે. જેમાં કયા કેન્દ્રો નવા શરૂ કરવા, સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની યાદી,મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની માહિતી એકત્રીત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્કૂલમાં બોર્ડની પરીક્ષા માટે પૂરતી વ્યવસ્થા છે કે નહિ તે અંગેનું પ્રમાણપત્ર પણ લેવામાં આવશે.

માર્ચ 2023માં લેવાનારી એસએસસી બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના આધારે ડીઇઓ કચેરી દ્વારા સ્કૂલોની માહિતી એકત્રીત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડ કચેરી ખાતે મોકલવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળામાં સીસીટીવી છે કે નહિ છે તો ચાલે છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

કોઇ શાળામાં કન્સ્ટ્રકશનની કામગીરી ચાલી રહી હોય તો તેને બદલવા માટે રિપોર્ટ કરવામાં આવશે. કયા કેન્દ્રો બંધ કરવા, કયા કેન્દ્રો નવા શરૂ કરવા તેની માહિતી આપવામાં આવશે. નવી શાળાઓ હોય તે તેના વિદ્યાર્થીઓને નજીકની શાળામાં કેન્દ્ર ફાળવવું, આ ઉપરાંત મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની માહિતી, સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની યાદી પણ મોકલવામાં આવશે. શાળાઓમાં ભૈતિક સુવિધાઓ છે કે નહિ તેની પણ માહિતી મેળવવામાં આવશે. સ્કૂલમાં બોર્ડની પરીક્ષા માટે પૂરતી વ્યવસ્થા છે કે નહિ તે અંગેનું પ્રમાણપત્ર પણ લેવામાં આવશે. જેમાં એક બ્લોકમાં 30 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા અને તે ચાલુ કન્ડીશનમાં છે કે નહિ તે સહિતની બાબતો સ્કૂલમાં છે તેવું પ્રમાણપત્ર આપવું પડશે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2023માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા લેવાનાર છે.

અન્ય સમાચારો પણ છે...