કાર્યવાહી:સુરત ગેસ કાંડમાં વડોદરાની સંગમ એન્વાયરો કંપનીની સંડોવણી, 2 ભાગીદારોની પૂછપરછ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘટનામાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા, પકડાયેલા 4માં 1 આરોપી વડોદરાનો
  • ઝેરી કેમિકલ નિકાલનું​​​​​​​ લાઇસન્સ ન હોવા છતાં સોદો કર્યો

સુરતમાં ઝેરી કેમિકલના નિકાલ કરવામાં 6 લોકોના જીવ જવાની ઘટનામાં તપાસનો રેલો વડોદરા સુધી લંબાતાં કેમિકલ માફિયા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. જ્યારે સુરત ક્રાઈમ બ્રાંચે વડોદરા અને ભરૂચ પોલીસની મદદ લઈને 4 કેમિકલ માફિયાઓને ઝડપી લીધા છે. વડોદરામાં સંગમ એન્વાયરો પ્રા.લિ.ના 2 ભાગીદારો નિલેશ અને મૈત્રીની હાલમાં સુરત ક્રાઈમ બ્રાંચ સઘન પૂછપરછ કરી રહી છે.

સૂત્રો અનુસાર આ બંને આરોપીએ વડોદરામાં સંગમ એન્વાયરો પ્રા.લિ. કંપની બનાવી હતી. જેની ઓફિસ વડોદરા બતાવી ભરૂચથી ઓપરેટ કરતા હતા. કંપની પાસે ઝેરી કેમિકલના નિકાલનું લાઇસન્સ કે પરમિટ ન હતી, છતાં ભાગીદાર આશિષ ગુપ્તાએ મુંબઈની તલોજા એમઆઈડીસીની હિક્લ કેમિકલ કંપનીને ઈ-મેલ કરી પોતાની કંપની કેમિકલ નિકાલ કરતી હોવાની વાત કરી હતી.

મુંબઈની કંપનીએ ખરાઇ કર્યા વિના સોડિયમ હાઇડ્રો સલ્ફાઈડ 14 રૂપિયે લિટરના પ્રમાણે 25 હજાર લિટરનો 3.50 લાખમાં નિકાલ કરવા સોદો કર્યો હતો. જે બાદ આશિષ ગુપ્તાએ સંગમ એન્વાયરોનું ટેન્કર લઈ ડ્રાઇવરને મુંબઈ મોકલ્યો હતો. ડ્રાઇવર સોડિયમ હાઇડ્રો સલ્ફાઈડ ભરી અંકલેશ્વર આવ્યો હતો.

જ્યાં કેમિકલ માફિયા સાથે મળી ઝેરી કેમિકલ અન્ય ટેન્કરમાં ભરી આશિષ ગુપ્તાએ તેનો હિસ્સો લઈ અમુક રકમ જયપ્રતાપ અને વિશાલને આપી હતી. જયપ્રતાપ અને વિશાલે ડ્રાઇવર સુરેન્દ્રસિંગ અને પ્રેમસાગર ગુપ્તાને હિસ્સો આપી સચીન જીઆઇડીસીમાં નિકાલ કરવા ટેન્કર મોકલ્યું હતું. પ્રેમસાગરે સુરેન્દ્રસિંગને કેમિકલ નિકાલ કરવા જગ્યા બતાવી હતી. સચીન જીઆઇડીસી રોડ નં.3 વિશ્વાપ્રેમ મિલ પાસે ગુરુવારે મળસ્કે ઝેરી કેમિકલ વરસાદી નાળામાં ઠાલવતાં 6 લોકોનાં મોત થયાં હતાં.

ઝેરી કેમિકલ ભરેલાં ટેન્કર ન પકડાય તે માટે વડોદરાથી બોગસ બિલ્ટી બનાવાતી
કેમિકલ માફિયાઓ દ્વારા ઝેરી કેમિકલ ભરેલાં ટેન્કરો ન પકડાય તે માટે બોગસ બિલ્ટી વડોદરામાં બનાવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના આધારે વડોદરા પોલીસે પણ ગુપ્ત રાહે તપાસ ચાલુ કરી છે. જ્યારે કેમિકલ માફિયાઓ દ્વારા વડોદરા જિલ્લામાં પણ કેનાલ તેમજ ઊંડા ખાડા ખોદીને તેમાં કેમિકલનો નિકાલ કરતા ઝડપાઈ ચૂક્યા છે. સુરતમાં બનેલા બનાવ બાદ હાલ વડોદરામાં કેમિકલ માફિયાઓ પણ સંડોવાયેલા હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રેમસાગરના ભાઈ સંદિપની શોધખોળ
ઝેરી કેમિકલ મામલે સુરત ક્રાઇમબ્રાંચ સંદીપ ગુપ્તાને પણ શોધી રહી છે. કેમ કે પ્રેમસાગર ગુપ્તા તેનો સગો ભાઈ છે અને તે ઝેરી કેમિકલ નિકાલ કરવા ડ્રાઈવરને જગ્યા પ્રેમસાગરે બતાવી હતી. સંદીપ ગુપ્તા હાલમાં કેમિકલનો વેપલો તેના ભાઈ સાથે કરતો હોવાની વાત સામે આવી રહી છે. જેને લઈને પોલીસ તેને શોધી રહી છે.

પકડાયેલા આરોપીઓની કુંડળી

  • પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા (ઉ.વ.33, રહે.શિવનગર સોસા, પારડી, સચીન)

ધંધો : બાબા મહેન્દ્રનાથ રોડ લાઇન્સના નામથી 5 વર્ષથી ટ્રાન્સપોર્ટનો ધંધો

  • જયપ્રતાપ રામકિશોર તોમર (ઉ.વ. 24, રહે. આલીશાન સિટી, જીતાલી ગામ, અંકલેશ્વર)

ધંધો : 4 મહિનાથી અંકલેશ્વર સ્ટેશન રોડ પર યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં લોન વિભાગમાં નોકરી

  • વિશાલ ઉર્ફે છોટુ અનિલ યાદવ(ઉ.વ. 21, રહે. નવસર્જન સોસા, સરદાર પાર્ક, અંકલેશ્વર)

ધંધો : અંકલેશ્વર જીઆઇડીસી પ્રણામી ચોકડી ગેરેજ ચલાવે છે. ધો.10 સુધી ભણેલો છે.

  • આશિષ દૂધનાથ ગુપ્તા (ઉ.વ.41, રહે.એમ્પેરિયલ કોમ્પ્લેક્સ, રણોલી જીઆઇડીસી, વડોદરા)

ધંધો : વડોદરા ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો અને ભાગીદારીમાં સંગમ એન્વાયરો પ્રા.લિ. નામની ઓફિસ ચલાવે છે

અન્ય સમાચારો પણ છે...