તપાસમાં નિષ્ફળ:વિવાદિત ઓએસીસ સામે તપાસ જરૂરી: નરેન્દ્ર રાવત

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1995માં યુનિ.માં સંસ્થાની ગતિવિધિ વધી હતી
  • MSUમાં ઓએસીસ પર પ્રતિબંધ મૂકાયો હતો

વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થાને વિવાદ સાથે જૂનું લેણું છે અને વર્ષ 1995માં તો ઓએસીસને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધી ફરમાવાઇ હતી. 21 વર્ષ પૂર્વે વિવાદમાં આવેલી ઓએસિસ સંસ્થા પુનઃ એકવાર સંસ્થા સાથે સંકળાયેલી યુવતીના રહસ્યમય મોત બાદ વિવાદમાં આવી છે. આ સંસ્થાને નજીકથી જાણતા કોંગ્રેસ અગ્રણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સંસ્થાના મુખ્ય સંચાલક સંજીવ શાહ શિક્ષીત યુવાનો અને યુવતીઓને ગેરમાર્ગે દોરીને સંસ્થામાં અશોભનીય પ્રવૃત્તીઓ કરાવતા નવસારીની આશાસ્પદ યુવતીને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

21 વર્ષ પૂર્વે વિવાદમાં આવેલી ઓએસિસ સંસ્થાના સંજીવ શાહ અને સંસ્થાના વિવાદિત ભૂતકાળની ચોંકાવનારી વિગતો આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, 1991માં સંસ્થાના સંચાલક સંજીવ શાહ વડોદરામાં કાર્યરત થયો હતો. સંજીવ શાહે અનેક લોકોને વાતમાં ભોળવીને ફંડીગ અને સંસ્થામાં સ્વયં સેવકો બનાવી લીધા હતા. આ સંસ્થામાં સામાન્ય વ્યક્તિ તો ઠીક સંજીવે મોટી મોટી વાતો કરીને શહેરના નામાંકીત અને પ્રતિષ્ઠીત વ્યક્તિઓને સભ્યો બનાવી દીધા હતા.

અને સમય જતાં સરકારમાંથી વડોદરા પાસે સિંધરોટ પાસે મહિ નદીના કોતરોમાં જમીન મેળવી હતી. અને તે જંગલમાં ગુંબજ આકારનું મકાન બનાવ્યું હતું. જંગલમાં મંગલ બનાવી યુવાનો અને યુવતીઓ એકઠી થતી હતી અને અશોભનીય પ્રવૃત્તીઓ કરતા હતા. નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, 21 વર્ષ બાદ ઓએસિસ સંસ્થા સંકળાયેલી યુવતીના રહસ્યમય નીપજેલા મોતના કારણે અવાજ ઉઠાવવાની ફરજ પડી છે.આ સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ.

સંસ્થામાં અનેક અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી અને હાલમાં તપાસ થાય તો હાલમાં પણ અનેક ઘટસ્ફોટ થઇ શકે છે. નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. તપાસમાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ છે

અન્ય સમાચારો પણ છે...