કાર્યવાહી:ધર્મ પરિવર્તનના પ્રયાસની તપાસ એસીપીને સોંપાઇ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિશનરીઝ ઓફ ચેરિટી સામ ગુનો નોંધાયો હતો
  • તપાસ સંતોષકારક ન જણાતાં આંચકી લેવાઈ

શહેરના મકરપુરા રોડ પર આવેલી મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ દ્વારા સંસ્થામાં રહેતી બાળકીઓના ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવતી ફરિયાદ ગત ડિસેમ્બર માસમાં મકરપુરા પોલીસ મથકે નોધાઇ હતી. બનાવની તપાસ એસીપી એફ ડિવિઝનને સોંપાઇ હતી, પણ તપાસ સંતોષકારક ન જણાતાં તપાસ તેમની પાસેથી આંચકીને એસીપી ક્રાઇમને સોંપવામાં આવી હતી.તાજેતરમાં મકરપુરા પોલીસ મથકમાં ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, મકરપુરા રોડ ઉપર આવેલી મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ નામની સંસ્થા અંગે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, 10-02-21થી 9-12-21 સુધીના ગાળામાં હિન્દુ ધર્મની ધાર્મિક લાગણીને આઘાત પહોંચાડવાના હેતુપૂર્વક અને દ્વેષપૂર્વકના ઇરાદાથી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી બાળકીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા અને લલચાવવા બાળકીઓને ગળામાં ક્રોસ પહેરાવી તથા બાળકીઓ ઉપયોગ કરે તે સ્ટોર રૂમના ટેબલ પર બાઇબલનાં પુસ્તકો મૂકી બાળકોને બાઇબલ વાંચન કરવા માટે આપી ધર્મ પરિવર્તન કરવા માટેના પ્રયત્નો કરીને ગુનો આચર્યો છે.

તેમ ફરિયાદમાં આરોપ લગાવાયો હતો. ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીની ફરિયાદના આધારે મકરપુરા પોલીસ તથા એસીપી એફ ડિવિઝન સહિતના પોલીસ અધિકારીઓએ મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની મુલાકાત લઇ તપાસ કરી હતી. ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે તપાસ થઇ હતી તે તપાસ સંતોષકારક ન જણાતાં આખરે બનાવની ગંભીરતોને જોતા તપાસ એસીપી ક્રાઇમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...