તપાસ:શોપિંગ મોલ-કોમ્પ્લેક્સ પાસે ડ્રગ્સ લેવા આવતા નબીરાઓની તપાસ

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સ વેચતાં પકડાયેલાં ભાઇ-બહેનને વધુ 2 દિવસના રિમાન્ડ
  • બંનેને સાથે રાખી ચકલાસી અને પેટલાદમાં પણ તપાસ કરાશે

શહેરમાં ઓપી રોડ પર આવિષ્કાર કોમ્પ્લેક્સ પાસેથી પીસીબીએ ચરસ અને ગાંજાનું વેચાણ કરી રહેલાં બે સગા ભાઇ-બહેન સહિત 4ને ઝડપી પાડ્યાં હતાં. જેમના 1 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે ફરીથી અદાલતમાં રજુ કરી વધુ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ ટોળકીના સંપર્કમાં હાઈપ્રોફાઈલ અને વેલ એજ્યુકેટેડ 30 જેટલા યુવાનો ડ્રગ્સ મેળવતા હોવાનું સપાટી પર આવ્યું હતું, જેથી બંનેને સાથે રાખીને તેઓ જે શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ પાસે જઇને નશીલા પદાર્થ વેચતા હતા તે સ્થળે પોલીસ તપાસ કરશે. બીજી તરફ બંનેને સાથે રાખી પેટલાદ અને ચકલાસીમાં પણ તપાસ કરાશે.

ઓ.પી રોડ પર આવેલા આવિષ્કાર કોમ્પલેક્ષના સેમી બેઝમેન્ટ પાર્કીંગમાં દારોડો પાડી પીસીબીની ટીમે ગાંજા અને ચરસના જથ્થા સાથે 2 યુવક અને 2 યુવતીને ઝડપી લીધા હતા. પોલીસે પકડેલા શાકીબ મુન્શી, તેની બહેન મુહસીના મુનશી ચરસ અને ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખી વેચાણ કરે છે. ચરસ ગાંજાનો જથ્થો તે અને તેના સાવકા પિતા અબ્દુલ્લા પટેલની સાથે જઇને ચકલાસીના દિલીપ કાકા નામના શખ્સ પાસેથી ખરીદી લાવે છે.

બંનેની પૂછપરછના આધારે પોલીસે તેમની સાથે મીત ઠક્કર અને નુપુર સહગલને પણ ઝડપી પાડયા હતા અને 562.18 ગ્રામ ગાંજો અને 10.25 ગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે બુધવારે બે યુવતી અને બે યુવકોને કોર્ટમાં રજુ કરી તેઓના કોર્ટમાંથી વધુ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શાકીબ મુન્શી અને તેની બહેન છેલ્લા 2 વર્ષથી તેઓ નશીલા પદાર્થો વેચે છે.

બંને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવાથી તેઓ શૈક્ષણિક સંસ્થાઓ નજીક આવેલા ગલ્લાઓ અને બિઝનેશ હબ પર આવતા યુવકોને ટાર્ગેટ કરતા હતા. તેમના સંપર્કમાં 30 હાઇપ્રોફાઇલ અને હાઈલી એજ્યુકેટેડ યુવાનો જોડાયેલા છે. જેમને તેઓ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડે છે.

સામાન્ય રીતે આવો વેપલો મોટા શોપિંગ સેન્ટર, મોલ અને પાર્લર પાસે કરવામાં આવતો હોય છે.જેથી પોલીસ બંનેને તે જે સ્થળે નશીલા પદાર્થ વેચતા હતા તે સ્થળે જઇને તપાસ કરશે. આ ઉપરાતં બંનેને સાથે રાખી પેટલાદ ચકલાસીમાં પણ તપાસ કરાશે તથા ફરાર રહેલા ઝરીના મુંશી, અબ્દુલ્લા પટેલ અને દિલીપ કાકાની પણ શોધખોળ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...