પોલીસ એક્શનમાં:નુપૂરનું સમર્થન કરનાર વડોદરાના ત્રણની પૂછતાછ, ધમકી મળી છે?

વડોદરા3 મહિનો પહેલાલેખક: વિરેન્દ્રસિંહ વર્મા
  • કૉપી લિંક
નુપૂર શર્માની ફાઇલ તસવીર - Divya Bhaskar
નુપૂર શર્માની ફાઇલ તસવીર
  • ઉદેપુરના પડઘા શહેરમાં ન પડે તે માટે પોલીસ સક્રિય
  • પોસ્ટ કરનારાની યાદી બનાવાઇ, તબક્કાવાર ચકાસણી થશે

રાજસ્થાનના ઉદેપુરમાં ભાજપનાં પૂર્વ પ્રવકતા નુપૂર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર ટેલર કનૈયાલાલની બે આંતકીએ ક્રૂર હત્યા કરી હતી. આ ઘટનાના શહેરમાં પડઘા ન પડે તે માટે પોલીસ એક્શનમાં આવી છે અને નુપૂર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનારા વડોદરાના લોકોની શોધખોળ આરંભી 3 નાગરિકોની પૂછપરછ કરી છે. જોકે કોઈને પોસ્ટ કરવા બાબતે ધમકી નહીં મળી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ‘ઉદેપુરમાં બનેલી ઘટનાના પગલે વડોદરામાં આ પ્રકારે અપ્રિય ઘટના ન ઘટે તેની અગમચેતી રૂપે શહેર પોલીસની વિવિધ શાખા પોતાની રીતે તપાસ કરી રહી છે. જેમાં ડીસીબી, પીસીબી, એસઓજી, આઈબી સહિતની એજન્સીઓના પોલીસ અધિકારીઓની ટીમ સામેલ છે. આ ટીમો સોશિયલ મીડિયા પર થઇ રહેલી વાંધાજનક પોસ્ટ પર વિશેષ નજર રાખી રહી છે. આ ટીમો પૈકીની એક ટીમે નુપૂર શર્માની પોસ્ટને સમર્થન કરનારા લોકોની યાદી બનાવી છે. જેના આધારે અત્યાર સુધીમાં 3 લોકોને પૂછાયું છે કે પોસ્ટ કર્યા બાદ કોઈ તરફથી ધમકી તો નથી મળીને? જોકે ત્રણેય લોકોએ તેમને કોઇ ધમકી નહીં મળી હોવાનું જણાવ્યું હતું.

પોલીસ હાલ રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના કારણે રથયાત્રા બાદ યાદીના અન્ય લોકોની પણ પૂછતાછ કરવામાં આવશે અને જો કોઇ ધમકી મળી હશે તેા તે દિશામાં તપાસ કરવામાં આવશે. જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીને શોધી તેની સામે કાનૂની કાર્યવાહી થશે. ધર્મના નામે કોઈ કાયદો હાથમાં ન લે તેના માટે પણ પોલીસની ચાંપતી નજર છે.

દાવત-એ-ઇસ્લામની દાનપેટીની તપાસ થશે
ધંધુકાના કિશન ભરવાડની જેહાદીઓ દ્વારા હત્યા થઇ ત્યારે પણ પાકિસ્તાનની દાવત-એ-ઇસ્લામ સાથે જેહાદીઓ સંકળાયેલા હોવાની વિગતો સપાટી પર આવી હતી. જે તે સમયે એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘દાવત-એ-ઇસ્લામના ગુજરાતમાં બે હજાર કરતાં વધુ ડોનેશન બોક્સ છે. એટલે શહેરમાં તેની દાન પેટી છે કે કેમ તે દિશામાં તપાસ કરાશે.

સોશિયલ મીડિયા પર ખાસ નજર
ઉદેપુરની ઘટના બાદ વિવિધ વિસ્તારોમાં અમે શાંતિ સમિતિ બનાવી છે મીટિંગ પણ કરી છે. ઉદેપુરની ઘટનાના પડઘા ન પડે તે માટે સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખી રહ્યા છીએ. કાયદા સાથે ખિલવાડ કરનાર કોઈને બક્ષવામાં નહીં આવે. > શમશેરસિંહ, પોલીસ કમિશનર, વડોદરા

આતંકીઓ વડોદરાનો બેઝ તરીકે ઉપયોગ કરતા રહ્યા છે
અમદાવાદ બ્લાસ્ટની તપાસમાં આતંકીઓએ વડોદરાનો બેઝ તરીકે ઉપયોગ કર્યો હોવાનું ખૂલ્યું હતું.આતંકીઓએ વડોદરામાં મિટિંગો કરી હતી અને પાવાગઢના જંગલમાં કેમ્પ પણ યોજ્યો હતો. બ્લાસ્ટમાં વડોદરાના 4 આતંકીની ધરપકડ પણ થઈ હતી.

સિમિ એક સમયે વડોદરામાં સાૈથી વધુ સક્રિય હતું
પ્રતિબંધિત સિમિના અનેક સભ્યો વડોદરામાં સક્રિય હતા. જે તે સમયે સિમિ સાથે સંકળાયેલા અનેક લોકોની ઓળખ કરાઈ હતી. એક સમયે સિમિ સાથે સંકળાયેલા 8થી વધુ શખ્સ પર હાલ પણ પોલીસની સતત નજર છે. શંકાસ્પદ ગતિવિધિ જણાતાં સતત નજર રખાય છે.

અન્ય સમાચારો પણ છે...