વડોદરા શહેર પોલીસે વ્યાજખોરો સામે ફરીથી કાર્યવાહી શરૂ કરી છે. જેમાં એક જ દિવસમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં 4 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સફેદ કફન ઓઢાડી દઇશ
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ સુખધામ રેસિડેન્સીમાં રહેતા વીમા એજન્ટ નીતીનચંદ્ર શાહે વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મેં ભરત શર્મા પાસેથી 1.70 કરોડ રૂપિયા 3 ટકાના માસિક વ્યાજે લીધા હતા. ભરત શર્માએ મારી પાસેથી બળજબરીપૂર્વક મિલ્કતનો બાનાખત કરાવી લીધો હતો અને વ્યાજે લીધેલા રૂપિયા 31 ડિસેમ્બર-2015 સુધીમાં 51.25 લાખ રૂપિયા ચુકવી દીધા હતા. તેમ છતાં આરોપી ભરત શર્મા અને તેની પત્ની વંદના શર્મા ફોન કરી, ઓફિસ બોલાવીને અને મારા ઘરે આવીને મિલ્કતનો દસ્તાવેજ કરી આપવા માટે ધાકધમકી આપતા હતા. જેથી બાનાખત કરી આપ્યા પૈકીની 15 મિલ્કતો બળજબરીથી વેચાણ કરાવી લીધી હતી અને 2.67 કરોડ રૂપિયા આરોપીઓને આપી દીધા હતા. તેમ છતાં દોઢ કરોડ લેવાના બાકી નીકળે છે, તેમ કહીને આરોપીઓએ મને તેમની ઓફિસ ખાતે બોલાવીને સફેદ કફન ઓઢાડી દઇશ તેવી ધમકી આપી હતી.
વ્યાજખોરે જાનથી મારી નાખવાની ધમકી
વડોદરાના આજવા રોડ પર આવેલ સમૃદ્ધિ પાર્કમાં રહેતા અજયભાઇ પ્રભુદાસ પટેલે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મેં વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ વૃંદાવન વાઇટમાં રહેતા પ્રકાશ સીતારામ ચૌધરી પાસેથી 5 ટકા લેખે અઢી લાખ રૂપિયા લીધા હતા અને જેના બદલામાં મારી કાર આપી હતી. પ્રકાશભાઇએ અઢી લાખ રૂપિયા આપતી વખતે પહેલા હપ્તાના 12,500 રૂપિયા કાપી લીધા હતા. ત્યારબાદ ટુકડે-ટુકડે કુલ અઢી લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં મારી પાસે વ્યાજના 37,500 રૂપિયા અવારનવાર માંગણી કરતો હતો અને મારી સ્વીફ્ટ કારનો વેચાણ કરાર પણ કરતી આપતો નહોતો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ મામલે બાપોદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ઘરી છે.
વ્યાજ અને મૂડી ચુકવી દીધી છતાં પ્લોટના કાગળ પરત ન આપ્યા
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ યોગીનગર ટાઉનશિપમાં રહેતા પાર્વતીબેન વસાવાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વડોદરાના જલારામનગરમાં રહેતા સાજન વશરામ ભરવાડે 14 મહિના સુધી તેમની 1 લાખ રૂપિયાની મુડી ઉપર 10 ટકા લેખે 1.40 લાખ વ્યાજ પેટે તેમજ 1 લાખ રૂપિયા મુડી પેટે ચુકવ્યા હતા. તેમ છતાં સાજન ભરવાડે જલારામનગર વાળા પ્લોટના કાગળ પરત ન આપતા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જાનથી મારી નાખવાની ધમકી આપી
વડોદરાના પાણીગેટ નુરાની ફળીયામાં રહેતા મોહંમદ મોઇન મોહંમદ મુતાફ મુલ્લાવાલાએ જણાવ્યું હતું કે, મારા ભાઇના લગ્ન હોવાથી મેં ઓક્ટોબર-2020માં એક લાખ રૂપિયા 20 હજાર વ્યાજ પેટે ચુકવવાની શરતે મોહંમદ સાદીક મોહંમદ ઉસ્માન ગોલાવાલા પાસેથી લીધા હતા. આરોપીએ નાણા ધિરનારના લાયસન્સ વગર નાણા વ્યાજે આપ્યા હતા. જેનું વ્યાજ મેં એપ્રિલ-2021 સુધી 1.20 લાખ રૂપિયા ચુકવ્યા હતા. ત્યારબાગ હું અન્ય ગુનામાં 97 દિવસ જેલમાં રહ્યો હતો. જેથી નોકરી છુટી જતા વ્યાજ ચુકવી શક્યો નહોતો. ત્યારબાદ લોકલ વર્ધી કરીને માસિક 2 હજાર કે 5 હજાર રૂપિયા ચુકવતો હતો. તેમ છતાં મારી પાસેથી આરોપી રૂપિયાની બળજબરીપૂર્વક માંગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.