વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સતત બે દિવસ બેઠકનો દોર રહ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલે સિટી એન્જિનિયરની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના ઇજનેર અને કર્મચારી સાથે સંયુક્ત બેઠક યોજી હતી.
સોમવારે અને મંગળવારે યોજાયેલી આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. ખાસ કરીને કોઈપણ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો કરવા સૂચન કર્યું છે. જેથી નાગરિકો સાથે વાહન ચાલકોને અગવડતા ઉભી ન થાય. વરસાદી ચેનલની સફાઈ, રસ્તાના પેચવર્ક , કાર્પેર્ટિંગ સહિતની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યું છે. સાથે નવી વહીવટી વોર્ડ ઓફિસ અને દવાખાના બનાવવાનું પણ આયોજન હાથ ધર્યું છે. આ ઉપરાંત ગરીબ આવાસોમાં પાણી, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા સંદર્ભે ભાર મૂકવામાં આવ્યો છે. ગેસ વિભાગને પણ કામગીરી સમયસર પુરી કરવા જણાવાયું છે.
તદુપરાંત પાણી, ડ્રેનેજ, હાઉસિંગ, ગાર્ડન સહિતના વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ સાથે મળેલી બેઠકમાં કોર્પોરેશન લેવલના પ્રશ્નો સંદર્ભે સંકલન જાળવી વહેલી તકે પૂર્ણ કરવાની સાથે રિપોર્ટિંગ બાબતે સૂચના આપી છે. આમ નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ સાથે સુવિધા આપવા કોર્પોરેશનએ કમર કસી છે.
ક્લેક્ટર કચેરીમાં બેઠક
આગામી ચોમાસની ઋતુમાં સંભવિત અતિવૃષ્ટિને ધ્યાને રાખીને વડોદરા કલેક્ટર અતુલ ગોરે આજે કલેક્ટર કચેરી ખાતે આપદા વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમણે પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મામલદારોને ભૂતકાળમાં પૂરમાં અસરગ્રસ્ત થયેલા ગામોની આગામી પખવાડિયા દરમિયાન મુલાકાત લઇ સ્થળસ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી હતી. આગામી એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે.
આપદા મિત્રો તૈયાર કરાયા
કલેક્ટરે વડોદરા શહેર અને ગ્રામ્યના તરવૈયાઓને એનડીઆરએફ પાસે તાલીમ અપાવવા માટે પણ સૂચન કર્યું છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારમાં 240 જેટલા આપદા મિત્રો તૈયાર કરવામાં આવ્યા હોવાની માહિતી તેમણે આપી હતી. ખાસ કરીને ગામના જ લોકોને આપત્તિ સામેની કેવી સાવચેતી રાખવી અને બચાવ કેવી રીતે કરવો તેની જાણકારી આપવા ઉપર ભાર મૂક્યો હતો. કારણ કે, ગ્રામ્ય કક્ષાએ આપદામિત્રો સુસજ્જ હશે તો તુરંત મદદ મોકલી શકાશે. જરૂરી અનાજની પૂરૂ પાડવા ઉપરાંત, સુરક્ષિત સ્થળોને મેડિકલ ટીમોની વ્યવસ્થા રાખવા જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.