આ વર્ષે વરસાદ વહેલો આવશે તેવી હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે વડોદરા મહાનગર પાલિકાની ટીમ સતર્ક બની છે. શહેરમાં પાણી, ડ્રેનેજ અને ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક નાખવા માટે ખોડવામાં આવેલા 240થી વધુ ખાડાને એક જ સપ્તાહમાં પુરવા સૂચના આપી છે. વડોદરા શહેરમાં પાણી, ડ્રેનેજ અને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક નાખવા માટે ખોદકામ કરવાની પરવાનગી વિના પણ અનેક સ્થળોએ ખાડા ખોડવામાં આવ્યા છે.
જોકે મહિનાઓ વીતી જવા છતાં આ ખાડાઓ પુરવામાં આવતા નથી તેવું તંત્રના ધ્યાને આવ્યું છે. પાલિકામાં પ્રિમોન્સૂન માટેની બેઠકમાં સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે એક સપ્તાહમાં શહેરના તમામ ખાડાઓને પુરવા અને પેચવર્ક કરવા જણાવ્યું છે. જો કોઈ કામગીરીમાં વિલંબ થાય તો તેને વધારેમાં વધારે 15 દિવસમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.
તદુપરાંત પાલિકાના કાર્યપાલક ઈજનેર, ડે. ઈજનેર, ઝોનના ઈજનેરને કહેવામાં આવ્યું છે કે અધિકારી અને બે વિભાગ એકબીજા વચ્ચે સંકલન રાખે. દરેક પ્રતિનિધિના અને નાગરિકોના ફોન ઉપાડવા. જો કોઈ કારણસર ફોન ના રિસીવ કરી શકે તો જ્યારે સમય મળે ત્યારે વાત કરી સમસ્યા સાંભળી અને તાત્કાલિક તેનું નિરાકરણ લાવે. સ્થાયી સમિતિના ચેરમેને બે દિવસમાં પ્રોજેકટ અને ઝોનના 220 અધિકારીઓ સાથે બેઠક યોજી આ નિર્ણય લીધા છે.
લોકોને મહિનાઓ સુધી ટ્રાફિકજામ સહિતની આપદા
શહેરમાં પાલિકાના કામો માટે અને ખાનગી કંપનીઓ દ્વારા ઓપ્ટિક ફાઇબર કેબલ નાખવા માટે ખાડા ખોદયા બાદ પુરાણ નહીં કરાતા લોકોએ મહિના સુધી ટ્રાફિકજામ સહિતની આપદા ભોગવી હતી. ચોમાસામાં સ્થિતિ વિકટ ન બને તે માટે હવે આ તમામ ખાડા પૂરવા સૂચના અપાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.