તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશનો પ્રશ્ન:224 ગ્રાન્ટેડ શાળાને ધો.11માં 150 વર્ગો વધારવાની સૂચના

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલોએ ધો.10માં જેટલા જ વર્ગો લેવા પડશે
  • એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરાશે

ધોરણ 11માં પ્રવેશ માટે શહેર-જિલ્લાની 224 ગ્રાન્ટેડ શાળાને વધારાના વર્ગો લેવા સૂચના અપાઈ છે. ધો.11માં પ્રવેશ સમસ્યા ન સર્જાય તે માટે 150 વધારાના વર્ગની જરૂર છે, બીજી તરફ ઓનલાઇન શિક્ષણ હોવાના પગલે ખાનગી શાળા કરતાં ગ્રાન્ટેડ સ્કૂલમાં પ્રવેશ માટે ધસારો જોવા મળી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ધો.10માં માસ પ્રમોશન અપાયું છે, જેના પગલે ધોરણ 11માં પ્રવેશ સમસ્યા સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પ્રવેશની સમસ્યાનો ઉકેલ લાવવા વડોદરા ખાતે 150 જેટલા વધારાના વર્ગોની જરૂર છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે ઇન્ચાર્જ ડીઇઓની અધ્યક્ષતામાં ધોરણ 11 માં પ્રવેશ અંગે રિવ્યુ બેઠક બોલાવાઈ હતી, જેમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં વધારાના વર્ગો મેળવવા સૂચના આપવાનું નક્કી કરાયું હતું. જે સ્કૂલ પાસે ધોરણ 10માં એક કરતાં વધારે વર્ગો છે તે તમામ સ્કૂલો દ્વારા ધો.11 માટે ધો.10 જેટલા જ વર્ગો લેવા સૂચન કરાયું છે.

શહેર-જિલ્લામાં 224 ગ્રાન્ટેડ શાળા આવેલી છે, જેમાંથી શહેરમાં 102 ગ્રાન્ટેડ શાળા છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી દોઢસો જેટલા વધારાના વર્ગોની જરૂર ઊભી થાય તેમ છે, જે તમામ ગ્રાન્ટેડ શાળા દ્વારા લેવાશે. જેથી પ્રવેશની સમસ્યાનું નિરાકરણ આવી શકશે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું કે એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની ટીમ પણ સ્કૂલો સાથે સંપર્કમાં રહીને વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યવાહી કરાવશે.

ખાનગીને બદલે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ માટે ધસારો
એક સમયે મૃત:પાય અવસ્થામાં આવી ગયેલી ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઓનલાઇન શિક્ષણ હોવાથી મોંઘી ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવવા કરતાં વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશ મેળવી રહ્યા છે. શહેર નજીક ગામડાઓના વિદ્યાર્થીઓ અગાઉ શહેરની સ્કૂલોમાં અભ્યાસ કરવા આવતા હતા, જેઓ પરત પોતાના ગામડાઓમાં ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે.

17 હજાર રિપીટરના પ્રવેશની સમસ્યા થશે
ધોરણ 10માં 15 જુલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેમાં 17 હજાર વિદ્યાર્થીઓ શહેર-જિલ્લામાંથી પરીક્ષા આપશે. 50 ટકા એટલે કે 8500 વિદ્યાર્થીઓ પણ પાસ થાય તો તેમને સમાવવાની સમસ્યા ઊભી થશે. ધોરણ 10માં પાસ થયેલા રિપીટર વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ મહિનામાં પ્રવેશ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...