SSG હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પહેલીવાર ઘૂંટણ બદલવાની નવી ટેકનોલોજીથી આંશિક સર્જરીની પહેલ કરાઇ છે. આ ટેકનોલોજીથી જે ઘૂંટણનો જેટલો ભાગ ખરાબ હોય તેટલો જ ભાગ બદલવામાં આવે છે. સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડાૅ.હેમંત માથુરે યુની કોનડાઈલર ‘ની’ ઓર્થોપ્લાસ્ટી તરીકે ઓળખાતી આ પદ્ધતિથી નબળી આર્થિક સ્થિતિ ધરાવતી મહિલા દર્દીને રાહત પહોંચાડી છે.
હોસ્પિટલના સુપ્રિટેન્ડન ડોક્ટર રંજન ઐયરે જણાવ્યું કે, ઘૂંટણનો એક ભાગ ઘસાઈ ગયો અને બીજો ભાગ સારો હોય ત્યારે આંશિક ઘુંટણ બદલવાની આ શસ્ત્રક્રિયા વધુ ફાયદાકારક બની છે. 50 વર્ષની ઉંમરના મહિલા દર્દી 6 મહિનાથી બંને પગના ઘૂંટણની પીડાની તકલીફ ભોગવી રહ્યા હતા. આ સર્જરી માટે કૃત્રિમ ઘૂંટણ કે ઈમ્પ્લાન્ટની જરૂર પડે છે.
દર્દીને તેનો ખર્ચ પરવડે તેમ ન હોવાથી હરિઓમ સેવા ટ્રસ્ટના સહયોગથી આ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરીના અંદાજે 1.20 લાખ રૂપિયા લેવાય છે. આ વર્ષના પ્રથમ 7 મહિનામાં ઓર્થોપેડિક વિભાગમાં હાડકાના રોગોને લગતા 600થી વધુ મોટા ઓપરેશન થયા છે.
નાનો ચીરો હોવાથી રિકવરી જલ્દી આવે છે
નવા કોન્સેપ્ટની સર્જરીમાં ઘૂંટણના જે ભાગને આર્થરાઇટિસ થયો હોય તેટલો જ ભાગ બદલાય છે. સારા ભાગને સ્પર્શ કરાતો નથી. ખૂબ જ નાનો ચીરો હોવાથી બ્લડ લોસ ઓછો થાય છે. > ડૉ.હેમંત માથુર, હેડ ઓર્થોપેડિક વિભાગ
સર્જરી થાય તે જ દિવસે દર્દી ભાર લઈને ચાલી શકે છે
નવા કોન્સેપ્ટની સર્જરીમાં દર્દી ઓપરેશન થયું હોય તે જ દિવસે ભાર લઈને ચાલી શકે છે. SSGમાં માત્ર 30 મિનિટમાં સર્જરી પુરી થઇ હતી. આ સર્જરીમાં ઇન્ફેક્શનની શક્યતા ઓછી છે. ડૉ. હેમંત માથુર અને ટીમે ઓપરેશન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.