વડોદરાના અલકાપુરી વિસ્તારમાં સીએચ જ્વેલર્સના જનરલ મેનેજરે દોઢ વર્ષના ગાળામાં ગ્રાહકોના નામના બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શો-રૂમમાંથી 4 કરોડના સોનાના સિક્કા મેળવી લેવાના બનાવમાં સયાજીગંજ પોલીસે બંને આરોપીને આજે કોર્ટમાં રજૂ કર્યાં હતા. બંને પક્ષે દલીલો કર્યાં બાદ કોર્ટે બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. કેટલા સમયથી અને કેવી રીતે કૌભાંડ આચરતા હતા, તે અંગે પોલીસ આરોપીઓની પૂછપરછ કરશે. આ ઉપરાંત સોનાના સિક્કા રિકવર કરવા, કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે.
આ પહેલા પોલીસે શો-રૂમના જનરલ મેનેજર વિરલ સોની તથા તુષાર દીવાનજીની કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ મંગળવારે સાંજે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરી હતી. કેવી રીતે સમગ્ર કૌંભાડ આચરાયુ હતું તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ શરુ કરાઇ છે. પોલીસે શો રુમના સ્ટાફના કેશિયર સહિત 5 કર્મચારીઓના નિવેદન લઇને પુછપરછ કરી હતી.
સીએચ જ્વેલર્સના જનરલ મેનેજર વિરલ નવીનચંદ્ર સોની (રહે રામીનપાર્ક ઓપીરોડ) એ એક જ પ્રકારના નામ વાળી અને એક જ પ્રકારની રકમની સ્લિપો દ્વારા બિલો બનાવી 4 કરોડના સોનાના સિક્કા મેળવી લઇ ઠગાઇ કરી હોવાનું શો રુમના માલીકની તપાસમાં બહાર આવ્યું હતું. સયાજીગંજ પોલીસે આ મામલે સોમવારે સાંજે ગુનો નોંધી વિરલ નવીનચંદ્ર સોની અને તરજ તુષાર દીવાનજી ને ઝડપી પાડયા હતા અને મંગળવારે કોરોના ટેસ્ટ કરાવી સાંજે સત્તાવાર ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરી હતી.
શો રુમના માલીકની તપાસમાં બહાર આવ્યું હતું કે વિરલે શો રુમના કોમ્પ્યુટરની સિસ્ટમમાં પાસવર્ડ હેક કરીને માનવ પટેલ, મીત પટેલ અને માર્મીક પટેલ નામ વાળા વ્યકતીઓના નામની કેશ ક્રેડીટ ઉભી કરી બિલ જનરેટ કર્યા હતા અને સોનાના સિક્કા મેળવી લીધા હતા અને ત્યારબાદ એન્ટ્રીઓ ડીલીટ કરી દીધી હતી. તપાસમાં જણાયુ હતું કે મીત પટેલ ના નામની 10.44 લાખ , માનવ પટેલના નામની 6.50 લાખ અને માર્મીક પટેલના નામની 605000 રુપીયાની ક્રેડીટ સ્લીપોનો ઉપયોગ થઇ ગયો હોવા છતાં કોમ્યુટરમાં ચેનચાળા કરી પાસવર્ડ બનાવી બીલો ડીલીટ કરી નાખ્યા હતા.પોલીસ મીત પટેલ, માર્મીક પટેલ અને માનવ પટેલની પણ પુછપરછ કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.