ગુજરાતમાં હિંમતનગર અને ખંભાત બાદ હવે વડોદરામાં કોમી ભડકો થયો છે. વડોદરાના રાવપુરા ટાવર પાસે ગત મોડી રાત્રે 11:30 વાગ્યાના અરસામાં બે બાઇક અથડાયા બાદ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં બંને કોમના ટોળા સામે ધસી આવતા પથ્થરમારો થતાં નાસભાગનાં દ્રશ્યો સર્જાયા હતાં. આ મામલે રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. તેમજ કુલ 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત રાતની ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ પૂર્વ આયોજિત કાવતરું હતું કે નહીં તેની તપાસ શરૂ કરી છે.
ફરાર આરોપીઓની શોધખોળ શરૂ
વડોદરાના JCP ચિરાગ કોરડિયાએ રાવપુરામાં રાત્રે થયેલા મારામારીની ઘટનામાં પત્રકાર પરિષદને સંબોધનમાં જણાવ્યું હતું કે, રાવપુરામાં સામાન્ય અકસ્માત થતાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયો છે. જ્યારે બીજો કેસ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ ગુના મામલે 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના આરોપીને શોધવાની કામગી ચાલુ છે. જ્યારે રાવપુરામાં જે ગુનો દાખલ થયો છે તેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
SRPનો બંદોબસ્ત ગોઠવાયો
તમામ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી છે અને SRPનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બનાવમાં ત્રણ લોકોને ઇજા છે અને તેમની સારવાર જારી છે. બંને વિસ્તારના CCTV પણ તપાસવામાં આવ્યા છે. ટૂંક સમયમાં અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવશે.
સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરીને પથ્થરમારો કર્યો
રાવપુરા ટાવર પાસે મોડી રાત્રે 2 બાઇક અથડાયા બાદ બોલાચાલી થઈ હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં તલવાર સાથે ટોળા રોડ પર ધસી આવ્યા હતા. ટોળું રોડ પર ધસી આવતાં વાતાવરણ તંગ બન્યું હતું. તોફાની તત્ત્વોએ કોઠી પોળની સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
રાત્રે જ મૂર્તિની પુન: સ્થાપના કરાઈ
પથ્થરમારામાં 3 જણને ઇજા થતાં સયાજીમાં ખસેડ્યા હતા. બીજી તરફ સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે વિસ્તાર કોર્ડન કર્યો હતો. જ્યારે ભાજપ અગ્રણી ભાર્ગવ ભટ્ટને રાત્રે જ કોમ્બિંગ કરવા રજૂઆતો કરી હતી અને વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ મૂર્તિની પુન: સ્થાપના કરવામાં આવી હતી.
વાહન ચાલકોને અટકાવી અટકાવી માર્યા
બંને કોમના ટોળા વચ્ચે તંગદીલી વ્યાપી જતા બંને કોમના ટોળા રોડ પર ઉમટી આવ્યા હતા જેમાં ટોળાઓએ સ્થાનિક લોકોને મોબાઈલ ઉપર વિડિયો રેકોર્ડિંગ કરતા અટકાવ્યા હતા અને વાહન ચાલકોને અટકાવી અટકાવીને માર્યા હતા. આ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરું હતું કે નહીં તેની તપાસ પોલીસે શરૂ કરી છે.
ધરપકડ કરાયેલા આરોપી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.