રાજ્ય સરકારે પશુપાલન ખાતાના સહયોગથી પશુઓની સારવાર માટે ફરતા પશું દવાખાના (MVD) અને ૧૯૬૨ એનિમલ હેલ્પ સેવા શરૂ કરી છે.જેના પરિણામે બીમાર કે અકસ્માતમાં ઘાયલ પશુઓને સત્વરે સારવાર મળતાં મૂગા પશુઓના જીવ બચી રહ્યા છે.
ફરતા પશુ દવાખાનાના વેટનરી ડૉક્ટર હંમેશા ઓન ડ્યુટી જ રહે છે પછી ભલેને કામનો સમય પૂરો કેમ થઈ ગયો હોય. તાજેતરમાં શિનોર તાલુકાના વણીયાદ ફરતું પશુ દવાખાના પશું ચિકિત્સકોએ છાણભોઈ ગામના સંજયભાઈ ભરવાડના ઘરે બે ગાયો કોઈ કારણવશ ઝગડતા એક નાની ગાય જેની ઉંમર ચાર વર્ષની છે તેને પાછળના પગના ભાગમાં શિંગડું વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સાથે સાથે લોહી પણ સતત વહી રહ્યું હતું અને ગાય ખૂબ જ પીડામાં હતી.
ગાયના માલિક સંજયભાઈ ભરવાડે ગાયની પીડાના પોકારે ૧૯૬૨ પર કોલ કર્યો અને વાયુવેગે તરત જ ફરતું પશુ દવાખાનું વણિયાદથી છાણભોઈ ગામે પહોંચી સૌથી પહેલા ગાયનો લોહીનો પ્રવાહ બંધ કર્યો અને રાત્રિના અંધારામાં પણ વેટનરી ડોક્ટર દિલીપસિંહ રાઠોડ અને ડ્રેસર જયેશભાઈએ ગાયની સર્જરી કરી ગાયને પીડા મુક્ત કરી જરૂરી ઇન્જેક્શન તેમજ સારવાર કરી અમૂલ્ય જીવ બચાવ્યો હતો.
સર્જરી કર્યા બાદ સારવારની પરિસ્થિતિ જોઈને ગાયના માલિક સંજયભાઈ ભરવાડના આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા અને ગાયનો જીવ બચી જતાં તેમના ચહેરા પર સ્મિત રેલાયું હતું. આ કામગીરી જોઈ સ્થાનિક લોકોએ ફરતું પશુ દવાખાનાની ટીમ ડો. દિલીપસિંહ અને ડ્રેસર જયેશભાઈનું અભિવાદન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.