તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઔદ્યોગિક મંડળ અને કલેક્ટર વચ્ચે બેઠક:વડોદરાને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઔધોગિક ઉત્પાદનનું એક્સપોર્ટ હબ બનાવવા આંતર માળખાકીય સુવિધાઓમાં વધારો કરાશેઃ કલેક્ટર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર આર.બી.બારડ - Divya Bhaskar
કલેક્ટર આર.બી.બારડ

વડોદરા જિલ્લા કલેક્ટર બારડના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં ભારત સરકારના વિદેશ વેપાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ અને વિવિધ ઔદ્યોગિક મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. કલેક્ટર આર.બી.બારડે જણાવ્યું હતું કે, વડોદરા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઔધોગિક ઉત્પાદનનું નિકાસ કેન્દ્ર(એક્સપોર્ટ હબ) બને તે માટે કેન્દ્ર સરકારના સહયોગથી ખૂટતી કડીના ભાગરૂપે આંતર માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.

વડોદરાને એક્સપોર્ટ હબ બનાવવા માટેની પ્રાથમિક તૈયારીઓ શરૂ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરાની આસપાસ દવા, ઇજનેરી અને વીજ ઉપકરણોનું મોટાપાયે ઉત્પાદન થઈ રહ્યું છે અને નિકાસની ઉજ્વળ તકો રહેલી છે, ત્યારે આગામી સમયમાં વડોદરા એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય એર કાર્ગો મારફત પણ વિવિધ ઔધોગિક ઉત્પાદનના નિકાસની શક્યતાઓ પણ ચકાસવા સાથે વડોદરાને એક્સપોર્ટ હબ બનાવવા માટેની તમામ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને પરિણામે એક્સપ્રેસ વે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ પરના ટ્રાફિકનું ભારણ હળવું થશે.

વરણામા ખાતે ઈનલેન્ડ કન્ટેનર ડેપો ઊભો કરાશે
તેઓએ ઉમેર્યું હતું કે, વડોદરા નજીકથી નવીન મુંબઇ-દિલ્હી ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ થઇ રહ્યું છે, ત્યારે વડોદરા જિલ્લાના વરણામા ખાતે ઈનલેન્ડ કન્ટેનર ડેપો ઊભો કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવશે.

વડોદરાને નિકાસનું કેન્દ્ર બનાવવા વિદેશ વેપાર વિભાગ સહયોગ આપશે
ભારત સરકારના વિદેશ વેપાર વિભાગના અધિકારી ડો.રાહુલ સિંઘે વડોદરાને નિકાસનું કેન્દ્ર બનાવવા કેન્દ્ર સરકારનો વિદેશ વેપાર વિભાગ સંપૂર્ણ સહયોગ આપશે તેવો સધિયારો આપ્યો હતો. વડોદરા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર હિમાંશુ મેવાડાએ જરૂરી વિગતો આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની અરજીઓનો નિકાલ કરવા કલેક્ટરની સૂચના
વડોદરા જિલ્લા કલેક્ટર આર.બી.બારડે આજે જિલ્લા ફેસિલિટેસન કમિટીની બેઠકમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સુવિધા હેઠળ મળેલી અને પડતર અરજીઓની વિભાગવાર સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી અરજીઓ પડતર રહેવાના કારણોની પૃચ્છા કરીને તમામ સંબંધિત અધિકારીઓને તેનું સમુચિત નિરાકરણ સત્વરે આણવા અને અરજદારોને તેની જાણ કરવા સૂચના આપી હતી. તેમણે ઓનલાઇન મળતી આ વિષયની અરજીઓ પર સંબંધિત અધિકારીઓ જાતે ધ્યાન આપે,સમય મર્યાદામાં તેના નિકાલનો આગ્રહ રાખે અને કોઈ પણ અરજી તેમના સ્તરે પડતર ન રહે તેની કાળજી લેવા તાકીદ કરી હતી.

સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વડોદરા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર હિમાંશુ મેવાડાએ પડતર અરજીઓની વિગતવાર માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીઓ ડો.રાજેન્દ્ર પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...