ખાડોદરા નગરી:શહેરના રસ્તા પર રોજ 1065 ખાડાનો વધારો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિનામાં જ 31,974 ખાડા પડ્યા

ખાડોદરા નગરીનું બિરુદ ધરાવતા વડોદરામાં છેલ્લા એક મહિનામાં 31,974 ખાડાનો ઉમેરો થયો છે અને તેની સાથે શહેરમાં 60,084 ખાડા થયા છે. આ સંજોગોમાં છેલ્લા એક મહિનામાં જ દરરોજ 1065 ખાડાનો વધારો થયો છે. ચાલુ વર્ષે એક જ દિવસમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો જ નથી. ત્રણ વર્ષમાં પાલિકાએ રોડ રિપેરિંગ પાછળ 22 કરોડનો ખર્ચો કર્યો છે. આ સંજોગોમાં શહેરમાં હજુ અન્ય શહેરોની જેમ તોફાની વરસાદ થયો નથી પણ તેમ છતાં છૂટાછવાયા વરસાદમાં જ 28 કિલોમીટરની લંબાઇના રસ્તા તૂટી ગયા છે તો શહેરના તમામ વિસ્તારમાં ખાડા પડી ગયા છે.

વડોદરાના 2 ધારાસભ્યોનો સમાવેશ રાજ્ય સરકારના મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે અને આ બંને મંત્રીઓને વડોદરામાં નીકળેલી જન આશીર્વાદ યાત્રામાં ખાડા ન દેખાય તે માટે પાલિકાએ યાત્રાને સમાંતર પેચવર્ક કરાવ્યું હતું. શહેરમાં હજી પણ તમામ વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગ તરફથી વાહકજન્ય રોગ અટકાવવા કામગીરી કરાય છે અને તે અંતર્ગત 4 સપ્ટેમ્બરે શહેરમાં 28,110 સ્થળે પેરાડોમેસ્ટિક કામગીરી મચ્છર માટે કરી હતી એટલે કે આ તમામ સ્થળે ખાડામાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને તેમાંથી મચ્છરની ઉત્પતિ થતી હતી.

આ કામગીરી 14 સપ્ટેમ્બરે 38,020 ખાડામાં, 24 સપ્ટેમ્બરે 49,583 ખાડામાં કરી હતી, જ્યારે 3 ઓક્ટોબરે આ કામગીરી 60,084 સ્થળે કરાઈ હતી.જે મુજબ એક મહિનામાં બીજા 31974 ખાડા પાલિકાને મળ્યા છે અને તેને પૂરવાનો પડકાર પણ મળ્યો છે. પાલિકાએ 20 દિવસમાં પેચવર્ક સહિતની કામગીરી આટોપી લેવાનું આયોજન કર્યું છે પણ વરસાદી ઝાપટા ચાલુ રહેતા ખાડા પુરાણમાં વિલંબ થયો છે. આ સંજોગોમાં નવરાત્રી પૂર્વે કામગીરીનો પ્રારંભ થશે કે કેમ તે અંગે સવાલ ઊભા થયા છે.

છેલ્લાં 3-4 વર્ષ દરમિયાન બનેલા રોડની ક્વોલિટી તપાસવા શહેર ભાજપની માગ
શહેરના રોડ તૂટવાની અને ખાડા પડવાની ફરિયાદો ઊઠી છે. આ સંજોગોમાં વાસણા રોડ પર સ્થાનિક સંસ્થા તરફથી બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે સ્પર્ધકોના વાલીઓ સાથે સમસ્યા જાણવા સંવાદ કર્યો હતો. એક નાગરિકે રૂપારેલ કાંસ અંગે રજૂઆત કરી હતી તો અન્ય નાગરિકે ફતેગંજ બ્રિજ પાસે સ્પીડબ્રેકર મૂકવા માગ કરી હતી. એક જણે ખાડોદરાનું બિરુદ મળ્યું છે ત્યારે નક્કર કામગીરી થવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં મ્યુ. કમિ. સાથે બેઠક કરી 3-4 વર્ષમાં બનેલા રસ્તાની ક્વોલિટી ચકાસવા સૂચન કર્યું છે.

પાલિકાએ કેટલા ખાડામાં પેરાડોમેસ્ટિક કામગીરી કરી
14 સપ્ટેમ્બર38,020 ખાડા
24 સપ્ટેમ્બર49,583 ખાડા
3 ઓક્ટોબર60,084 ખાડા
22 કરોડ ત્રણ વર્ષમાં રોડ રિપેરિંગ પાછળ ખર્ચ28 કિમીની લંબાઇના રસ્તા વરસાદમાં તૂટ્યા
અન્ય સમાચારો પણ છે...