વ્યાજખોરોની વસૂલીનો વારો:વ્યાજના રૂપિયાથી વસાવેલી મિલકતોનો હિસાબ ઈન્કમટેક્ષ કરશે, ઈડી જપ્ત કરશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માંજલપુરમા યોજાયેલ લોકદરબાર - Divya Bhaskar
માંજલપુરમા યોજાયેલ લોકદરબાર
  • 24 કલાકમાં 4 લોકદરબાર યોજાયા, 11 વ્યાજખોરો સામે ગુના નોંધી ધરપકડ, 4ને પાસા કરાઈ
  • ગૃહમંત્રીના આદેશનું વડોદરામાં સૌપ્રથમ અમલીકરણ કરાયું
  • એકજ દિવસમાં વ્યાજખોરોના ભોગ બનેલા 25 લોકોની રજૂઆત

વ્યાજખોરી કરીને કરેલી કમાણીથી વસાવેલી મિલકતો ઇડીની મદદથી શોધી કાઢી જપ્ત કરાશે જેમાં આયકર વિભાગની મદદ લેવામાં આવશે.વડોદરામાં ખુદ પોલીસ કમિશનરે લોકદરબારમાં જઇ વ્યાજખોરોથી ત્રસ્ત લોકોની સમસ્યા સાંભળી મોટા માથા બની ચૂકેલા વ્યાજખોરોની પ્રવુતિને ડામવા પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી.

રાજ્યમાં સૌ પ્રથમ વાર વડોદરામાં આવી કાર્યવાહી થશે. પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે જણાવ્યું કે, વ્યાજખોરોની વિરૂદ્ધમાં ગૃહમંત્રીના આદેશ મુજબ ઝુંબેશ ઉપાડાઇ છે. વ્યાજખોરો સામેના અભિયાનમાં 5 દિવસમાં 7 ગુના નોંધ્યા છે અને 4 લોકો સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. માંજલપુરના લોકદરબારમાં 9 ફરિયાદો આવી છે.

એસીપી-ડીસીપીને સુચના આપી છે. 9 ફરિયાદોમાં કાર્યવાહી થશે. જાહેર જનતાને નિવેદન છે કે 100 નંબર, પોલીસ મથકમાં કે લોક દરબારમાં ફરિયાદ કરો. તાત્કાલિક કાર્યવાહી થશે. નોંધનિય છે કે માંજલપુરમાં નિરજ ઐયરની ફરીયાદને આધારે વ્યાજખોર નરેશ માળી જ્યારે રાવપુરા પોલીસે વ્યાજખોર અવતારસીંગ, રણજિત રાણા, પ્રતાપસિંહ ચંદ્રાવત સહિત 11 વ્યાજખોરોની ધરપકડ કરી છે.

IT વિભાગ પાસે વિગતો મંગાવાઇ
ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતું કે વ્યાજખોરોએ આયકર વિભાગમાં દર્શાવેલી આવક કરતાં વધારે સંપતિ હશે તો જપ્ત થશે. ઇન્કમટેક્ષ વિભાગ પાસેથી એક વ્યાજખોરની આવક અંગેની વિગતો મંગાવી છે. અમારી પ્રાથમિક તપાસમાં એને વ્યાજખોરીથી અઢળક સંપતિ વસાવી હોવાનું બહાર આવ્યું છે. વિગતો આવ્યા બાદ ઇડીની મદદથી મિલકતો જપ્ત કરાશે.

2 વ્યાજખોરોની મિલકતની તપાસ
રાવપુરામાં એક પેઢી વિરૂદ્ધ 4 ગુના દાખલ થયા છે. તપાસમાં પ્રોપર્ટી મળી આવી છે, જે વ્યાજખોરી કરીને વસાવવામાં આવી હતી. આ ચારેય મામલાની તપાસ અમે ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. ક્રાઇમ બ્રાન્ચ ઇડી સાથે સંપર્ક કરી તેની પ્રોપર્ટી જપ્તીની કાર્યવાહી કરશે. ITની પણ મદદ લેવામાં આવશે. > ડૉ.શમશેરસિંગ, પોલીસ કમિશનર

વ્યાજખોરની નફ્ફટાઈ ઃ મુદ્દલ અને વ્યાજ બધુ જ છોડ, તારી પત્ની મને એક દિવસ માટે આપી જા
બુધવારે 5 વિસ્તારમાં યોજાએલા લોક દરબાર પૈકી રાવપુરા-નવાપુરા વિસ્તારમાં 13 અરજી મળી હતી. કમિશનરે કહ્યું કે, વ્યાજના રૂપિયે સંપતિ બનાવનાર સામે મની લોન્ડ્રીંગનો કેસ દાખલ થશે. રાવપુરાના રિતેશ પંચાલે પ્રતાપસિંહ ચંદ્રાવત પાસેથી 1 લાખ રૂપિયા 15 ટકા વ્યાજે લઇ 5 લાખ ચૂકવ્યા હતા. વ્યાજ ઓછું કરવા કહેતાં પ્રતાપસિંહે કહ્યું હતું કે, મુદ્દલ-વ્યાજ છોડ, તારી પત્ની મને એક દિવસ માટે આપી જા.

18 લાખ ચુકવવા છતાં વધુ 12 લાખની માંગણી કરી
અાનંદ મહેતાએ પ્રણવ િત્રવેદી પાસેથી 7.47 લાખ લઇ 18.22 લાખ ચુકવ્યા છતાં પ્રણવે વધુ 12 લાખ માંગી મારી નાખવાની ધમકી અાપી હતી.

વ્યાજના ચક્કરમાં યુવકે 8 પાસેથી વ્યાજે રૂપિયા લીધા
ચોખંડીના નૈનેશે જગદીશ શર્મા પાસેથી 3.75 લાખ લીધા હતા. તેને ચુકવવા અન્ય 7 પાસેથી રૂપિયા લીધા હતા. ધમકી મળતાં ફરિયાદ નોંધાવી.

4 લાખ સામે 10 લાખ લઈ મકાનનો દસ્તાવેજ કરી લીધો
દાંડીયા બજારના સોનાલી મુલ્હેકરે રણજીત રાણા પાસેથી 4 લાખ વ્યાજે લીધા. 10 લાખ આપ્યા છતાં વધુ 8 લાખ માંગી મકાનનો દસ્તાવેજ કરાવી લીધો.

દર મહિને વ્યાજના 17,500 ચુકવતા છતાં 5.50 લાખ માંગ્યા
રાવપુરામાં પિતા-પુત્રે અવતારસિંગ પાસેથી 1.82 લાખ લીધા, મહિને 17,500 વ્યાજ ચુકવતા હતા. વધુ 5.50 લાખની માંગણી કરતા ફરિયાદ.

વૃદ્ધનો ફ્લેટ લખાવી લીધો, કમિશનના 70 હજાર પડાવ્યા
વૃદ્ધે દમુ અને જીવન ભરવાડ પાસેથી 5 લાખ લીધા, બન્નેએ ફ્લેટ પણ લખાવી લીધો, કમિશનના પણ 70 હજાર લીધા. બન્ને સહિત 4 સામે ફરિયાદ.

લારીનો વકરો લઈ જવાની વ્યાજખોરની ધમકી
માંજલપુરના િનકુંજ પટેલે સુનિલ કહાર પાસેથી 25 હજાર લીધા, 6 હજાર પડાવ્યા પછી લારીનો વકરો લઇ જવાની ધમકી અાપતા ફરિયાદ.

લોકદરબાર
બે દિવસ માટે 6 લાખ લીધા અને 84 લાખ ચુકવ્યા
​​​​​​​
રાવપુરામાં 13 અરજી થઇ, વેપારી િદનેશ શર્માએ 6 લાખ વ્યાજે લીધા, 84 લાખ ચુક્તે કર્યા, પોતાની 9 દુકાન અને ફેક્ટરી ગુમાવી પડી હતી.

દોઢના ત્રણ લાખ વસુલ્યા અને કાર પણ પડાવી લીધી
માંજલપુરમાં 8 અરજી આવી, નિરજને અકસ્માત થતાં કાર ગીરવે મુકી દોઢ લાખ લીધા, 3 લાખ આપ્યા, કાર પણ ગઇ.

બે દિવસ માટે 6 લાખ લીધા અને 84 લાખ ચુકવ્યા
ગોત્રીમાં વિધવા મહિલા સહિત 5 લોકોએ અરજી અાપી, તેમના પુત્રે 8 લાખ લઇ વ્યાજ સાથે ચૂકવણી કરી છતાં સિક્યોરિટી ચેક બેંકમાં નાખી કેસ કર્યો.

અન્ય સમાચારો પણ છે...