કોન્ટ્રાકટરનાં કરતૂતનો વીડિયો વાઇરલ:વડોદરામાં ચાલુ વરસાદે પાણી ભરેલા ખાડામાં ડામરથી પેચવર્ક કરી નાખ્યું, અધિકારીઓની ચાલાકી પકડાઈ ગઈ

વડોદરા3 દિવસ પહેલા
  • પૂર્વ વિસ્તારના કાર્યપાલક ઇજનેરે કહ્યુંઃ 'પાણી હોય ત્યાં ડામર પાથરવામાં આવતો નથી'
  • રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો વિપક્ષી નેતાનો આક્ષેપ

વડોદરાના વાડી રંગમહાલ ચબુતરા પાસે પડેલા ખાડામાં ચાલી રહેલા વરસાદમાં પેચવર્ક શરૂ કરવામાં આવી રહ્યું હતું. જાગૃત નાગરિક દ્વારા વરસાદમાં કોર્પોરેશન દ્વારા ડામર પાથરવાની કરવામાં આવી રહેલી કામગીરીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. આ અંગે પૂર્વ વિસ્તારના કાર્યપાલક ઇજનેર પરેશ પટેલે જણાવ્યું કે, આ પાણી ભરેલા ખાડામાં ડામર નહીં પરંતુ, ડામર વેસ્ટ નાખવામાં આવ્યો હશે. ચોમાસાની ઋતુમાં પાણી ભરાયેલા હોય ત્યારે ડામર વેસ્ટ નાખવામાં આવતો હોય છે. જોકે, વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો હતો કે, રોડના કામમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.

વાડી રંગમહાલમાં વરસાદના પાણીમાં ડામર પાથરવામાં આવ્યો.
વાડી રંગમહાલમાં વરસાદના પાણીમાં ડામર પાથરવામાં આવ્યો.

રસ્તાઓના કામમાં પ્રજાના નાણાનો વેડફાટ
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરના માર્ગો ઉપર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થયું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. પેચવર્કની કામગીરી એવી રીતે કરવામાં આવી રહી છે કે, ચાલુ વરસાદમાં પણ કોર્પોરેશન પેચવર્કની કામગીરી કરી રહ્યું છે. પાણી અને ડામર દુશ્મન કહેવાય છે. તેમ છતાં, પાલિકાના રસ્તાના ઇજારદારો દ્વારા કેટલાક વિસ્તારોમાં ડામર પાથરી રહ્યા છે અને પ્રજાના નાણાંનો વેડફાટ કરી રહ્યા છે. તાજેતરમાં જ પીએમ મોદીના પ્રવાસ ટાણે માટી સાફ કર્યા વિના ડામર પથરાયો હતો. જે હાસ્યાસ્પદ બન્યુ હતું. પોલો ગ્રાઉન્ડથી જયરત્ન ચાર રસ્તા સુધી નાખવાની કામગીરી બાદ પુરાણ કરવામાં આવ્યું હતું અને તેના પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. જોકે નજીવા વરસાદમાં જ કરેલું કાર્પેટિંગ ધોવાઈ ગયું હતું.

કોર્પોરેશન દ્વારા વરસાદ બંધ રહેતા ડામર પાથરવાની કામગીરી શરૂ કરી.
કોર્પોરેશન દ્વારા વરસાદ બંધ રહેતા ડામર પાથરવાની કામગીરી શરૂ કરી.

વરસાદના પાણીમાં ડામરનો ઉપયોગ કરવામાં આવતો નથી
પાલિકા આટેલેથી ન અટકતા શહેરના વાડી રંગમહાલમાં રોડ ઉપર પાણી ભરાયેલા હોવા છતાં, ડામર પાથરી તેના ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કામગીરીનો વીડિયો એક જાગૃત નાગરીકે બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. જેમાં સવારે પડેલા વરસાદ બાદ રોડ પર પાણી ભરાયેલા હતા. તે સમયે પાલિકાના ડામર પાથરી રોલર વડે તેનું કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર પરેશ પટેલે જણાવ્યું કે, ડામરનો વેસ્ટેજ માલ નંખાયો હશે. સામાન્ય રીતે વરસાદના પાણી ભરેલા હોય ત્યારે ડામર વેસ્ટ નખાતું હોય છે અને જ્યાં કોરી જગ્યા હોય ત્યાં ડામર પાથરવામાં આવતો હોય છે.

રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો વિપક્ષી નેતાનો આક્ષેપ.
રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો વિપક્ષી નેતાનો આક્ષેપ.

ચોમાસામાં ડામર પ્લાન્ટ ચલાવી શકાય નહીં
કોર્પોરેશનના વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, ચાલુ વરસાદમાં પેચવર્કનું કામ કરવું કેટલું યોગ્ય છે. લોકોના સંતોષ માટે પેચવર્કનું કામ કરીને પ્રજાના નાણાંનો વેડફાટ કરી રહ્યા છે. કોર્પોરેશનના ઇજારદારો દ્વારા રોડના કામે મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ચોમાસામાં પ્લાન્ટ બંધ હોય છે. ચોમાસામાં કેમ ડામર પ્લાન્ટ ચાલુ કરવામાં આવે છે. તે એક મોટો પ્રશ્ન છે. મનિષા ચોકડીથી ગેંડા સર્કલ સુધી બની રહેલા બ્રિજની બાજુનાં સર્વિસ રોડ ઉપર ઇજારદારે રોડ બનાવવાનો હોય છે. પરંતુ, આ ખર્ચ કોર્પોરેશન કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...