આગામી દિવસોમાં આવી રહેલા દિવાળી તહેવારને પગલે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દિવાળીમાં લોકોને ગુણવત્તાયુક્ત મિઠાઇ અને ફરસાણ મળે તે માટે ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. આજે શહેરનાં વિવિધ વિસ્તારોમાં મિઠાઇ, ફરસાણ, બેસન, ઘી, તેલ, રો-મટેરીયલ્સ વિગેરેનું ઉત્પાદન તેમજ વેચાણ કરતા યુનીટો, મોલ, મિઠાઇ-ફરસાણની દુકાનો, હોલસેલ-રીટેલ યુનીટોમાં ઘનિષ્ઠ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા નમુના લઇ સ્થળ પરજ ટેસ્ટીંગ મોબાઇલવાનમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ ચિજવસ્તુઓના નમુના લેવામાં આવ્યા હતા.
વેપારીઓમાં ગભરાટ
વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગની કામગીરી કરી કરવામાં આવી હતી. અને 110 ચિજવસ્તુઓના નમુનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરીના પગલે વેપારીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આરોગ્ય ટીમ દ્વારા 25 જેટલા મેન્યુફેક્ચરીંગ યુનિટો ઉપર તપાસ કરવામાં આવી હતી. અને 40 જેટલા વિવિધ ખાદ્ય ચિજવસ્તુઓના નમુના લીધા હતા.
છેલ્લા એક સપ્તાહથી ચેકીંગ
કોર્પોરેશનનાં મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્ય દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની ટીમો બનાવી શહેરનાં વિવિધ વિસ્તારમાં મિઠાઇ, ફરસાણ, બેસન, ઘી, તેલ, રો-મટેરીયલ્સ વિગેરેનું ઉત્પાદન તેમજ વેચાણ કરતા મેનુફેકચરીંગ યુનીટો, મોલ, મિઠાઇ-ફરસાણની દુકાનો, હોલસેલ, રીટેલ યુનીટો, વિગેરેમાં ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમ્યાન શહેરનાં રાવપુરા, ચોખંડી, યમુનામીલ, કલાદર્શન, મહેશ કોમ્પ્લેક્ષ, વાઘોડીયા રોડ, અકોટા, સરદાર એસ્ટેટ, આજવા રોડ, મકરપુરા, મકરપુરા જી.આઇ.ડી.સી., ન્યુ સમા, નિઝામપુરા, માંજલપુર, ઉમા ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા, ગોકુલનગર ગોત્રી, ધોબી તળાવ વારસીયા, એસ.કે.કોલોની વારસીયા, જુની આર.ટીઓ. મેન રોડ, સરસીયા તળાવ યાકૃતપુરા વિગેરે વિસ્તારોમાં આવેલ 25- મેન્યુફેકચરીંગ યુનીટો, મોલ, મિઠાઇ-ફરસાણની દુકાનો, હોલસેલ, રીટેલ યુનીટો ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું.
મસાલો અને ફરસાણના 40 નમુના લીધા
ચેકીંગ દરમિયાન મોળો માવો, મિઠો માવો, બેસન, ફુલવડી, ફરસાણ, મરચુ, હળદર, મસાલા, કેસરી પેંડા, કેસરી માવા રોલ, કપાસીયા તેલ, મગ દાળ, તુવર દાળ, પ્રીપેર્ડ ફુડ, પુદીના સેવ, પામોલીન તેલ, ક્રિમ, કેક, પનીર, કાજુ કતરી (સ્વીટ) વિગેરેનાં મળી કુલ-40 નમુના લેવામાં આવેલ. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ મિઠાઇઓમાં બેસ્ટ બી-ફોર ડેટનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ યુનીટોમાં સ્વચ્છતા જાળવવા સુચના આપવામાં આવી હતી.
વિવિધ ચિજવસ્તુઓના નમુના લેવાયા
ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારો જેવાકે મંગલપાંડે રોડ, નવરચના સ્કુલ, અભીલાષા ચાર રસ્તા, ન્યુ સમા, રોડ, વારસીયા રોડ, સંત કવર કોલોની, અમીત નગર, કારેલીબાગ, ન્યુ વી.આઇ.પી.રોડ, આનંદ નગર વિગેરે વિસ્તારોમાંથી જુદી-જુદી જાતની મિઠાઇઓ, ખાધ તેલો, બેસન, મેંદો, દુધ, કઠોળ, ઘી વિગેરેનાં કુલ-110 જેટલા નમુના લઇ સ્થળ પરજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.