છેડતી:વડોદરાના પાદરામાં યુવાને રસ્તા પર ઉભેલી કોલેજીયન યુવતીને અશ્લીલ ચેનચાળા કર્યાં, CCTVના આધારે તપાસ શરૂ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વડોદરા જિલ્લાના પાદરામાં વિદ્યાર્થીનીને ચાલુ વાહને અશ્લીલ ચેનચાળા કરનાર અજાણ્યા એક્ટિવા સવાર યુવાનની વર્ણન અને CCTV ફૂટેજના આધારે ઓળખ થતા ફરિયાદના આધારે પાદરા પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચેનચાળા કરનાર યુવાનને ઝડપી પાડવા સ્થાનિક લોકોએ પીછો કર્યો
મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિની એમએસ યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીની 23 જુલાઈના રોજ રાબેતા મુજબ ટ્યુશન ક્લાસ માટે નીકળી હતી. જ્યાંથી પરત ફરતા સમયે વરસાદ ચાલુ હોવાથી વિદ્યાર્થિની રસ્તાની સાઇડ ઉપર ઉભી રહી હતી. દરમિયાન તે સ્થળેથી પસાર થઇ રહેલા અજાણ્યા એક્ટિવા સવાર યુવાને વિદ્યાર્થિનીનો પીછો કર્યો હતો. અને ગોરીયાદ-સરસવણી રસ્તા વચ્ચે ચાલુ વાહને એક્ટિવા સવાર યુવાને બીભત્સ હરકતો કરી હતી.

CCTVમાં યુવતીએ યુવાનને ઓળખી બતાવ્યો
દરમિયાન આ ઘટના અંગે યુવતીએ સ્થાનિક લોકોને વાત કરતા તેઓએ છેડતી કરનાર યુવાનનો પીછો કર્યો હતો. પરંતુ તેને ઝડપી પાડવામાં નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા એકટીવા કલરના આધારે તેમજ CCTV ફૂટેજ ચકાસણી કરતા કુંતલ અશોકભાઇ પટેલ (રહે. ગોરીયાદ, પાદરા) હોવાનું બહાર આવ્યું હતું અને વિદ્યાર્થીનીએ તેને ઓળખી બતાવ્યો હતો.

યુવતીએ હિંમત કરીને ફરિયાદ નોંધાવી
યુવતીએ જે-તે સમયે સમાજમાં બદનામીના ડરથી પોલીસ ફરિયાદ ટાળી હતી. પરંતુ, ટ્યુશન ક્લાસ પ્રતિદિન જવાનું હોવાથી ફરી વખત આ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે હિંમત રાખી આખરે તેણીએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે ફરિયાદના આધારે કુંતલ પટેલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...