વડોદરા જિલ્લાની 5 બેઠક પૈકી વાઘોડિયા અને પાદરા વિધાનસભા બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ બળવો કરી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જેમાં પાદરા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા)એ જંગી રેલી સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઘોડા ઉપર સવાર થઈને અપક્ષ ઉમેદવારે જંગી રેલી સાથે ભરેલા ઉમેદવારી પત્રએ તેમના હરીફ ભાજપ અને કોંગ્રેસના ગઢમાં સન્નાટો વ્યાપી ગયો હતો. "એક બાર ફિરસે, મામા ફિરસે" ના ગગનભેદી સૂત્રોચ્ચારોએ પાદરા નગર ગુંજી ઉઠ્યું હતું.
હારી ગયા પછી સતત કામો કર્યાં
પાદરા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિનેશ પટેલ (દિનુ મામા)એ 2007માં પ્રથમ વખત અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જંગી બહુમતી જીતી ગયા હતા. તે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. 2012માં ભાજપમાંથી એક વખત ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ-2017માં ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણી હારી ગયા બાદ સતત તેઓ પાદરા તાલુકાના વિકાસમાં સતત કાર્યશીલ રહ્યા હતા. પરંતુ, આ વખતે ભાજપ દ્વારા તેઓને ટિકિટ ન આપતા તેમણે બળવો કરીને અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આજે તેઓએ ભાજપના સભ્ય પદેથી રાજીનામું પણ આપી દીધું હતું.
પાદરાના જાણીતા બેન્ડે જમાવટ કરી
ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે દિનેશ પટેલે (દિનુ મામા) ઘોડા ઉપર સવાર થઇ જંગી મેદની સાથે રેલી કાઢી ઉમેદવારી પત્ર ભર્યું હતું. અપક્ષ ઉમેદવારની જંગી રેલીમાં પાદરાનું જાણીતુ બેન્ડ તેમજ ઢોલ-નગારાએ જમાવટ કરી હતી. રેલીના માર્ગમાં આવતી પ્રતિમાઓને ઉમેદવારે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રેલીમાં સ્વયંભૂ લોકો જોડાયા હતા. પાદરા નગરના તમામ નાના-મોટા વેપારીઓ દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એ તો ઠીક પાદર નગરની યુવતીઓ અને મહિલાઓ ફૂલોનો હાર લઇ માર્ગો ઉપર ઉમેદવાર દિનુ મામાનું સ્વાગત કરવા માટે ઊતરી પડી હતી.
મુખ્ય માર્ગો ઉપર આકર્ષણ
વડોદરા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવા જતા સમયે કાઢેલી રેલીમાં સૌથી મોટી રેલી પાદરા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરનાર દિનેશ પટેલ (દિનુ મામા)ની હોવાનું કહેવાય છે. આ રેલીમાં નાનાં બાળકોથી આબાલવૃદ્ધો સ્વયંભૂ જોડાયા હતા. રેલીમાં જોડાયેલા લોકોએ "એક બાર ફીરસે, મામા ફીરસે" ના નારા લગાવી પાદરા નગરને ગજવી દીધું હતું. પાદરા નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થયેલી રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
રાજીનામું આપ્યા બાદ ઊંઘ હરામ
પાદરા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપાના બળવાખોર પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)ની વિશાળ રેલીએ હરીફ પક્ષ ભાજપા અને કોંગ્રેસ છાવણીમાં સન્નાટો પાથરી દીધો હતો. વિશાળ રેલીના પગલે પાદરા નગરમાં લોકોના મુખ ઉપર એક જ સૂત્ર ગુંજતુ હતું "એક બાર ફીરસે, મામા ફીરસે" અપક્ષ ઉમેદવારની રેલીમાં નગરના ખૂણેખૂણામાંથી લોકો જોડાયા હતા. જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયતના સદસ્યો સહિત અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ (દિનુ મામા)ની રેલીએ હરીફ ઉમેદવારોની ઊંઘ હરામ કરી નાંખી છે. જેમાં આજે દિનુ મામાએ ભાજપાના સભ્યપદેથી રાજીનામું આપી દીધા બાદ હરીફ ઉમેદવારોની છાવણીમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
જંગી બહુમતીથી જીતીશ
પાદરા બેઠકના અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ (દિનુ મામા)એ જણાવ્યું હતું કે, 2017માં ચૂંટણી હાર્યા પછી પણ પાંચ વર્ષ જનતાની સેવા કરવામાં કોઇ કચાસ રાખી ન હતી. તેમ છતાં, એકાએક મને ટિકિટ ન મળતા, સરપંચો, નગરપાલિકાના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તેમજ અસંખ્ય કાર્યકરો સાથેની ચર્ચા-વિચારણા બાદ મેં પાદરા તાલુકાની સેવાર્થે અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આશા અમર હોય છે. તાલુકાની પ્રજાનાં સુખ-દુઃખમાં સાથે રહ્યો છું.
હું પાદરા તાલુકાની 1998થી વિધાનસભાની ચૂંટણી લડતો આવ્યો છું. જેમાં બે વખત જીત્યો છું. અને ત્રણ વખત હારી ગયો છું. છતાં, તાલુકાની પ્રજાનો વિશ્વાસ અખંડ રાખ્યો છે. પાદરાના હિત માટે ભાજપમાં ગયા હતો. પાદરામાં વિકાસ કામો પણ કર્યાં છે. ત્યારે આ વખતે પણ મને મતદારો જંગી બહુમતી જિતાડીને વિધાનસભામાં મોકલશે, તેવો મને પૂરો વિશ્વાસ છે.
કઇ જ્ઞાતિના કેટલા મતદાર
પાદરા તાલુકામાં મતદારોની કુલ સખ્યા 237788 છે. જેમાં પુરુષ મતદારો 122096 અને સ્ત્રી મતદારો 115692 છે. જેમાં પટેલ મતદાર 29743, ક્ષત્રિય દરબાર-112173, મુસ્લિમ-23283, ક્ષત્રિય ગાંધી- 5861, વાણિયા બ્રાહ્ણમ- 8863, અન્ય-36965, એસ.ટી.-6034 અને એસ.સી. 11956 મતદારો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.