શ્રીજીની વિદાયમાં મારામારીના LIVE VIDEO:વડોદરાના માણેજામાં DJમાં ડાન્સ કરવા બાબતે છુટ્ટા હાથની મારામારી, માથાભારે યુવાનોએ ઘૂસી ધમાલ મચાવી

વડોદરા19 દિવસ પહેલા

શહેરના છેવાડે આવેલા માણેજા ગામમાં મોડી રાત્રે શ્રીજીની વિસર્જનયાત્રામાં DJમાં ડાન્સ કરવા ત્રણ જેટલા કહેવાતા માથાભારે યુવાનો ઘૂસી જતાં ગણેશમંડળના યુવાનો સાથે છુટ્ટા હાથની મારા મારી થઈ હતી. મોડી રાત્રે મારામારીના બનેલા આ બનાવના વીડિયો વાઇરલ થયા છે. માણેજા ગામમાં બનેલા શ્રીજીની વિસર્જનયાત્રામાં બનેલા બનાવને પગલે દોડધામ મચી ગઈ હતી. મહિલા-પુરુષોનું ટોળું પકડો...પકડો...ની બુમરાણો સાથે ડી.જે. ઓપરેટરને મારવા પાછળ દોડ્યું હતું.

નવમા દિવસે વિસર્જન કરવામાં આવે છે
ગણેશચતુર્થીથી શહેરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજવણી થઈ છે. કેટલાંક ગણેશમંડળો દ્વારા શ્રીજી ઉત્સવના નવમા દિવસે શ્રીજીનું ભવ્યાતિ ભવ્ય સવારીઓ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. સવારથી મોડી રાત સુધી નવ દિવસ માટે શ્રીજીની સ્થાપના કરતા ગણેશ યુવક મંડળો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રાઓ કાઢીને શ્રીજીનું પોતાના વિસ્તારોમાં આવેલાં તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

એક યુવાનને પકડવા માટે દોડી રહેલા લોકો.
એક યુવાનને પકડવા માટે દોડી રહેલા લોકો.

મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
શ્રીજી ઉત્સવના નવમા દિવસે વડોદરાના છેવાડે આવેલા માણેજા ગામ ગણેશ યુવક મંડળ દ્વારા પણ શ્રીજીની નવ દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી અને રાત્રે વાજતે-ગાજતે શ્રીજીની વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી. ડી.જે. સાથે નીકળેલી શ્રીજીની ભવ્ય વિસર્જનયાત્રામાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો, યુવતીઓ, મહિલાઓ, પુરુષો અને વૃદ્ધો જોડાયાં હતાં. શ્રીજીની વિસર્જનયાત્રા ડી.જે.ના તાલ સાથે ડાન્સ કરતા યુવાનો સાથે તળાવ તરફ આગળ ધપી રહી હતી.

યુવાનને માર મારી રહેલા લોકો.
યુવાનને માર મારી રહેલા લોકો.

ત્રણ માથાભારે યુવાનો નાચતાં ઘૂસી ગયા
દરમિયાન ત્રણ માથાભારે કહેવાતા યુવાનો ડી.જે. ના તાલે નાચવા માટે શ્રીજીની વિસર્જન યાત્રામાં ઘૂસી ગયા હતા. ગણેશ યુવક મંડળના યુવાનોએ નાચવા માટે ઘૂસી ગયેલા ત્રણ યુવાનને બહાર નીકળવાનું જણાવતાં મામલો બિચક્યો હતો અને જોતજોતાંમાં મારામારી શરૂ કરી દીધી હતી. વાઇરલ થયેલા વીડિયોમાં એક યુવાનને ટોળા દ્વારા માર મારવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. મારામારી થતાં જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

મારામારી થતાં વિસર્જનયાત્રામાં દોડધામ.
મારામારી થતાં વિસર્જનયાત્રામાં દોડધામ.

વીડિયોમાં લાકડીના ફટકા મારો જણાવે છે
બીજી બાજુ, ડી.જે. ઓપરેટર ડી.જે. છોડીને ભાગી જતાં શ્રીજીની વિસર્જનયાત્રામાં જોડાયેલાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને પુરુષો પકડો...પકડો...એવી બૂમો મારી તેણે પકડવા માટે દોડ્યાં હતાં. શ્રીજીની વિસર્જનયાત્રા દરમિયાન થયેલી છુટ્ટા હાથની મારામારીન પગલે ગામમાં દોડધામ મચી ગઇ હતી. કેટલાક લોકો યાત્રા છોડીને ઘરે રવાના થઈ ગયા હતા. કેટલાક લોકો દ્વારા માથાભારે કહેવાતા લોકોની માફી પણ માગી રહ્યા હોવાનું વીડિયોમાં જણાઈ આવે છે. તો વીડિયોમાં એક યુવાન લાકડીના ફટકા મારવા માટે પણ જણાવી રહ્યો હોવાનું જણાઈ આવે છે.

મોડી સવાર સુધી ફરિયાદ થઈ નથી
મોડી રાત્રે માણેજા ગામમાં બનેલા આ બનાવે માણેજા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. નોંધનીય છે કે મોડી રાત્રે બનેલા આ બનાવની આજે મોડી સવાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જોકે આ વિસર્જનયાત્રામાં પોલીસ-બંદોબસ્ત પણ હતો. ત્યારે પોલીસ ફરિયાદ બનીને શાંતિ ડહોળનારાં તત્ત્વો સામે કાર્યવાહી કરશે કે કેમ એ એક સવાલ છે.

માથાભારે યુવાનોએ ધમકી આપી ‘તું મકરપુરા ગામમાં જ્યાં દેખાઇશ ત્યાં મારી નાખીશું’
શહેરના માણેજા ગામમાં મોડી રાત્રે શ્રીજીની વિસર્જન યાત્રામાં ડીજે ઉપર નાચવા બાબતે છૂટા હાથની મારામારીની ઘટના બની હતી. અને તેનો વીડિયો વાઇરલ થયો હતો. આ બનાવ અંગે આજે મકરપુરા પોલીસ મથકમાં ત્રણ યુવાનો સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે ત્રણ યુવાનો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં માથાભારે ત્રણ યુવાનોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું છે.

ધક્કો મારતા મામલો બિચક્યો હતો
શહેરના માણેક માણેજા ખાતે આવેલ એ-10 વૃંદાવન સોસાયટીમાં અજીત રામચરણ પટેલ પરિવાર સાથે રહે છે. અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. મોડી રાત્રે તેઓની સોસાયટી પાસેના શ્રીરામ યુવક મંડળ દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. આ વિસર્જન યાત્રામાં તેઓ નાચતા હતા. ત્યારે ત્રણ યુવાનો શૈલેષ યાદવ, દીપક મૌર્ય અને નિખિલ આવી પહોંચ્યા હતા અને નાચવાનુ શરૂ કર્યું હતું. નાચતા નાચતા તેઓએ અજીત પટેલને ધક્કો મારતા મામલો બિચક્યો હતો.

માથાકૂટ કરીશ નહીં, નહીં તો ભારે પડશે
અજીત પટેલે ત્રણેય યુવાનોને ઠપકો આપતા તેઓએ માર મારવાનું શરૂ કરી દીધું હતું અને જણાવ્યું કે, અમારી સાથે માથાકૂટ કરીશ નહીં, નહીં તો ભારે પડશે. ત્યારે અજીતે સામે જવાબ આપતા જણાવ્યું કે, તમો ત્રણેય ભેગા મળી મને બીવડાવશો નહીં. ઝઘડો આગળ વધતા ત્રણેય માથાભારે શૈલેષ યાદવ દિપક મૌર્ય અને નિખિલે અજીતને માર મારવાનું શરૂ કરતાં દોડધામ મચી ગઈ હતી. અજીતને માથામાં કડું વાગતા ઇજા પહોંચી હતી. દરમિયાન અજીતે બચાવો બચાવો ની બુમો મારતા લોકો દોડી આવ્યા હતા.

લોકો દોડી આવતા હુમલાખોરો નાસી છૂટ્યા
​​​​​​​
જો કે, લોકો આવે તે પહેલા ત્રણેય માથાભારે યુવાનો ફરાર થઈ ગયા હતા. ત્રણેય માથાભારે યુવાનોએ એવી પણ અજીતને ધમકી આપી હતી કે, તું મકરપુરા ગામમાં દેખાઇશ ત્યાં પતાવી દઈશું. મકરપુરા પોલીસે અજીત પટેલની ફરિયાદના આધારે ત્રણેય માથાભારે યુવાનો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.