એક માસ પહેલાં કરજણ ટોલનાકા પાસે થયેલા ઝઘડાની અદાવતમાં કરજણ ભાજપા યુવા મોરચાના ભાઇને મીયાગામ કરજણના બે ગોહિલ મિત્રોએ કરજણમાં આવીને માર માર્યો હતો. કરજણ જુના બજારમાં પાનના ગલ્લા પાસે બનેલા મારા મારીના આ બનાવનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. આ બનાવે કરજણ સહિત તાલુકામાં ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પાન સેન્ટર ઉપર વાતો કરતા હતા
કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, કરજણ જુના બજારમાં હનુમાન ફળિયામાં રહેતા કરજણ ભાજપા યુવા મોરચાના પ્રમુખનો ભાઇ જયવિરસિંહ અજયસિંહ અટાલીયા પરિવાર સાથે રહે છે. ગુરૂવારે બપોરના સમયે જયવિરસિંહ મિત્ર શિવમ ઠાકોરનું કામ હોવાથી કરજણ જુના બજાર મળવા માટે ગયો હતો. અને માર્કેટ સ્થિત બાબા બજરંગ પાન સેન્ટર ઉપર ઉભા રહી બંને વાતો કરી રહ્યા હતા.
માર મારી શર્ટ ફાડી નાંખ્યો
દરમિયાન મીયાગામના જયેન્દ્રસિંહ હમીરસિંહ ગોહિલ તથા પૃથ્વીસિંહ બળવંતસિંહ ગોહિલ મોટર સાઇકલ ઉપર આવી પહોંચ્યા હતા. અને એક માસ ઉપર કરજણ ટોલનાકા ઉપર થયેલા ઝઘડાની અદાવત રાખી જયેન્દ્રસિંહ ગોહિલ અને પૃથ્વીસિંહ ગોહિલે કરજણ ભાજપા યુવા મોરચાના પ્રમુખ પ્રણવ અટાલીયાના ભાઇ જયવીરસિંહ અટાલીયાની ફેંટ પકડી મારવાનું શરૂ કરી દીધું હતું. અને વધુ માર મારવા માટે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાંખ્યો હતો.
બંને ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી
આ ઝઘડા સમયે પાનના ગલ્લા ઉપર હાજર શિવમ ઠાકોર તેમજ હર્ષ અરોરાએ મિત્ર જયવીરસિંહ અટાલીયાને મારી રહેલા મીયાગામના જયેન્દ્રસિંહ ગોહિલ અને પૃથ્વીસિંહ ગોહિલના સંકજામાંથી છોડાવ્યા હતા. તે સમયે જયેન્દ્રસિંહ અને પૃથ્વીસિંહે ભાજપા યુવા મોરચાના પ્રમુખના ભાઇને ધમકી આપતા જણાવ્યું હતું કે, આજે તો તું બચી ગયો છે. પરંતુ, હવે જો બીજે મળીશ તો તને જીવતો છોડીશું નહિં. અને તારા મોટા ભાઇને પણ જાનથી મારી નાંખીશું.
કરજણ પોલીસ મથકમાં ફરિયાદ
એક માસ પહેલાં થયેલા ઝગડાની અદાવતમાં મીયાગામ કરજણના જયેન્દ્રસિંહ હમીરસિંહ ગોહિલ અને પૃથ્વીસિંહ બળવંતસિંહ ગોહિલે માર મારી ધમકી આપતા તેઓ સામે કરજણ ભાજપા યુવા મોરચાના પ્રમુખના ભાઇ જયવીરસિંહ અટાલીયાએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.