વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ચોરપુરા ગામના ગ્રામજનો પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા બાળકોને ઘોડા પર બેસાડીને શાળામાં લાવ્યા હતા. શાળામાં પ્રથમ દિવસ સેલ્ફી પોઇન્ટ પર બાળકોની તસવીરો લેવામાં આવી હતી. આચાર્ય આરિફભાઈએ બાળકોની શાહી સવારી માટે ગોઠડાથી ઘોડો મંગાવ્યો હતો.
2022ના શાળા પ્રવેશોત્સવને યાદગાર બનાવ્યો
ગામના લોકોએ પ્રાથમિક શાળામાં પ્રવેશ લેનારા પ્રત્યેક બાળકને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો ઉત્સાહ જાગે એવો અભિનવ પ્રયોગ કર્યો છે અને 2022ના શાળા પ્રવેશોત્સવને યાદગાર બનાવ્યો છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરીએ આ ગામના લોકોને શાળા પ્રવેશમાં અભીનવતા સિંચવા માટે અભિનંદન આપ્યા છે અને તેમના ઉત્સાહને બિરદાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ ગામમાં પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનારા ભૂલકાઓને સજાવેલા ઘોડા પર બેસાડીને શાળામાં લાવવાનો અભિનવ પ્રયોગ કર્યો હતો. તેના લીધે શાળાએ આવવાની આનાકાની કરવાને બદલે બાળકો હોશ અને જોશ સાથે શાળામાં આવ્યા હતા.
વિશેષ સેલ્ફી પોઇન્ટ બનાવ્યો
આ ઉપરાંત વર્તમાન સમયના ક્રેઝ પ્રમાણે મારો શાળામાં પ્રથમ દિવસ એવો વિશેષ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો જ્યાં બાળકોની તસવીરો લેવામાં આવી હતી. આ રીતે ભૂલકાંઓનો શાળા પ્રવેશ ગ્રામજનોએ આનંદ ભર્યો અને યાદગાર બનાવ્યો હતો. ચોરપુરા ગામ ગોઠડાથી ત્રણ કિલોમીટર અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. આરિફભાઈ પઠાણ 2001થી આ નાનકડા ગામની નાનકડી શાળામાં શિક્ષણ આપી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે બાળકનો શાળા પ્રવેશ એ જીવનનો સહુથી વધુ અગત્યનો પ્રસંગ ગણાય. એટલે એને શાનદાર બનાવવા છેક ગોઠડાથી ઘોડો મંગાવ્યો અને પ્રવેશ મેળવનાર 5 દીકરીઓ અને 3 દીકરાઓને શાનથી શાળામાં આવકાર્યા હતા.
શિક્ષણાધિકારીએ અભિનંદન આપ્યા
શાળાના સહ આચાર્ય સપનાબેન બાબુભાઈ પટેલ કહે છે કે, આ ગામના મોટાભાગના પરિવારો સામાન્ય આર્થિક પરિસ્થિતિ, શ્રમજીવી છે પણ શાળાના પ્રત્યેક પ્રસંગમાં ઉત્સાહ થી જોડાય છે. વર્ષમાં એકવાર વાલીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીએ છે તેના ગરબા સહિતના આયોજનમાં વાલીઓ હરખભેર ભાગ લે છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ શાળાના શિક્ષક સમુદાયને પણ ગામ લોકો સાથે ઘરોબો કેળવી,એમનો વિશ્વાસ સંપાદિત કરીને શાળા પ્રવેશોત્સવ ને નવી ભાત પાડનારો બનાવવા માટે અભિનંદન આપ્યા છે.
ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ
શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વાલીએ પોતાના બે બાળકોનું ખાનગી શાળામાં એડમિશન લેવાના બદલે સરકારી સ્કૂલમાં એડમિશન લીધું હતું. અને પોતાના બાળકોનું સરકારી શાળામાં એડમિશન લેવાની ખુશીમાં સ્કૂલના 400 વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું હતું. વડોદરા શહેરના આજવા રોડ ઉપર રહેતા આર.એસ. ગલસરે પોતાના બે બાળકો શ્રુતિ અને પ્રિન્સનું ખાનગી સ્કૂલમાં એડમિશન લેવાના બદલે સયાજીપુરા સરકારી શાળામાં એડમિશન લીધું છે અને બાળકોના એડમિશન લેવાની ખુશીમા ફન ક્લબના સભ્યોના સહકારથી હિમાંશુ મોરે, મુનાભાઈ, સામંતભાઈ, અમન ભાઈ રાણા અને હિમાંશુ રોહિત દ્વારા તિથી ભોજન યોજના હેઠળ સ્કૂલના 400 બાળકોને ભોજન કરાવ્યું હતું.
બાળકને સરકારી સ્કૂલમાં મૂકોઃ વાલી
વાલીએ જણાવ્યું હતું કે, બાળકને સરકારી સ્કૂલમાં મૂકો. એવું જરૂરી નથી કે, બાળકને પ્રાઇવેટ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મુકવાથી બાળક હોશિયાર થાય, એ આપણી માનસિકતા છે. બાળકને તમે જે વિચાર સંસ્કાર આપશો એવું બનશે. માટે પોતાના બાળકને સામાન્ય સ્કૂલમાં ભણાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.