શ્રીજીને ભાવૂક વિદાય:વડોદરામાં વિઘ્નહર્તા દુંદાળા દેવનું નિર્વિઘ્ને વિસર્જન, પૂઢચ્યા વર્ષી લવકરયાના જયઘોષથી રસ્તા ગુંજ્યા

વડોદરા23 દિવસ પહેલા
દસ દિવસ શ્રીજીને લાડ લડાવનાર પરિવાર શ્રીજીને વિદાય આપતી વખતે ભાવુક બન્યું હતું
  • કાર, ટેમ્પો, ઓટો રિક્શા, બાઇક દેવા વ્હિકલોમાં બાપાને વિસર્જન માટે લવાયા
  • શહેરના માર્ગો ગણપતિ બાપા મોરયા..પૂઢચ્યા વર્ષી લવકરયાના જયઘોષથી ગુંજ્યા
  • શહેરના માર્ગો ઉપર યુવક મંડળો દ્વારા પાણી-સરબતની વ્યવસ્થા
  • વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો, હનુમાન કૂદકા અને ગરબાની રમઝટે આકર્ષણ જમાવ્યું
  • અસહ્ય ઉકળાટથી વિસર્જન યાત્રામાં જોડાયેલા લોકો ત્રાહિમામ

આજે આનંદ ચૌદશના પાવન દિવસે વડોદરાના લોકોએ ગણપતિ બાપા મોરયા...પૂઢચ્યા વર્ષી લવકરયા..ના ગગનભેદી જયઘોષ વચ્ચે દસ દિવસથી મોંઘેરું આતિથ્ય માણી રહેલા મંગલ મૂર્તિને ભાવભરી વિદાય આપી હતી. સવારથી શહેરના તમામા માર્ગો ઉપર શ્રીજીની વિસર્જન યાત્રાઓ નિશ્ચિત તળાવો તરફ જવાની શરૂઆત થઇ ગઇ હતી. શ્રીજીની વિસર્જન યાત્રાઓમાં વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો, યુવાનો, પુરૂષોએ આકર્ષણ જમાવ્યું હતું. તો હનુમાન કૂદકાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તળાવોમાં શ્રીજીના વિસર્જન સમયે પરિવારજનો અને ગણેશ મંડળો ભાવુક બન્યા હતા. અને આવતા વર્ષે વહેલા પધારવાના બાપા પાસે કોલ લઇ વિદાય આપી હતી. સમગ્ર શહેર ગણેશમય બની ગયું હતું.

કારમાં શ્રીજીને વિદાય આપવા આવેલા પરિવારે આરતી કરી
કારમાં શ્રીજીને વિદાય આપવા આવેલા પરિવારે આરતી કરી

ચાર પેઢીથી સ્થાપના કરીએ છે
વડોદરાના નવાપુરામાં રહેતા મીનાબહેન પટેલે જણાવ્યું હતું કે, અમે 40 વર્ષ ઉપરાંતથી અમારા ઘરમાં ગણપતિની દસ દિવસ માટે સ્થાપના કરીએ છે. ગણેશ ચતુર્થીથી શરૂ થતાં ગણેશોત્સવના એક સપ્તાહ પહેલાંથી અમારા ઘરમાં કોઇ મોટો શુભપ્રસંગ આવી રહ્યો હોય, તેવી તૈયારીઓ શરૂ કરીએ છે. દસ દિવસ માટે આવતા શ્રીજીને સવાર-સાંજ તેમના પ્રિય લાડુ, મોદક જેવી વિવિધ પ્રકારની મિઠાઇઓનો ભોગ ધરાવીએ છે. અને બાપાની પૂરી શ્રધ્ધા સાથે પૂજા-અર્ચના કરીએ છે. દસ દિવસ પવિત્રતા પણ જાળવીએ છે.

વાજતે ગાજતે વિદાય લઇ રહેલા પ્રતાપ મડઘાની પોળના શ્રીજી
વાજતે ગાજતે વિદાય લઇ રહેલા પ્રતાપ મડઘાની પોળના શ્રીજી

બાપાની બહું યાદ આવશે
તેમણે વધુમાં જણાવ્યું કે, દસ દિવસ ઘરમાં એક પરિવારના સભ્યની જેમ રહેતા પાર્વતી નંદનનો જેમ વિદાયનો સમય નજીક આવે તેમ પરિવારમાં નિરાશ છવાઇ જતી હોય છે. આજે અમોને ભારે દુઃખ થઇ રહ્યું છે. હવે બાપા એક વર્ષ બાદ પરત આવશે. ગત રાત સુધી અમારું ઘર ભરેલું લાગતું હતું. આજે બાપાના વિદાય સાથે અમારું ઘર ખાલી ખમ થઇ જશે. આગામી એક-બે દિવસ સુધી દિવસ પસાર કરવો પણ મુશ્કેલ થઇ જશે. જ્યારે બાપા ઘરમાં હતા ત્યારે ઘરેથી જવાનું પણ ગમતું ન હતું. દસ દિવસ સુધી બાપ ઘરમાં રહેતા હોવાથી ઘરનું વાતાવરણ પણ ભક્તિમય વાતાવરણમાં તરબતર થઇ જાય છે. આજે અમારું ઘર સુમસામ લાગશે. બાપાની ખૂબ યાદ આવશે.

શ્રીજીની વિસર્જન યાત્રામાં મનમૂકીને નાચી રહેલી યુવતીઓ
શ્રીજીની વિસર્જન યાત્રામાં મનમૂકીને નાચી રહેલી યુવતીઓ

મોટા શ્રીજીની સવારીઓએ ભારે આકર્ષણ જમાવ્યું
આજે નમતી બપોરે શહેરના ન્યાય મંદિર ખાતે આવેલા પ્રતાપ મડઘાની પોળના શ્રીજીની ભવ્યાતિભવ્ય સવારી નીકળી હતી. ડીજે સાથે નીકળેલી શ્રીજીની ભવ્ય સવારીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તે બાદ સમી સાંજથી શહેરના પાણીગેટ યુવક મંડળ, માંડવી શામળ બેચરની પોળ યુવક મંડળ, મહેતા પોળ ગણેશ યુવક મંડળ, કાલુપુરા ગણેશ યુવક મંડળ, પ્રતાપનગર રોડ ગણેશ યુવક મંડળની શ્રીજી વિસર્જન સવારીઓ શરૂ થઇ ગઇ હતી. તો બીજી બાજુ રાજમહેલ રોડ, રાવપુરા રોડ ઉપર પણ વિવિધ વિસ્તારના ગણેશ મંડળોના શ્રીજીની વિસર્જન સવારીઓ શરૂ થઇ ગઇ હતી. તેજ રીતે કાશિવિશ્વનાથ મંદિર રોડ, સ્ટેશન વિસ્તાર સહિત પશ્ચિમ વિસ્તાર, ઉત્તર વિસ્તારોના માર્ગો પણ શ્રીજીની ભવ્યાતિ ભવ્ય સવારીઓ નિશ્ચિત તળાવો તરફ આવવાની શરૂઆત થઇ ગઇ હતી. શ્રીજીની સવારીઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ, પર્યાવરણ સહિતના સંદેશાના ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

શ્રીજીનું કુત્રિમ તળાવમાં વિસર્જન
શ્રીજીનું કુત્રિમ તળાવમાં વિસર્જન

વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકોએ આકર્ષણ જમાવ્યું
મહેતા પોળ ગણેશ યુવક મંડળ, માંડવી શામળ બેચર પોળ ગણેશ યુવક મંડળ, કાલુપુરા ગણેશ યુવક મંડળ સહિત અન્ય ગણેશ યુવક મંડળોએ પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ આગવું આકર્ષણ જમાવ્યું હતું. મહેતા પોળની શાહી સવારીમાં મહિલાઓ અને પુરૂષો ડ્રેસ કોડમાં જોડાયા હતા. ઘોડે સવાર ભારત માતાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. તો વિવિધ વેશભૂષામાં જોડાયેલા બાળકોએ પણ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું હતું. શ્રીજીની સવારીઓમાં હનુમાન કૂદકાઓએ પણ લોકોને ખૂશ કરી દીધા હતા. યાત્રામાં ડી.જે.ના તાલે ડાન્સ અને ગરબાની રમઝટે લોકોમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું. શહેરના ખૂણેખૂણામાંથી લોકો શ્રીજીને વિદાય આપવા માટે ઉમટી પડ્યા હતા. શ્રીજીની યાત્રા માર્ગો ઉપર મેળા જેવો માહોલ રહ્યો હતો. ભારે આતશબાજીથી શહેરમાં દીવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...