ઇટાલિયાના 'ડ્રગ્સ સંઘવી' નિવેદનનો વળતો પ્રહાર:વડોદરામાં ભાજપના મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું: 'અરવિંદ કેજરીવાલ અર્બન નક્સલી છે'

વડોદરા3 મહિનો પહેલા

શહેરમાં આજે એક ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અર્બન નક્સલી કહ્યા હતા. ઉલ્લેખનીય છે કે AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' કહ્યા બાદ દેવુંસિંહનું આ નિવેદન મીડિયા સમક્ષ આવ્યું છે.

આદિવાસીઓને ગેરમાર્ગે દોર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે નેતાઓ એકબીજા પર કટાક્ષભર્યા નિવેદનો કરી રહ્યા છે. ભાજપના નેતા અને કેન્દ્રિય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ આજે વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના લોકહિત કાર્યો તથા બાળકો માટે આયોજીત ચિત્ર સ્પર્ધાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે, કેજરીવાલ અર્બન નક્સવાદીઓનું ટોળું છે જે મેધા પાટકર કે જેઓએ નર્મદા વિરોધી આંદોલનો કર્યા હતા. જે તે વખતે નર્મદાનું ફંડ આપણે ત્યાં આવતું અને આપણે જ્યારે નર્મદાની યોજનાઓ બનાવી ત્યારે આદિવાસી જેવા ભોળા લોકોને છેતર્યા. આજે તમે જોશે કે આદિવાસી વિસ્તારોમાં 35 ટકા લોકો પોતાનું ટુ-વ્હિલર ધરાવે છે અને વ્યવસાય ધરાવે છે. 56 ટકા આદિવાસીઓના તો પાકા ઘર છે.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

નર્મદા યોજના વિશે ગપગોળા ચલાવ્યા
દેવુસિંહે કહ્યું હતું કે વિરોધીઓએ એવી ભયંકર કલ્પનાઓ કરીને બતાવી હતી કે આદિવાસીઓની સંસ્કૃતિ નાશ પામશે. આદિવાસીઓ શહેરમાં જશે તો ઝૂંપડપટ્ટીમાં રહેશે. પરંતુ તેના બદલે આજે એ જ આદિવાસી સુખી થયો છે. અને એ સુખી થવાનું કારણ નર્મદા પ્રોજેક્ટ છે. ત્યારે નર્મદા વિશે ગપગોળા કરનારા મેધા પાટકર અને આખી આણી મંડણી, કેજરીવાલ ગુજરાતના ચરણોમાં આવ્યા છે. ગુજરાતના લોકોની સમજદારી ઘણી ઉંચી છે. ડિસેમ્બરમાં જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે એ લોકોને ખબર પડશે.

વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ.
વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ.

ઇટાલિયાના નિવેદન બાદ દેવુસિંહનો વાકપ્રહાર
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ તાજેરતમાં જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહ્યા હતા અને તેમની સામે કેસ દાખલ થયો છે. ત્યારે હવે દેવુસિંહ ચૌહાણે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને અર્બન નક્સલી કહ્યા છે.