છેતરપિંડી:વડોદરામાં KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 85 હજાર તફડાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થ્રી સ્ટેપ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ભેજાબાજોએ ખેલ પાડ્યો
  • ગોત્રીના વૃદ્ધને BSNLનું સિમકાર્ડ રિન્યૂ કરાશે તેમ કહ્યું હતું

મોબાઈલ કેવાયસી અપડેટ કરવાના નામે ઠગે ગોત્રીમાં રહેતા દંપતીના બેંક એકાઉન્ટમાંથી 85 હજાર તફડાવી લીધા હતા. દંપતીએ ગોત્રી પોલીસમાં ફરિયાદ કરી હતી. ગોત્રી વિસ્તારમાં 77 વર્ષીય રઘુભાઈ રાઠોડ પત્ની સાથે રહે છે. વિદેશમાં રહેતો તેમનો પુત્ર દર મહિને પિતાના બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરાવતો હતો. ગત શુક્રવારે રઘુભાઈના ફોન પર 4 અલગ-અલગ નંબર પરથી કોલ આવ્યા હતા.

કોલ કરનારે જણાવ્યું હતું કે, તેમનું કેવાયસી રિન્યુ કરાવવાનું બાકી છે અને તેના દ્વારા બીએસએનએલનું સિમકાર્ડ પણ રિન્યૂ કરવામાં આવશે, જેની ફી રૂા.10 થશે. તેમણે પ્રક્રિયા માટે હા પાડતા કોલરે રઘુભાઈ પાસે બીએસએનએલ થ્રી સ્ટેપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ ડેબિટ કાર્ડની વિગત મેળવી લીધી હતી અને તેના દ્વારા તેમના બેંક અકાઉન્ટમાંથી 85 હજાર તફડાવી લીધા હતા.

રિન્યૂનો કોઈ મેસેજ ન આવતાં અને 85 હજાર ઉપાડાયા હોવાનો મેસેજ આવતાં રઘુભાઈએ કોલરને કોલ કરતાં લાગ્યો નહતો. તેમજ કોઈ મેસેજ ન આવતાં શંકા ગઈ હતી, જેથી આ વિશે પોતાના દીકરાને જાણ કરી હતી. દીકરાએ તેમને ઓનલાઈન છેતરપિંડી અંગે માહિતી આપી હતી અને ફરિયાદ કરવાનું કહેતા રઘુભાઈએ અજાણ્યા કોલર વિરુદ્ધ ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...