અકસ્માતનાં LIVE દૃશ્યો સામે આવ્યાં:વડોદરામાં બે રિક્ષા સામસામે અથડાતાં યુવતી રોડ પર પટકાઈ, એક રિક્ષામાંથી દારૂની રેલમછેલ થઈ

વડોદરા24 દિવસ પહેલા

વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે મુખ્ય માર્ગ પર ગઈકાલે વહેલી સવારે બે રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં દારૂ ભરેલી રિક્ષા પલટી ખાતાં રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ ગઈ હતી. આ ઉપરાંત એક યુવતી રિક્ષામાંથી નીચે પટકાઈ હતી. આ યુવતીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આ સમયે રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ દારૂ ભરીને જતા રિક્ષાચાલકને સ્થળ પરથી દબોચી લીધો હતો અને ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. આ બનાવની જાણ ગોરવા પોલીસને કરતાં પોલીસ દોડી આવી હતી અને ખેપિયાને 48 નંગ દારૂની બોટલો સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

કાચની દારૂની બોટલો રોડ પર ફૂટી ગઈ
ગઈકાલે વહેલી સવારે ઓટોરિક્ષામાં ભારતીય બનાવટના દારૂની બે પેટીઓ ભરીને ખેપિયો પૂરપાટ રેસકોર્સ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અન્ય એક રિક્ષા સાથે ખેપિયાની રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી. દારૂ ભરેલી રિક્ષા ધડાકા સાથે ભટકાતાંની સાથે જ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને એમાં મૂકેલી દારૂની બે પેટીઓ પૈકી એક પેટીમાંથી દારૂની બોટલો રોડ ઉપર પડતાં તૂટી ગઈ હતી, જેથી રોડ ઉપર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી.

બે રિક્ષા વચ્ચેના અકસ્માતના CCTV સામે આવ્યા છે.
બે રિક્ષા વચ્ચેના અકસ્માતના CCTV સામે આવ્યા છે.

ખેપિયો ભાગી જાય એ પહેલાં લોકોએ પકડી લીધો
બે રિક્ષા વચ્ચે અકસ્માત થતાં જ કેટલાક સ્થાનિક રિક્ષાચાલકો અને રાહદારીઓ બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. સ્થળ પર દારૂની રેલમછેલ થતાં જ બચાવવા માટે દોડી ગયેલા લોકો ચોંકી ઊઠ્યા હતા અને રિક્ષામાં દારૂ લઈને જતો ખેપિયો ફરાર થઈ જાય એ પહેલાં જ તેણે દબોચી લીધો હતો. બીજી બાજુ કેટલાક લોકોએ રોડ ઉપર થયેલી દારૂની રેલમછેલનો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.

વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે રસ્તા ઉપર દારૂ ભરેલી રિક્ષા પલટી મારતાં દારૂની રેલમછેલ થઈ ગઈ હતી.
વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે રસ્તા ઉપર દારૂ ભરેલી રિક્ષા પલટી મારતાં દારૂની રેલમછેલ થઈ ગઈ હતી.

પોલીસે 48 નંગ દારૂની બોટલો કબજે કરી
બીજી બાજુ, આ બનાવની જાણ ગોરવા પોલીસને કરતાં પોલીસ દોડી આવી હતી અને સ્થાનિક લોકોએ ઝડપી પાડેલા ખેપિયાનો કબજો લીધો હતો. એ સાથે ઓટોરિક્ષા અને દારૂ ભરેલી એક પેટી સહિત 48 નંગ દારૂની બોટલો કબજે કરી હતી. પોલીસ તપાસમાં દારૂની ખેપ મારનાર વડોદરાના વારસિયા વિસ્તારનો રહેવાસી લાલચંદ લક્ષ્મણ નેભવાની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ખેપિયો લાલચંદ નેભવાની ક્યાંથી દારૂ લઇને આવ્યો હતો અને ક્યાં લઇ જતો હતો એ અંગેની વિગત મેળવવા માટે તેની સામે દારૂની હેરાફેરી તેમજ અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

રિક્ષામાંથી દારૂની બોટલો નીચે પડી ગઈ હતી.
રિક્ષામાંથી દારૂની બોટલો નીચે પડી ગઈ હતી.

ખેપિયાઓ વિવિધ વાહનોમાં દારૂની ખેપ મારે છે
ગઈકાલે વહેલી સવારે રેસકોર્સ પાસે મુખ્યમાર્ગ ઉપર બનેલા બનાવને કારણે લોકોનાં ટોળાં એકઠા થઇ ગયાં હતાં. એ સાથે ટ્રાફિક વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. કહેવાય છે કે વડોદરા શહેરમાં વહેલી સવારે તેમજ સમી સાંજના સમયે નાના-મોટા ખેપિયાઓ ઓટોરિક્ષા, ટૂ-વ્હીલર તેમજ કાર જેવાં વાહનોમાં બિનધાસ્ત દારૂની ખેપ મારતા હોય છે, જેનો પુરાવો આજે સવારે રેસકોર્સ સર્કલ પાસેના રોડ પર બનેલી ઘટના છે.

આરોપી લાલચંદ લક્ષ્મણ નેભવાની.
આરોપી લાલચંદ લક્ષ્મણ નેભવાની.

ઘટનાના CCTV સામે આવ્યા
દારૂ ભરેલી રિક્ષા પલટી ખાતાં રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ ગઈ હતી. આ ઉપરાંત એક યુવતી રિક્ષામાંથી નીચે પટકાઈ હતી. આ યુવતીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આ સમયે રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ દારૂ ભરીને જતા રિક્ષાચાલકને સ્થળ પરથી દબોચી લીધો હતો અને ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.

રિક્ષામાંથી દારૂની એક પેટી મળી હતી.
રિક્ષામાંથી દારૂની એક પેટી મળી હતી.
અન્ય સમાચારો પણ છે...