મારામારી:વડોદરામાં ક્રિકેટમાં બાઉન્ડ્રી મારવા બાબતે એક જ કોમના બે જૂથ પાઇપ અને હથિયારો લઈ સામસામે આવી ગયા, 7 લોકો ઇજાગ્રસ્ત

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજ પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફતેગંજ પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર.

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક જ કોમના બે ટોળા વચ્ચે મારામારી થઇ હતી અને પાઇપ, મારક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી બંને જૂથના 7 જેટલા લોકો ઇજાગ્રસ્તો થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને જૂથે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સામ-સામે ફરિયાદ નોંધાવી છે.

બાઉન્ડ્રી મારવા મામલે ઝઘડો થયો
ગોરવા બ્રિજ પાસે આવેલ સાઇમા સોસાયટીમાં રહેતા અને નિઝામપુરા સ્થિત કોટક મહિન્દ્રા બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા મોહંમદઆરીફ મોહમદઆલમ ખાન રવિવારે સવારે ગોરવા અમીના પાર્ક સોસાયટીમાં આવલે મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. ક્રિકેટ રમવા દરમિયાન સમીર આલમ પઠાણ સાથે બાઉન્ડ્રી મારવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં સમીરે જમણી આંખ ઉપર ફેટ મારી હતી. જેથી મોહંમદઆરીફે નરહરી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને કોઇ ફરિયાદ કર્યાં વિના ઘરે જતાં રહ્યા હતા.

નવાયાર્ડમાં જતાં હુમલાનો આક્ષેપ
મોહંમદઆરીફ ઘરે આરામ કરતા હતા, ત્યારે બપોરે ત્રણ વાગ્યા આસપાસ તેમનો ભાણીયો જીશાન રીજવાન પઠાણ તેની દાદીને મળવા નવાયાર્ડ કુમારચાલ છાણી રોડ વડોદરા ખાતે ગયો હતો અને તેને નવાયાર્ડ કુમારચાલમાં રહેતા સમીર પઠાણ તથા સુફીયાન પઠાણ અને મોહંમદ કૈફ યુનીશ અલી પઠાણ તેમજ કૈઇમ અસ્ફાકઅલી પઠાણ (તમામ રહે. નવાયાર્ડ)એ માર માર્યો હતો.

જેથી તેને બચાવવા માટે મોહંમદઆરીફ ત્યાં પહોંચ્યા હતા. જેથી સમીર પઠાણ સહિતના તેના સાગરીતોએ મોહંમદઆરીફ અને તેમના કૌટુંબિક ભાઇ હુસેનઆલમ સફીઆલમને પણ પાઇપથી માર માર્યો હતો. જેથી તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ આ બનાવમાં કુલ ત્રણ લોકોને ઇજાઓ થઇ હતી.

સામે પક્ષે પણ ચાર લોકોને ઇજા
સામે પક્ષે ફૈઇનખાન અસ્ફાઅલી પઠાણે ફરિયાદ નોંધાવી છે કે, સુલતાન આલમ ઉર્ફે પુન્નો, મોહંમદ આરીફ, મોહીન સતારઅલામ, આબીદ, સુલતાનઆલમ, જાવેદ મુનાવર, જાહીન મુનાવર, બહારઆલમ, જૈનુન આલમ, પપ્પુ સફીઆલમ, જીશાન રાજુ પઠાણ અને સતારઆલમ તેમના ઘરે ઘસી આવ્યા હતા અને મોઇન ક્યાં છે કહી ક્રિકેટ રમવા બાબતે થયેલ ઝઘડોની અદાવતમાં પાઇપ, ધારદાર હથિયાર અને પથ્થરથી હુમલો કર્યો હતો.

જેમાં ફૈઇનખાન અને તેમના ભાઇઓ સુફીવાન, મોહંમદ કૈફ પઠાણ તથા સમીરઅલીને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ એક જ કોમના બે ટોળા વચ્ચે થયેલા અથડામણમાં કુલ સાત લોકોને ઇજાઓ થતાં તેમણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સામ-સામે ફરિયાદ નોંધાવી છે.