વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલી રોયલ વિલા સોસાયટીમાં કાર પાર્કિંગ બાબતે એક શખ્શે દંપતીનુ પથ્થરમારી માથું ફોડી નાખ્યું હતું. તેમજ પટ્ટાથી પણ માર માર્યો હતો. પટ્ટાથી માર મારવાની ઘટના સોસાયટીના રહીશોએ મોબાઇલમાં કેદ કરી લીધી છે. આ મામલે આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.
નો-પાર્કિંગનું બોર્ડ છતાં કાર મુકતો
વડોદરાના માંજલુપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડસર રોડ પર સ્થિત રોયલ વિલા સોસાયટીમાં રવિવારે ક્લબ હાઉસની જગ્યામાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઇ હતી. જેમાં ક્લબ હાઉસની જગ્યામાં પાર્કિંગ ન કરવું તેવા બોર્ડ લગાવ્યા છતાં સોસાયટીમાં રહેતા રોમીલ ઉર્ફે બબલુ પહવારી રોય અડચરણરૂપ થાય તેમ કાર પાર્કિંગ કરતો હતો. જેથી આ સોસાયટીના પ્રમુખ હિમાંશુભાઇ પટેલ અને સોસાયટીના રહીશો રોમીલ ઉર્ફે બબલુને સમજાવવા ગયા હતા.
ઇંટો અને પથ્થર મારી માથું ફોડી નાખ્યું
દરમિયાન બબલુ રોય ઉશ્કેરાઇ ગયો હતો અને તેના કુટુંબીજનો જુગલ કિશોર પહવારી રાય અને અજીત જુગલ કિશોર રાયને બોલાવી લાવ્યો હતો. જ્યાં અજીત રાય નામના શખ્સે આવીને સીધા જ સોસાયટીમાં રહેતા સભ્યો પર પટ્ટો લઇ મારવા તૂટી પડ્યો હતો. સાથે જુગલે સોસાયટીમાં રહેતા ગૌરાંગભાઇ મિસ્ત્રીને માથામાં ઇંટ મારી હતી . જેથી ગૌરાંગભાઇ લોહીલુહાણ થઇ ગયા હતા. તેમજ અજીતે ગૌરાંગભાઇની પત્ની હિરલબેનને માથામાં છુટ્ટો પથ્થર માર્યો હતો જેમાં હિરલબેનને પણ માથામાં ઇજાઓ થઇ હતી.
જાનથી મારી નાખવાની ધમકી આપી
ગૌરાંગભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને માથામાં છ ટાંકા આવ્યા હતા. તેમજ તેમની પત્ની હિરલબેનને પણ માથે પાટાપિંડી કરવામાં આવી હતી. ઝપાઝપી દરમિયાન સોસાયટીના પ્રમુખ હિમાંશુભાઇ પટેલને પણ બબલુએ મોઢાના ભાગે મૂઢમાર માર્યો હતો. સાથે આરોપીઓએ સોસાયટીના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજાગ્રસ્ત ગૌરાંગભાઇએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ રોમિલ ઉર્ફે બબલુ, જુગલ કિશોર પહવારી રાય અને અજીત રાય સામે ફરિયાદ દાખલ કરાવી છે.
અચાનક જ પટ્ટાથી હુમલો કર્યો
દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં ગૌરાંગભાઇના પત્નીએ હિરલબેને જણાવ્યું હતું કે, અજીત રાય નામના શખ્સે કોઇ કંઇ સમજે એ પહેલા જ મહિલાઓ પર અને પુરુષો પર પટ્ટાથી હુમલો કરી દીધો હતો. મને માથામાં બેલ્ટનો ખૂણો વાગતા લોહી નિકળવા લાગ્યું હતું. મારા પતિને માથામાં ઇંટ વાગતા છ ટાંકા આવ્યા છે. હુમલાખોરો અગાઉ પણ આ વિસ્તારમાં અન્ય લોકો સાથે ઝઘડો કરી ચુક્યા છે.
સોસાયટીના પ્રમુખને પણ મૂઢમાર માર્યો
રોયલ વિલા સોસાયટીના પ્રમુખ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, રવિવારે અમે સોસાયટીની રૂટિન મિટિંગ બોલાવી હતી. આ દરમિયાન ક્લબ હાઉસની જગ્યામાં બબલુ રાય દ્વારા ખોટી રીતે પાર્કિંગ કરવામાં આવતું હોવાનો ઇશ્યું ઉઠ્યો હતો. જેથી અમે બબલુ રાયને સમજાવવા ગયા હતા. પરંતુ બબલુએ બીજા કુટુંબીજનોને બોલાવી લીધા અને સોસાયટીના રહીશોને માર માર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.