4 સામે ફરિયાદ:વડોદરામાં જેસીબીથી ત્રણ ફ્લેટનું સ્ટ્રક્ચર તોડી 40 લાખના ભંગારની ચોરી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજવા રોડના સ્ટ્રક્ચરના 3 ફ્લેટમાં તોડફોડ કરી ભંગારની ચોરી કરાઇ. - Divya Bhaskar
આજવા રોડના સ્ટ્રક્ચરના 3 ફ્લેટમાં તોડફોડ કરી ભંગારની ચોરી કરાઇ.
  • જમીન ખરીદીના અધિકાર મળ્યા બાદ અન્યને જમીન વેચી દીધી
  • આજવા રોડ પર વિવાદિત જમીનના બનાવમાં 4 સામે ફરિયાદ

આજવા રોડ પર આવેલી વિવાદિત જમીનમાં જેસીબી, હિટાચી અને ટ્રેક્ટર સાથે 15 જેટલા શખ્સોના ટોળાએ 3 ફ્લેટના 4 માળના સ્ટ્રક્ચરને જમીનદોસ્ત કર્યું હતું. ટોળકી બિલ્ડિંગમાંથી નીકળેલા રૂા.40 લાખની કિંમતના ભંગારની ચોરી કરી ભાગી ગઈ હતી. બાપોદ પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

બાપોદ પોલીસ સૂત્રો મુજબ પ્રિયાંક કુમાર પાંડે (રહે. અલકાપુરી, મૂળ ઉત્તર પ્રદેશ) મુંબઈની સંસ્કૃતિ ઈન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સાઇટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની જમીન લે વેચ કરવાની સાથે ડેવલપમેન્ટ કરવાનું પણ કામ કરે છે. વર્ષ 2021માં મુંબઈના નિલય દેસાઈએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માટે સંસ્કૃતિ કંપનીને મેસર્સ પીએસસીએલ લિમિટેડની જમીન બતાવી હતી. જે જમીન સંસ્કૃતિ કંપનીએ ખરીદવાની ઈચ્છા ધરાવતાં વેચાણ પ્રક્રિયા હાથ ધરી હતી.

આ કંપનીના ડાયરેક્ટર મુંબઈ હોઇ, અવાર-નવાર ગુજરાત આવી ન શકવાથી માત્ર ખરીદી હેતુ રજિસ્ટર કચેરીમાં નિલય દેસાઈને જમીન કંપનીના નામે ચઢાવવાનો અધિકાર આપ્યો હતો. ત્યારબાદ સર્વે નંબર 607 એ પૈકી 2.72 હેક્ટર વાળી જમીનમાં ફ્લેટ બનાવવા બાંધકામ શરૂ કર્યું હતું અને 4 માળની ઇમારત ઊભી કરી હતી.

દરમિયાન નિલય દેસાઈએ આ જમીન ખોટી રીતે સંજય જેયતીલાલ જૈન (રઘુઅલીલામોલ, કાંદીવલી, વેસ્ટ, મુંબઈ)ને ઓછા ભાવમાં વેચી હતી. જે અંગેની જાણ કંપનીને થતાં કોર્ટમાં દાવો માંડ્યો હતો. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ જમીનની દેખરેખ કરતા હતા. જમીન ફરતે સંસ્કૃતિ કંપનીએ પતરાંની દીવાલ ઊભી કરી હતી.

દરમિયાન 15 જેટલા લોકોના ટોળું જેસીબી, ટ્રેક્ટર ટ્રોલી તથા હિટાચી મશીન સાથે ધસી આવ્યું હતું અને 3 ટાવરના સ્ટ્રક્ચર તોડી તેમાંથી લોખંડના સળિયા, સ્ટીલના સળિયા સહિતનો ભંગાર ઉઠાવી ગયા હતા. સ્થળ પર હાજર ભાવેશ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, હમીર ભરવાડે સ્ટ્રક્ચર જૂનું થઈ ગયું હોઇ તોડી પાડવાનું કામ સોંપ્યું છે અને સંજય જૈન તથા પરેશ પટેલે ઓથોરિટી આપી છે. બાપોદ પોલીસે હમીર ભરવાડ, પરેશ પટેલ, નિલય દેસાઈ અને સંજય જૈન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...