શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિએ અન્ય મહિલા સાથે સંબંધ છે. તેમજ તેનાથી એક પુત્ર પણ છે. પરિણીતાને છૂટાછેડા આપ્યા વિના જ પતિએ તરછોડતા આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને પુત્રી
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતી મહિલાન લગ્ન વર્ષ 2010માં માણેજાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા રાજેશ રાજારામ હોગાડે સાથે થયા હતા. લગ્ન જીવનથી તેમને એક પુત્ર અને ત્યાર બાદ એક પુત્રી જન્મી હતી. પુત્રીના જન્મ બાદ પતિ અને સાસરીયાનો વ્યવહાર બદલાઇ ગયો હતો અને તેને નાની-નાની વાતોમાં ત્રાસ આપતા હતા. પરંતુ પરિણીતા આ ત્રાસ સહન કરતી રહી કારણ કે સાસુ તેના સગા ફોઇ થતાં હતા.
બીજી મહિલા સાથે સંબંધ રાખતા તેને પણ પુત્ર થયો
આખરે પતિનો ત્રાસ સહન ન થતાં પરિણીતા પિયર જતી રહી હતી. દરમિયાન પરિણીતાને જાણવા મળ્યું હતું કે પતિને અન્ય એક યુવતી સાથે સંબંધ છે અને તેનાથી પુત્ર પણ થયો છે. એટલું જ નહીં પરંતુ પતિએ તાજેતરમાં એક નવું મકાન લીધું તેના વાસ્તુપૂજનની આમંત્રણ પત્રિકામાં પણ તે મહિલાનું નામ લખાવ્યું હતું અને તેની સાથે વાસ્તુની પુજા પણ કરી હતી. જેથી પરિણીતાએ છૂટાછેડા આપ્યા વિના જ પતિએ અન્ય યુવતી સાથે સંબંધ રાખી પુત્ર પણ થયાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
બાપોદમાં અન્ય એક બનાવમાં પત્નીની પતિ સામે ફરિયાદ
શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે લગ્ન બાદ પતિ અને સાસરીયા દહેજની માંગણી કરી ત્રાસ આપતા હતા.જેથી તે પિયર જતી રહેતા સમાધાન કરી તેને તેડી લાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ પણ હેરાનગતિ જારી રહેતા પરિણીતાએ તેની માતા પાસેથી રૂપિયા લઇને આપ્યા હતા. આમ છતાં સમયાંતરે પતિ ઝઘડાઓ કરતા પરિણીતાએ પતિને છૂટાછેડા આપી દીધા હતા. જો કે ત્યાર બાદ કોર્ટમાં જઇ છૂટાછેડા કેન્સલ કરાવી દીધા હતા. પરંતુ પતિએ પરિણીતાની જાણ બહાર બીજા લગ્ન કરી લેતા તેની સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.